રોકાણ:મ્યુચ્યુઅલ ફંડ અને ગૃહિણી
કોમલ ઠુંમર નાની બચતથી મોટી સુરક્ષા: ગૃહિણીઓ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વરદાન સાબિત થઈ શકે છે.
આજના સમયમાં નાણાકીય સ્વતંત્રતા દરેક માટે જરૂરી બની ગઈ છે. ખાસ કરીને ગૃહિણીઓ માટે. ઘર સંભાળવાની સાથે સાથે જો ગૃહિણી પોતાનું નાણાકીય આયોજન પણ સારી રીતે કરે, તો તે પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવી શકે છે. ઘરખર્ચ માટે દર મહિને મળતાં રૂપિયામાંથી નાની નાની બચત કરીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ એક સરળ અને અસરકારક રોકાણ સાધન છે, જેમાં ગૃહિણીઓ સરળતાથી શરૂઆત કરી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ એટલે શું?
મ્યુચ્યુઅલ ફંડ એ એવું રોકાણ સાધન છે જેમાં ઘણા લોકોનો પૈસો ભેગો કરીને નિષ્ણાતો દ્વારા શેર બજાર, બોન્ડ, ગોલ્ડ વગેરેમાં રોકાણ કરવામાં આવે છે. આ રીતે, ઓછા પૈસાથી પણ મોટા રોકાણમાં ભાગીદાર બની શકાય છે.
ગૃહિણી કેવી રીતે શરૂઆત કરી શકે?
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું આજકાલ ખૂબ જ સરળ બની ગયું છે. નીચેના સ્ટેપ્સ દ્વારા કોઈ પણ ગૃહિણી સરળતાથી શરૂઆત કરી શકે છે:
1 જરૂરી દસ્તાવેજો રોકાણ શરૂ કરવા માટે PAN કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબર જરૂરી છે.
2 KYC પ્રક્રિયા જો તમે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર દ્વારા રોકાણ કરો છો તો KYC ને લગતી તમામ પ્રક્રિયાઓ એજ કરી આપશે. પરંતુ જો તમે મોબાઇલ એપ દ્વારા રોકાણ કરવા માગતા હોય તો KYC (Know Your Customer) જાતે કરાવવું ફરજિયાત છે. જોકે આ પ્રક્રિયા હવે ઑનલાઇન પણ સરળતાથી કરી શકાય છે.
3 મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર અથવા મોબાઇલ એપ દ્વારા રોકાણ આજકાલ ઘણાં વિશ્વસનીય મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર અવેલેબલ છે, જે કયા ફંડમાં તેમજ કેટલું રોકાણ કરવું તેનું સચોટ માર્ગદર્શન આપે છે. કેટલીક વિશ્વસનીય મોબાઇલ એપ્સ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં સીધું રોકાણ કરી શકાય છે.
4 SIP દ્વારા શરૂઆત SIP (Systematic Investment Plan) ગૃહિણીઓ માટે સૌથી યોગ્ય રીત છે. દર મહિને ₹500 અથવા ₹1000 જેવી નાની રકમથી પણ શરૂઆત કરી શકાય છે.
5 યોગ્ય ફંડ પસંદગી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર ઓછા જોખમવાળા તથા આવક અને ખર્ચને સમજીને યોગ્ય ફંડ પસંદ કરી આપે છે. આવું કરવાથી રોકાણની સુરક્ષા જળવાય રહે છે.
એક નાનું ઉદાહરણ
જો ગૃહિણી દર મહિને ₹1000 SIP કરે, તો 5 વર્ષમાં ₹60,000નું રોકાણ થાય છે. સરેરાશ 10–12% વાર્ષિક રિટર્ન મળે તો આ રકમ ₹75,000 અથવા તેથી વધુ થઈ શકે છે. અથવા તો ઘણી સ્ત્રીઓ ઘરખર્ચમાં થોડો કાપ મુકીને દર છ મહિને આઠથી દસ હજાર બચાવીને સારા એવા ફંડમાં લમસમ રોકાણ કરી શકે.
મ્યુચ્યુઅલ ફંડ ગૃહિણીઓ માટે એક સારો અને સરળ રસ્તો છે, જેના દ્વારા તેઓ નાની શરૂઆત કરીને પણ ભવિષ્ય માટે મોટું નાણાકીય સુરક્ષા કવચ બનાવી શકે છે. યોગ્ય માર્ગદર્શન અને નિયમિતતા સાથે, ગૃહિણી પણ એક સફળ રોકાણકાર બની શકે છે.
‘આજે કરેલું નાનું રોકાણ, આવતીકાલે મોટો સહારો બની શકે છે.
Read Original Article →