ખોબામાં દરિયો:ઈયરબડ્ઝ
રેખાબા સરવૈયા નીતિએ સૌથી પેલા તકિયાને ઉંચો-નીચો , આઘો-પાછો કરીને જોયું. પછી પથારીમાંથી ઊભા થઈને પાંગત પાસે સંકેલીને રાખેલ બ્લેન્કેટને ખસેડ્યો. એના હાથ પાછા પડ્યા અને આખો પણ જે શોધતી હતી એ ન મળતા થોડી છોભીલી પડી.
હવે એણે પલંગની બંને સાઈડ રહેલા ટેબલ ઉપર પડેલ પુસ્તકો, ડાયરી, લેમ્પ વગેરે હટાવીને જોયું. નાના-નાના ડ્રોઅર ખોલીને એમાં પણ જોયું. એના ચહેરા ઉપર થોડી નિરાશા લીંપાઈ ગઈ.
બહારથી નિધિનો સ્વર છેક અહી અંદર સુધી વહી આવ્યો: ‘દીદી, તારી ચા ઠરી રહી છે, આવજે, હું રાહ જોઉં છું’. બહેન નાસ્તા માટે બોલાવે છે એ ખ્યાલ આવ્યો પણ એ બહાર ન ગઈ. ધબ્બ દઈને પલંગ ઉપર પલાંઠી મારીને બેસી ગઈ. એના આંગળા એકબીજા સાથે અંકોડા ભીડીને અસંગત રીતે હલચલ કરવા લાગ્યા. જડબા તંગ થયા અને દાંત ભીસાયા.
સારી એવી વાર થતા નિધિ પોતે જ રૂમમાં દોડી આવી. સામે જ દીદી બેઠી છે, કોઈ મૂંઝવણમાં, કોઈ ગહન ચિંતનમાં કે પછી સાવ અન્યમનસ્ક! -એ નક્કી ન કરી શકી. નિધિ માટે આ કંઇ પેલીવાર નહોતું. નીતિનું ધ્યાન પણ નિધિ આવી એ વાતમાં ન હોય એમ કોઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર એ કોરી નજરે સામેની દીવાલને તાકતી બેઠી રહી.
‘હવે શું થયું દીદી!’ નિધિએ દીદીના ખભ્ભા ઉપર હાથ રાખી, નજરથી નજર નોંધી, કોમળતાથી પૂછ્યું: ‘ચલ,મને ભૂખ લાગી છે ભાખરી તેં બનાવી છે?’ નીતિ ઊભી થતા બોલી. બંને બહેનો ચૂપચાપ ડાયનિંગ ટેબલ પર આવી. અને મૂંગામૂંગા નાસ્તો પતાવી પછી નીતિ બેચેનીથી ફરીથી કશુંક શોધવા લાગી.
લિવિંગરૂમ, કિચન લોબી...એ ફરીને થાકીને પોતાની પથારીમાં પડી. નિધિ નિ:સાસો નાખતી જોતી રહી. થોડીવારે ફળિયાના હીંચકા ઉપરથી ઈયરબડ્ઝ હાથમાં લઇ જલ્દી જલ્દી ડગલા ભરતી રૂમમાં ગઈ.
સુતેલી નીતિની હથેલી પોતાના હાથમાં લઇ હળવેકથી ઈયરબડ્ઝનું કેસ મુકીને બોલી: ‘આ જ શોધતી હતી ને તું દી! ? લે, ફળિયાના હીચકા ઉપર હતા. અને પછી થોડાક અણગમાભર્યા સ્વરે બોલી: ‘આવા બંધ પડી ગયેલા, નકામા ઈયરબડ્ઝને શું લેવા છાતીએ વળગાડીને ફરે છે તું ? મને તો એ જ સમજાતું નથી.
એના બોલવાની કોઈ અસર ન થઇ હોય એમ નીતિ નાની છોકરીની જેમ સ્ફૂર્તિથી ઈયરબડ્ઝ હથેળીમાં લઇને એને ચમકતી આંખે, અપલક નજરે જોતી રહી. ગૂંજતા ગીત જેવા ભૂતકાળને વર્ષો પેલા કોઈએ આપેલા ને હવે બંધ પાડીને નકામાં થયેલા ઈયરબડ્ઝ કાન દઈને સંભાળતી હોય એમ જાણે...
Read Original Article →