મૂડ માઈન્ડ:‘હું છેલ્લે આટલી ખુશ ક્યારે હતી?’
ડો. સ્પંદન ઠાકર તે દિવસે કંઈ ખાસ બન્યું નહોતું. ન કોઈ ઝઘડો થયો હતો, ન કોઈ દુઃખદ સમાચાર આવ્યા હતા. બપોરનો સામાન્ય સમય હતો. માનસી કપડાં ગોઠવી રહી હતી.
કબાટમાંથી એક જૂનો ફોટો નીચે સરકી પડ્યો. ફોટો હાથમાં લઈને એ થોડો સમય તેને જોતી રહી. ફોટામાં એ હસી રહી હતી.
ખુલ્લા દિલથી, નિર્ભર થઈને. ફોટો કદાચ પંદર-વીસ વર્ષ જૂનો હશે.અચાનક એને એક વિચાર આવ્યો, ‘હું છેલ્લે આટલી ખુશ ક્યારે હતી?’ પ્રશ્ન સામાન્ય હતો, પરંતુ એના જવાબમાં જાણે આખું જીવન ઊભું હતું.
માનસી ખુરશીમાં બેસી ગઈ. વર્ષો પછી પહેલીવાર એણે પોતાની જીંદગીને જાણે બહારથી જોવાનો પ્રયાસ કર્યો. એને યાદ આવવા લાગ્યું કે કેટલાં વર્ષોથી એ એક જ આશા સાથે જીવી રહી હતી. આજે નહીં તો કાલે બધું સારું થઈ જશે.
પતિ થોડા બદલાશે. સંબંધમાં વધુ હૂંફ આવશે. જે શબ્દો ક્યારેય સાંભળવા મળ્યા નથી, કદાચ એક દિવસ સાંભળવા મળશે. આ વિચારો સાથે વર્ષો પસાર થઈ ગયા હતા.અચાનક એને સમજાયું કે એ કોઈ વ્યક્તિ સાથે એટલી બંધાયેલી નહોતી જેટલી એક કાલ્પનિક વિચારો સાથે બંધાયેલી હતી. એ ભવિષ્યની એક ઇમેજ હતી, જે એણે પોતાના મનમાં જોઈ રાખી હતી.
મનોવિજ્ઞાનમાં આ સ્થિતિને ઘણીવાર ‘હોપ એટેચમેન્ટ’ તરીકે સમજી શકાય. અહીં વ્યક્તિ સામેની વ્યક્તિ સાથે નહીં, પરંતુ તેની બદલાઈ જવાની શક્યતા સાથે જોડાઈ જાય છે. જે છે તેના કરતાં જે એક દિવસ થઈ શકે છે, તેના પર વધુ વિશ્વાસ રાખે છે.
આશા માણસને જીવાડે છે, પરંતુ જ્યારે આશા વાસ્તવિકતા જોવા ન દે, ત્યારે એ ધીમે ધીમે માનસિક પીડાનું કારણ બની જાય છે.આની સાથે બીજી એક માનસિક પ્રક્રિયા પણ કામ કરતી હોય છે, જેને ‘કોગ્નિટીવ ડિસોનેન્સ’ કહેવામાં આવે છે.
એટલે કે મન બે વિરોધાભાસી સચ્ચાઈઓ વચ્ચે અટવાઈ જાય. એક બાજુ અનુભવ કહે કે ‘કંઈ બદલાતું નથી’, અને બીજી બાજુ આશા કહે કે ‘થોડો વધુ સમય આપ, બધું બદલાઈ જશે.’
આ આંતરિક સંઘર્ષ માણસને વર્ષો સુધી એક જ જગ્યાએ અટકાવી રાખી શકે છે. માનસીને એ દિવસે એક કડવું સત્ય સમજાયું. એ વર્ષોથી કોઈ માણસના બદલાવની રાહ જોઈ રહી હતી, આ રાહ જોવામાં પોતાનું જીવન જીવવાનું ભૂલી ગઈ હતી. એને સમજાયું કે ઘણીવાર આપણે સંબંધ છોડવામાં અસમર્થ નથી હોતા, આપણે એ સપનું છોડવામાં અસમર્થ હોઈએ છીએ જે સંબંધ વિશે વર્ષોથી જોયું હોય.તે સાંજે માનસીએ કોઈ મોટો નિર્ણય લીધો નહોતો. એણે માત્ર એક વાત સ્વીકારી હતી. કેટલીક વ્યક્તિઓ ક્યારેય બદલાતી નથી. અને પોતાની શાંતિ માટે સૌથી જરૂરી વાત એ નથી કે સામેની વ્યક્તિ બદલાય, પરંતુ એ છે કે વાસ્તવિકતાને સ્વીકારીને આગળ વધવાનું શીખીએ.
મનોવિજ્ઞાનમાં એક્સેપ્ટન્સ એટલે હાર માની લેવી નહીં. એક્સેપ્ટન્સ એટલે વસ્તુઓને જેવી છે તેવી જોવાની હિંમત.
સ્વીકાર એ ક્ષણ છે જ્યારે આપણે રાહ જોવાનું બંધ કરીને જીવવાનું શરૂ કરીએ છીએ. જીવનની સૌથી મોટી કેદ ઘણીવાર કોઈ સંબંધ નથી હોતો... સૌથી મોટી કેદ એ આશા હોય છે જે આપણને વર્ષો સુધી એક જ જગ્યાએ ઊભા રાખે છે.
મૂડ મંત્ર : ક્યારેક મુક્તિ સંબંધમાંથી નહીં, પરંતુ વર્ષોથી પકડી રાખેલી આશામાંથી મળે છે.
Read Original Article →