હૂંફ:સંજીવની સમો શબ્દ ‘હજુ સુધી’!

Magazine5/19/2026, 12:35:00 AM
ધર્માંશુ વૈદ્ય આજના માવતર અધીરા થઈ ગયા છે. બાળકની સફળતાનો ગ્રાફ સીધી રેખામાં ઉપર જાય એવી આંધળી દોટમાં તેના આંતરિક વિકાસને હાંફતો કરી દીધો છે. બાળક જ્યારે નિષ્ફળ જાય કે કોઈ વિષયમાં પાછળ પડે ત્યારે તે હતાશ થઈને એક વાક્ય બોલે છે: ‘મને આ નથી આવડતું.’ આ વાક્ય બંધ દરવાજા જેવું છે, જ્યાં મા-બાપની સાચી કસોટી શરૂ થાય છે. જ્યારે બાળક કહે કે ‘મને ગણિત નથી આવડતું’ અથવા ‘મારાથી આ ક્યારેય નહીં થાય’, ત્યારે તે પોતાની ક્ષમતા અને અસ્તિત્વ પર ભારેખમ પૂર્ણવિરામ મૂકી દે છે. આ પૂર્ણવિરામને આશાસ્પદ અલ્પવિરામમાં ફેરવવાની જાદુઈ લાકડી એટલે- હજુ સુધી (Yet). જ્યારે બાળક નિરાશ થઈને કહે કે ‘મને ગણિત નથી આવડતું’, ત્યારે તમારે તેની આંખમાં આંખ પરોવીને અને તેના ખભે પ્રેમથી હાથ મૂકીને માત્ર એટલું જ ઉમેરવાનું છે: ‘બેટા, તને હજુ સુધી ગણિત નથી આવડતું, પણ ધીરજ અને યોગ્ય પ્રેક્ટિસથી તને ચોક્કસ આવડશે.’ આ બે શબ્દો બાળકના અદૃશ્ય મનોજગતમાં પ્રચંડ ક્રાંતિ સર્જે છે. ‘નથી આવડતું’ એ પથ્થરની લકીર છે, જ્યારે ‘હજુ સુધી નથી આવડતું’ એ વહેતી નદી છે. તે બાળકના કુમળા મગજમાં એવો હકારાત્મક સંદેશો મોકલે છે કે શીખવાની પ્રક્રિયા હજી ચાલુ છે, રસ્તાઓ કાયમ માટે બંધ નથી થયા. આ શબ્દ બાળકની વર્તમાન નિષ્ફળતાને નકારતો નથી, પણ ભવિષ્યની અખૂટ શક્યતાઓ માટે એક બારી સદા ખુલ્લી રાખે છે. સાચી કેળવણી એટલે માત્ર માર્ક્સનું ગણિત નહીં, પણ ચેતનાનું ઊર્ધ્વીકરણ અને વિસ્તરણ છે. આ દિશામાં જ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ કામ કરી રહી છે. આજના આ ગળાકાપ સ્પર્ધાત્મક યુગમાં બાળકો બહુ જલદી હાર માની લે છે. જ્યારે આપણે બાળકની શબ્દાવલિમાં હજુ સુધી નામના શબ્દનું વાવેતર કરીએ છીએ, ત્યારે આ નાનકડો શબ્દ બાળકના ભયને લીલી અતૂટ આત્મવિશ્વાસમાં પલટી નાખે છે. આમપણ, બાળક કોઈ મશીન નથી કે સ્વિચ દબાવતા જ બધું શીખી જાય. તે તો ઈશ્વરે સર્જેલો નાજુક છોડ છે, જેને બરાબર ઊગવા અને પાંગરવા માટે પોતાના આગવા સમયની જરૂર પડે છે. એક સાધારણ દેખાતી ઈયળ ભવિષ્યમાં સુંદર પતંગિયું બની શકે છે, પણ તેને પતંગિયું બનતા હજુ થોડી વાર લાગશે. બસ આટલું સમજવાનું છે. પીપરમિન્ટ: મેં જોયું કે એને જોતા આવડ્યું.
Read Original Article →