જ્ઞાન-વિજ્ઞાન:મૂડ સ્વીંગ્સ શા માટે થાય, કોને થાય?
ડો. વિજય દવે મોટાભાગના આધેડ પુરુષોની ફરિયાદ હોય છે, કે પત્નીના મુડનું કંઈ ઠેકાણું નહીં. પલમાં તોલા પલમાં માષા. તબીબી ભાષામાં આને મુડ સ્વીંગ કહે છે, જે મેનોપોઝ અથવા રજોનિવૃતિની આસપાસના સમયમાં થાય અને 51 વર્ષની આસપાસના સમયમાં આ તકલીફ ટોચ પર હોય છે.
એનાં મુખ્ય કારણોમાં મેનોપોઝ દરમ્યાન સ્ત્રીનાં શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ ક્રમશઃ ઘટતુ જાય છે. એની અસર રૂપે અચાનક ગરમી લાગે, રાત્રે પરસેવો વળી જાય, યોનિમાં સૂકાપણુ વધે, ઇન્ફેકશનના ચાન્સ વધી જાય, શરીરમાં કોલેજન બોડીઝનું પ્રમાણ ઘટતા વાળ પાતળા થઇ જાય કે વધુ ખરે.
સ્ત્રીઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટતા ચરબીના મેટાબોલીઝમની ઘડિયાળ ધીમી પડતાં શરીરમાં ચરબીનું પ્રમાણ અને વજન વધે. શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટતા શરીરનો દુખાવો અને હાડકા નબળા પડી જતાં ફ્રેકચર થવાની સંભાવના વધતા અને ઉપરની તકલીફો રોજબરોજના જીવનમાં પરેશાની કરતી હોવાનાં કારણે સ્ત્રીઓનો મુડ રજોનિવૃતિના સમય દરમિયાન વારંવાર બદલાયા કરે છે.
એસ્ટ્રોજનનાં ઘટાડાથી મગજમાં સ્ત્રવતા હેપી હોર્મોન સેરોટોનિનનું પ્રમાણ ઘટતા હતાશા અને ચીડિયાપણુ આવે. અન્ય કારણોમાં સ્ત્રીઓ પર ઘર અને ઓફિસની બેવડી જવાબદારીને કારણે આરામ અને ઊંઘ પૂરતી ન મળતા પણ ચીડિયાપણુ આવે.
બાળકોનું શિક્ષણ, કૌટુંબિક પ્રેશર અને અપેક્ષાઓ, કરિયરનું દબાણ વગેરેનાં કારણે પણ વારંવાર મુડ બદલાઈ જાય. ભારતીય સ્ત્રીઓમાં આર્યનની, વીટામીન બી-12 અને વિટામીન ડી-3ની ઉણપના કારણે ઓછા હિમોગ્લોબિનથી થાક અને તણાવ વધતા મુડ વારંવાર બદલાઈ જઇ શકે.
આનાથી બચવા રોજ યોગ, ધ્યાન, ચાલવાની કસરત વગેરેથી એન્ડોર્ફિન હોર્મોનનો સ્ત્રાવ વધતા શારીરિક દુખાવો ઘટે જેનાથી તણાવ ઘટે. રોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઉંઘ લેવી જરૂરી છે. ખોરાકમાં અખરોટ, સોયાબીન , રાજગરો, દુધ , તલ, મુળા, લીલા શાકભાજી, સુકો મેવો અને ફળોનો ઉપયોગ વધારો.
ચા-કોફી વગેરે અને અન્ય કેફીનેટેડ પીણાથી થોડો સમય સારુ લાગશે પછી હતાશા ઘેરી વળશે. જંકફુડ ઓછા કરો. મુડ સ્વીંગ ઓછો કરવા મેગ્નેશિયમ યુક્ત ખોરાક (બદામ, પિસ્તા, કાજુ,ડાર્ક ચોકલેટ ) લો. મેગ્નેશિયમ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. અળસી અને અખરોટમાં ભરપુર ઓમેગા 3 ફેટી એસિડ હોય જેનાથી ડિપ્રેશન ઘટે અને મગજનાં કોષોની નવરચના થાય.
ચોખાનાં બદલે બ્રાઉન રાઇસ, મેંદાના બદલે ઓટસ લઇ શક્તિ જાળવવાની સાથે સુગર લેવલ નોર્મલ રહે છે. દૂધ, દહીં, દૂધની બનાવટો, વિટામિન ડી વગેરેથી મુડ સ્વીંગ અને પેટનાં દુખાવામાં રાહત રહેશે. મીઠું (નમક) ઓછું લો. ધ્યાન અને યોગ સાથે ભુજંગાસન, બાલાસન શવાસન ફાયદાકારક નીવડે છે.
Read Original Article →