સુનામી:મા પર અધિકાર ત્યારે કરજો, જ્યારે ફરજ નિભાવી શકો!

Magazine5/5/2026, 12:35:00 AM
સુનામી:મા પર અધિકાર ત્યારે કરજો, જ્યારે ફરજ નિભાવી શકો!
‘એની પાસે આકાશ નથી-પણ વરસાદ છે, એ સૂરજ નથી અને તો ય અજવાળું આપે છે, એનું ગળું શંકર જેવું છે-અંધારાને ગટ ગટ પી જાય છે. એ છત નથી-તો ય એનાં સામ્રાજ્યમાં કશાની અછત નથી. એ પારસમણિ નથી જ-અને છતા જે પળને સ્પર્શે એ પળ સુખની થઇ જાય છે. ક્યારેક ક્યારેક એ વૃક્ષ જેવું વર્તી પાડે -પોતે તડકો ખમી લે પણ છાંયડો આપવાનું ચૂકે નહીં…. એની પાસે વાદળો નથી અને છતા એની હથેળીઓ રૂ જેવી લાગે-પોચી! એની એક આંખમાં સપના હોય-આપણી સફળતાનાં, એની બીજી આંખમાં પ્રતિક્ષા હોય-આપણાં ઘરે પાછા ફરવાની! આપણે આખી જીંદગી એનાં રહીએ કે નહીં એ આપણી થઇને રહેવાનું ચૂકે નહીં. એની સૂરત ગમે તેવી હોય અને તો ય એ દુનિયાની સૌથી ખૂબસુરત સ્ત્રી લાગે! એનો હિસાબ ગરબડીયો હોય-એ આંસુઓનું દેવું કરે, એનાં સ્મિતને આપણાં હોઠે ગિરવી મૂકે-એનાં સપનાં એને કોઇ ખપનાં નહીં હોય-આપણાં સપનાંને ખોટા પડવાની એ ‘મના’ કરે! આખી જીંદગી આપણે એને કહેતા રહીએ કે-‘તને સમજણ નહીં પડે!’ અને આખી જીંદગી એ એવું માનતી રહે કે-‘આપણને પડે છે એવી સમજણ કોઇને પડતી નથી!’ આ રવિવારે આપણે બધા મધર્સ ડે ઉજવીશું. હેપ્પી મધર્સ ડે-એવું જોરથી બોલીશું-ફૂગ્ગા ફોડીશું-ગિફ્ટ આપીશું-સોશિયલ મિડીયા પર એની સાથેનાં ફોટો શેર કરીશું- 364 દિવસ આપણાં ને 1 દિવસ એનો-વગેરે વગેરે મોટી મોટી વાતો કરીશું-પણ સવાલ એ છે કે-આખું વર્ષ જાણતા-અજાણતા જેને ‘અધર’ની જેમ ટ્રીટ કરી છે એ આપણી મધર મધર્સ ડેમાં માને છે ખરી? એને મધર્સ ડેનું સેલિબ્રેશન જોઇએ છે ખરું? આપણાં જન્મ દિવસની રાહ જોતી હોય એવી અને એટલી જ આતુરતાથી એ મધર્સ ડેની રાહ જુએ છે ખરી? મધર્સ ડે એ આપણે આપણી જાત માટે ઊભી કરેલી સવલત છે-જેને વર્ષનાં 364 દિવસ ઇગ્નોર કરી હોય એ મધરને મધર્સ ડેનાં એક દિવસ પર સ્પેશિયલ ફિલ કરાવી આપણે આપણાં ગિલ્ટને ભૂંસવાની કોશિષ કરીએ છીએ. આ રવિવારે મધર્સ ડે છે-આ મધર્સ ડે ઉજવો એ પહેલા તમે તમારી માની બાજુમાં બેસી એને પૂછજો કે એક્ઝેટલી તને શું જોઇએ છે? ડાયમંડ? આઇફોન? સાડી? હોલીડે પેકેજ? શું? લખી રાખજો તમારી મા તમે આપેલા એકપણ ઓપ્શન પર ટીક નહીં કરે. એ તમને કહેશે-દિવસમાં રોજ તારી દસ મિનિટ મને આપજે, મારી બાજુમાં બેસજે અને મોબાઇલ બાજુ પર મૂકી શાંતિથી વાતો કરજે! તમારી માને તમારો સમય જોઇતો હોય છે અને ત્યારે તમારો સમય ચાલતો હોય છે-એટલે તમે એને સમય આપી શકતા નથી. ‘મારી થાળી પીરસી દેજે!’, ‘મારી ચા ગરમ કરી આપજે!’, ‘પાણી આપજે તો!’, ‘આજે જમવાનું નથી બનાવ્યું?’, ‘તે કોબી બટાકાનું શાક ન બનાવ્યું?’, ‘કામ કરું છું-રૂમમાં નહીં આવ…!’, ‘મને સમજણ પડે છે મારે શું કરવાનું છે!’, ‘મારા કપડા ધોવાયા નથી?’, ‘ભૂરું શર્ટ ઈસ્ત્રીમાંથી મગાવા કહેલું ને?!’, ‘મારો રૂમ સાફ નથી કર્યો?’, ‘રૂમમાં પડેલા કપડાંની ઘડી નથી થતી?’, ‘મારી જીંદગી છે-દખલ નહીં કર….!’, ‘તારું પેન્શન આવ્યું છે ને હમણાં ઘરમાં આપી દે-મારી પાસે પૈસા નથી!’ વગેરે વગેરે વગેરે વગેરે કેટલું ય આપણે બોલી નાખીએ છીએ, બોલતા રહીએ છીએ! આ મધર્સ ડે પર માને ફૂલ આપો કે નહીં, મોંઘી ગિફ્ટ આપો કે નહીં પણ આ મધર્સ ડે પર એકવાત ચોકકસ ઘૂંટીને પાકી કરી લેજો કે તમારી મા એ તમારી મા છે-તમારું કામ કરનારી નહીં, એના પર તમારો લાગણીનો અધિકાર છે પણ તમારું બધું જ કામ કરવું-તમને પોસવા એ એની ફરજ નથી અને છતા તમારી મા તમે કહો એ બધું જ કરે છે-એનાથી થાય કે ના થાય. આ મધર્સ ડે પર એકવાત મનમાં નક્કી કરી લેજો-કે જે માએ તમને દૂધ પાયું-એ જ મા આખી જીંદગી રાંઘીને ખવડાવતી રહે એ જરૂરી નથી, જે માએ ચાલતા શીખવ્યું એ જ મા તમારા માટે આખી જીંદગી દોડતી રહે એ પણ જરૂરી નથી. આ મધર્સ ડે પર તમારી મા પરનો તમારો અધિકાર બાજુ પર મૂકી તમારી મા પ્રત્યેની તમારી ફરજ વિશે વિચારજો !!!
Read Original Article →