મૂડ માઇન્ડ:એક સ્ત્રી થાકે ત્યારે
ડો. સ્પંદન ઠાકર રસોડામાં ગેસ પર દૂધ ઊકળતું હતું. ફોન સતત વાગી રહ્યો હતો. હોલમાં ટીવીનો અવાજ વધી રહ્યો હતો…અને વચ્ચે ઊભી હતી માહી. એક ક્ષણ માટે એને લાગ્યું, બધું બંધ થઈ જાય. અવાજ, કામ, જવાબદારીઓ…બધું.
પણ બહારથી એ શાંત જ રહી. માહી એવી સ્ત્રી હતી જે ઘરના દરેક માણસના મનનો અવાજ સાંભળી લેતી. પતિ થોડા ચૂપ રહે તો એ સમજી જતી કે કંઈક તણાવ છે. બાળક ઉદાસ લાગે તો એની પાસે શબ્દો તૈયાર. સાસુના કઠોર શબ્દોમાંથી પણ એ દુઃખ ઓળખી લેતી. બીજાના મનમાં ઊતરી જવાની એની આ ક્ષમતા, એની તાકાત પણ હતી અને ધીમે ધીમે એ જ એની થાકનું કારણ પણ બની રહી હતી.
એક સમય પછી માહીને લાગવા લાગ્યું કે એ સતત કંઈક બોજો ઉઠાવી રહી છે, પરંતુ શું, એ સ્પષ્ટ નહોતું. રડવાનું મન થાય, પણ કારણ ન મળે. બધું બરાબર હોવા છતાં અંદરથી ખાલીપો ફેલાતો જાય.એ પોતાને જ સમજાવી દેતી, ‘આ તો બધાને થાય છે…મારે સ્ટ્રૉંગ રહેવું છે.’ પણ સાચું એ હતું કે એ વર્ષોથી પોતાની લાગણીઓને મૌન કરતી આવી હતી.
એ બીજાના દુઃખને એટલી જગ્યા આપતી રહી કે પોતાની લાગણીઓ માટે અંદર કોઈ જગ્યા જ રહી નહોતી. એ દિવસે, જ્યારે દૂધ ઉભરાઈ ગયું અને ફોન પણ શાંત થઈ ગયો, માહી રસોડામાં જ નીચે બેસી ગઈ. કોઈને બોલાવ્યાં નહીં. કોઈને કહ્યું નહીં. એ ફક્ત અંદરથી તૂટી ગઈ…શાંતિથી, અવાજ વગર.
એજ ક્ષણે એને પહેલીવાર પોતાનો અવાજ સંભળાયો, ‘લાગે છે, હું થાકી ગઈ છું.’ આ ક્ષણ કોઈ કમજોરી નહોતી. આ તો વર્ષોથી દબાયેલી લાગણીઓનું સ્વાભાવિક બહાર આવવું હતું. ધીમે ધીમે માહીએ સમજવાનું શરૂ કર્યું કે બીજાને સમજવું સારું છે, પરંતુ પોતાની જાતને અવગણવું નહીં. લાગણીશીલ સ્વભાવ સાથે થોડું પ્રેક્ટિકલ બનવાનું ચાલુ કર્યું.
એણે પોતાને માટે નાનાં વિરામ બનાવવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન થોડા શાંતિભર્યા ક્ષણો, જ્યાં કોઈની માગ નહીં, કોઈ જવાબદારી નહીં. એણે સમજ્યું કે દરેક લાગણીમાં તરત જ પ્રતિક્રિયા આપવી જરૂરી નથી. ક્યારેક પોતાની અંદર ઊભી થતી લાગણીઓને ફક્ત નિહાળવી પણ પૂરતી હોય છે અને સૌથી મહત્ત્વનું, એણે પોતાની લાગણીઓને સાચવી રાખવાની, તેમને માન આપવાની ટેવ વિકસાવી. માહી આજે પણ એ જ છે, સંવેદનશીલ, સમજદાર…પણ હવે એ પોતાની સાથે પણ એટલી જ સહાનુભૂતિ રાખે છે. કારણ કે એને સમજાઈ ગયું છે, ખાલી થતી જાત સાથે, કોઈને ભરાઈ શકાતું નથી.
મૂડ મંત્ર બીજાને સમજવું સારું છે…પણ પોતાની જાતને સાંભળવું જરૂરી છે.
Read Original Article →