જ્ઞાન-વિજ્ઞાન:ગાયબ થતી કેલ્શિયમની મૂડી: ઓસ્ટિઓપોરોસિસ અને મહિલાઓ
ડો. વિજય દવે એક હેલ્થ સર્વે પ્રમાણે ભારતમાં લગભગ 50-60 મિલિયન લોકો ઓસ્ટિઓપોરોસિસથી પીડાય છે. જેમાં મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ લગભગ બમણી છે. (દર પાંચ સ્ત્રીઓમાંથી એક અને દર દસ પુરુષોમાંથી એક) ઓસ્ટિઓપોરોસિસ એટલે હાડકાંની ઘનતા ઘટી જાય અને હાડકાંમાં છિદ્રો પડી હાડકાં પોલા થઈ જાય.
હાડકાં બનવાની અને ઘસારાની પ્રક્રિયા સ્ત્રી-પુરુષ બંનેમાં એક સરખી રીતે 30-35 વર્ષ સુધી સમાંતર ચાલે પણ સ્ત્રીઓમાં 35 વર્ષની ઉંમરે પેરીમેનોપોઝની શરૂઆતથી અને મેનોપોઝના ગાળા દરમિયાન શરીરમાં સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજનનું પ્રમાણ ક્રમશઃ ઘટતા હાડકાંની નવરચનાની (Osteoporotic) ઘડિયાળ ધીમી પડે.
ઉપરાંત સામાજિક રૂઢિ અનુસાર સ્ત્રીઓ દૂધ અને દૂધની બનાવટો પુરુષોની સરખામણીએ ઓછી લેતી હોવાથી હાડકાંમાં ખનિજ તત્વો અને કેલ્શિયમનું પુરણ ઓછું થાય. આધુનિક મશીન યુગના સમયમાં તમામ ઘરેલું કામકાજો મશીન આધારિત થતા હોવાથી ખોરાકમાં કદાચ પૂરતું કેલ્શિયમ લેવાતું હોય તો પણ શ્રમના અભાવે હાડકાંઓમાં તેનું પુરતા પ્રમાણમાં શોષણ થતું નથી.(શ્રમ માટે પહેલાના સમયમાં સ્ત્રીઓ સીમમાં જતી અને હવે જીમમાં જાય છે.)
આ સિવાયના કારણોમાં સ્ત્રીઓના શરીરમાં વિટામિન D3નું પ્રમાણ જો ઓછું હોય તો તેની ઉણપથી (નોર્મલ રેન્જ 30-50 ng/ml) પણ હાડકાં કેલ્શિયમ શોષતા નથી. પુખ્ત વયની સ્ત્રીમાં કેલ્શિયમની નોર્મલ રેન્જ છે 8.5થી 10.5 mg/dl. આ બધા કારણોને કારણે સ્ત્રીઓના હાડકાંમાં કેલ્શિયમ અને ખનીજ તત્વોનું પુરાણ ઓછું થઈ હાડકાં જાળીદાર, ઓછાં વજનવાળા, નબળા અને વધુ ઘસારો પામે છે.
ઓસ્ટિઓપોરોસિસ થવાથી કાંડાનું ફ્રેક્ચર, થાપાનાં હાડકાંના પાતળા ભાગનું ફ્રેક્ચર (ફ્રેકચર નેક ફીમર), કરોડરજજુના મણકાનું ફ્રેક્ચર થઈ શકે. એના ખાસ લક્ષણોમાં સતત કમરનો દુખાવો, હાડકાંમાં કળતર, જલ્દીથી થાક લાગે, કમર અથવા ખભેથી વાંકા વળી જવું જેવી તકલીફો થાય. જો સ્ટીરોઇડ
વધારે લીધા હોય કે થાઈરોઈડની ટ્રીટમેન્ટ લેતા હો તો પણ હાડકાં નબળા પડી ઓસ્ટિઓપોરોસિસ થાય.
સારવાર પહેલા તેનું વહેલું નિદાન કરાવવું જરૂરી છે. એના માટે શરીરમાં કેલ્શિયમનું, વિટામિન D3નું પ્રમાણ માપવું તો જરૂરી છે જ સાથે અલ્ટ્રાસાઉન્ડ બોન પ્રોફાઈલ માટે ચોટડૂક પરિણામ આપતા ડેક્ષા મશીનથી ટેસ્ટ કરાવવો જોઈએ. જો તપાસમાં ઓસ્ટિઓપોરોસિસ જણાઈ આવે તો મહિલાઓએ કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં લેવું ( રોજનું 1200 મીગ્રા. 250 એમએલ દૂધ= 230થી 300 મીગ્રા. કેલ્શિયમ), વિટામિન D3 (ઉણપ હોય તો અઠવાડિયે એકવાર 60000 આઇયુ ઓછામાં ઓછા બે મહિના સુધી લેવું.) સૂર્યના કિરણો દ્વારા પણ વિટામિન D3 મળે જેના માટે રોજ મધ્યાહને 12-4 વચ્ચેના ગાળામાં શરીરનો 25% ભાગ ખુલ્લો રાખી 20 મિનિટ સૂર્યના કિરણો લેવાથી ચામડી નીચે કુદરતી વિટામિન D3 બને. ખોરાકમાં સોયાબીન, રાજગરો, તલ, મુળા, દૂધ વધારે લેવા.
Read Original Article →