પરખ:સંતાન સામે ક્યારેય ના ઉચ્ચારો, આ 8 વિધાન
જયસ્વી પટેલ 1 ‘રડવાનું બંધ કર’ બાળક રડે ત્યારે અકળાઇને આવો વ્યવહાર કરવાને બદલે પ્રેમથી ભેટો, તેની લાગણી સમજો. બાળક પાસે તમે છો..ની સિક્યોરિટી આપો. તે જલ્દી રડતું બંધ થશે. તમારી બીકથી બાળક રડતું બંધ થાય એ યોગ્ય રીત નથી. તેને હૂંફની જરૂર છે, હૂંફ આપો દાદાગીરી નહીં. તેના રડવાનું કારણ જાણો, તેને શાંતિપૂર્વક સમજો.
2 ‘મને ડિસ્ટર્બ ના કર’ બાળક કંઇ કહે કે પૂછે ત્યારે આવું ના બોલો. ઘણાં મા-બાપ કહે કે, મારે હમણાં તારી સાથે વાત નથી કરવી. મા-બાપે બાળક સાથે ઉધ્ધતાઇથી વર્તવું યોગ્ય નથી. એથી બાળકને તમારી ખરેખર જરૂર હશે, ત્યારે તે કન્ફ્યુઝ થશે કે, પ્રોબ્લેમમાં મમ્મી-પપ્પાને પૂછવું કે નહીં? પરિણામ સ્વરૂપે તે અસમંજસમાં મુકાતાં નિર્ણય નહીં લઇ શકે.
3 ‘તારા ભાઈબંધ/સખી પાસેથી કંઇક શીખ’ સંતાનને કંઈ ન આવડે ત્યારે આવું ન બોલો. સંતાનની તુલના અન્ય સાથે કદી ના કરો. આથી બાળકને સખા-સખી પ્રત્યે નકારાત્મક ફીલિંગ્સ આવતા, મા-બાપને પણ ફ્રેન્ડ્સના મા-બાપ સાથે સરખાવે છે. જે સંબંધમાં હાનિકર્તા નિવડે છે. માટે તેની ખામીને સ્વીકારી, તેના ગુણ-ખાસિયતને પ્રોત્સાહિત કરો.
4 ‘આવા ફ્રેન્ડ્સ સાથે ફરીશ તો એમના જેવો થઇ જઇશ’ ઘણાં મા-બાપ સંતાનના ફ્રેન્ડસ વિશે, તારા ફ્રેન્ડ્સ નકામા છે, દોસ્તીમાં જ બગડ્યો છે, ફ્રેન્ડ્સ કંઇ કામના નથી. બાળક કોઇ લાભ માટે ફ્રેન્ડ્સ નથી બનાવતું. એને તો ફ્રેન્ડ્સ એક નિર્દોષ-નિસ્વાર્થ સંબંધ છે, એમાં સારું-નરસું હોતું નથી. જો કોઇ ફ્રેન્ડ્સ અયોગ્ય હોય તો, સંતાનને શાંતિ-ધીરજથી સમજાવો. તમે કેમ તેના સાથે ફરવાની ના પાડી રહ્યા છો તેમને એ કારણ શાંતિપૂર્વક સમજણ પાડો.
5 ‘તારી ઉંમરમાં તો હું તારા કરતાં હોંશિયાર હતો!’ આવું કદી ન બોલો. જે તેના આત્મવિશ્વાસને ડગમગાવી શકે છે. બાળક વધુ સેન્સિટિવલી લેશે. તમારા અને બાળકના ઉછેરમાં આભ-જમીનનો ફેર છે. તેને પ્રોત્સાહન આપવા કહો તે બરાબર છે. પણ કહેવાની રીત પોઝિટિવલી હોવી જોઈએ. તમારા બાળપણની વાતો વાર્તાની જેમ સંભળાવો, જેથી તે કમ્પેર કર્યા વગર સાંભળી જીવનમાં ઉતારશે. પોતે ખરાબ છે અને તમને તે નાપસંદ છે એવી અનુભુતિ ન થવા દેશો.
6 આના કરતાં સંતાન ન હોય એ સારું!’ નિમ્ન કક્ષાનું આ વાક્ય ક્યારેય ન બોલો. મા-બાપ ફસ્ટ્રેશનમાં આ વિધાન બોલી જાય છે. ‘તારાં જેવાં છોકરાં હોય તેનાં કરતાં ના હોય એ સારું!’– આવાં વિધાન બાળકને અનવોન્ટેડની ફીલિંગ આપે છે. આવા વિધાનથી મા-બાપ પ્રત્યે નેગેટિવિટી વધતા, હેરાન-પરેશાન થઇ જાય છે.
7 ‘આમ નહીં કરે તો મમ્મી-પપ્પા તારી સાથે વાત નહીં કરે!’ આવું બોલી તમારી અપેક્ષા બાળક પર ના થોપો. પોતે જે નથી કરી શક્યા એ ઇચ્છાને બાળક પર થોપી તેને ઈમોશનલી બ્લેકમેલ ના કરો. ‘જો તું પરીક્ષામાં પાસ નહીં થાય તો મમ્મા તારી સાથે નહીં બોલે! બાળકના પ્રોત્સાહન માટે પણ આવો ડર તેના મગજમાં ના ભરો. એ જ વાત શાંતિથી કહો.’ બેટા, તારામાં 90 ટકા લાવવાની ક્ષમતા છે, આ વખતે પૂરતી મહેનત કરજે!’
8 ‘તું ક્યારે આવી ભૂલો કરવાનું બંધ કરીશ?– બાળકની ભૂલને વખોડવાને બદલે મા-બાપ બાળકને જ વખોડે છે. ‘તારા કોઇ કામમાં ભલીવાર નથી. કેટલીવાર કહ્યું તોય તું સુધરતો નથી.’ આમ કહી બાળકને હડધૂત ના કરો, તેની ભૂલને શાંતિથી સમજાવો. ભૂલનું પુનરાવર્તન ન થાય એ માટે બાળકે શું કરવું જોઇએ તે શાંતિથી સમજાવો.
Read Original Article →