પાંચમો વેદ:માઇગ્રેનના દર્દીએ ખાવા પીવામાં શું પરેજી રાખવી?
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય એમણે ખાવા પીવામાં શું પરેજી રાખવી?{ પારૂલ મિતેશ શાહ
ઉત્તર: આયુર્વેદના મતે માઈગ્રેન પિત્ત અને વાયુનો રોગ છે. તેમાં ખાવા-પીવામાં ખાસ કાળજી જરૂરી છે. તીખું, ખાટું, ખારું, દહીં, મેંદો, આથાવાળી વસ્તુઓ, ચાઈનીઝ, પેકેજ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, ચા-કોફી, ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ - આ જાણીતા ટ્રિગર્સ છે. માટે આ બધી વસ્તુઓ ટાળવી. લાંબા સમય ભૂખ્યા ન રહેવું. વધારે પડતી ચિંતા પણ એક અગત્યનું કારણ હોય છે. કોમ્પ્યુટર- મોબાઈલના સ્ક્રિન સામે સતત જોવું, અનિયમિત ઊંઘ, કબજિયાત જેવા કારણોને લીધે પણ માઈગ્રેન વધી શકે. ધાણાનું પાણી, આમળા, વરિયાળી, ગુલકંદ, શતાવરી, ગિલોય જેવા ઔષધો લઈ શકાય. શિરોધારા, નસ્ય જેવી સારવારથી (વૈદ્યની સલાહથી) ફાયદો થાય છે. પ્રશ્ન: નોકરી દૂર હોવાથી રોજના લગભગ 2 કલાક આવવામાં અને 2 કલાક જવામાં જાય છે. ઉનાળામાં બપોરે જમવાનું મન થતું નથી. થાક અને નબળાઈ અનુભવું છું. સ્વાસ્થ્ય જાળવવા માટે શું લઈ શકાય?{ ચેતન પંચાલ
ઉત્તર: લાંબા ટ્રાવેલ અને ઉનાળામાં ભૂખ ઓછી લાગવી આયુર્વેદ મુજબ અગ્નિની અનિયમિતતા દર્શાવે છે. બપોરે ભારે જમવાનું મન ન થાય તો હળવો, પોષણદાયક અને પચવામાં સરળ હોય એવું જમવું. છાશ (જીરુ-સૈંધવ સાથે), લીંબુ પાણી, નાળિયેર પાણી, ફળ (દાડમ, પપૈયું, સફરજન) લઈ શકો. મગની ખીચડી, સૂપ અથવા દહીં-ભાત પણ લઈ શકાય. શક્ય હોય ત્યાં ખાંડની જગ્યાએ ખડી સાકરનો ઉપયોગ કરવો. ધાણા, વરિયાળી, કાળી દ્રાક્ષ, આમળાંની બનાવટો જેવી કે આમળાંજીવન, આમળાં જામુન, ધાત્રી રસાયણ, દૂધીની ખીર, દૂધીનો હલવો, ગુલકંદ શરીરને ઠંડક અને તાકાત પણ આપે છે. આ રીતે હળવું પણ નિયમિત પોષણ રાખશો તો થાક અને નબળાઈ ઓછા થશે. પ્રશ્ન: ઉનાળામાં રાતે અને સવારમાં પગમાં બહુ દુખાવો થાય છે.{ મનીષ મોદી
ઉત્તર: ઘણા બધા કારણોસર ઉનાળામાં રાતે અને સવારમાં પગમાં દુખાવો થઈ શકે. સામાન્ય રીતે વાતના પ્રકોપના લીધે કોઈ પણ દુખાવો થાય ઉપરાંત ઉનાળામાં પાણી – લિક્વિડ ઓછું લેવાતું હોય, વિટામિન બી12 – વિટામિન D જેવા તત્ત્વોની ઉણપના કારણે પણ પગનો દુખાવો હોય શકે. તમારી ઉંમર જણાવી નથી. કેટલીક વાર વધતી ઉમરમાં પણ પગના દુખાવા જોવા મળે છે. સૌ પહેલાં તમારે વિટામિન બી12 – વિટામિન D નો ટેસ્ટ કરાવવો જરૂરી છે. પૂરતું પાણી, નાળિયેર પાણી, છાશ (જીરુ સાથે) લેવાનું રાખવું. રોજ રાત્રે સુતા પહેલાં કાંસાની વાટકીથી પગના તળિયે મસાજ કરવી. થોડું સ્ટ્રેચિંગ અને હળવી વોક કરવી, લાંબા સમય ઊભા રહેવું ટાળવું. પ્રશ્ન: મને મોઢામાં વારંવાર ચાંદા પડી જાય છે. શું કરવું માર્ગદર્શન આપશો.{ જાહ્નવી ચૌહાણ
ઉત્તર: પિત્ત પ્રકોપ, બગડેલું પાચન અને વિટામિનની ઉણપના લીધે મોઢામાં વારંવાર ચાંદા પડે છે. વધુ તીખું, ખાટું, મરી-મસાલાવાળું ખાવું, સ્ટ્રેસ-ઓછી ઊંઘથી આ સમસ્યા વધે છે. મધ + કાથો મિક્સ કરીને ચાંદા પર લગાવવું, કાચા દૂધ કે ત્રિફળાના પાણીથી કોગળા કરવા. તમારે પાચન સુધારવું ખૂબ જરૂરી છે. સમયસર જમવું અને કબજિયાત ન રહે તે ધ્યાન રાખવું. વૈદ્યની સલાહ પ્રમાણે યષ્ટીમધુ, આમળા, ખદિર લેવાનું રાખશો. પ્રશ્ન: મારી ઉંમર 48 વરસ છે, મને રાતના 2 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી, દિવસ આખો જાગ્યા હોય તોય ઊંઘ નથી આવતી, ઘણા ઉપાય અજમાવ્યા. સારી ઊંઘ આવે માટે શું કરવું જોઈએ.{ ગૌતમ ભોજાણી, આંબાવાડી
ઉત્તર: અનિદ્રા આયુર્વેદના મતે વાયુનો રોગ છે. માનસિક તાણ અને અનિયમિત લાઈફસ્ટાઈલ ઉપરાંત આધુનિક આદતો જેવી કે રાત્રે મોડું જમવું, મોબાઇલ/સ્ક્રીનનો વધારે ઉપયોગ અને અતિશય વિચારો મુખ્ય કારણો હોઈ શકે. રાત્રે મોડામાં મોડા 10:30 સુધીમાં ઊંઘવાની ટેવ પાડવી. સુતા પહેલાં પગના તળિયા પર કાંસની વાડકીથી ઘી ઘસવું. ગરમ દૂધમાં ચપટી જાયફળનું ચૂર્ણ લેવું, જેનાથી સારી ઊંઘ આવે. સાંજે ચા-કોફી, પચવામાં ભારે ખાવું નહીં. મોબાઇલ-ટીવી સૂતા પહેલાં ઓછામાં ઓછા 1 કલાક બંધ રાખો. વૈદ્યની સલાહ પ્રમાણે બ્રાહ્મી, જટામાંસી, અશ્વગંધા જેવા ઔષધો વાપરી શકાય. પ્રશ્ન: મારી ઉંમર 70 વર્ષ છે. 3-4 વર્ષથી ડાબા હાથમાં ધ્રુજારી છે. ન્યુરોને બતાવતાં તેમણે Dynasty Tremor નું નિદાન કરી તે મુજબ દવા (Prolet-50 અને Preponal SR40) લેવાની કહી છે જે ચાલુ છે. હાથની ધ્રુજારી જમતી વખતે કે ડાબા હાથે કોઈ વસ્તુ લેતી વખતે તકલીફ પડે છે. થોડા વખતથી માથાંની ધ્રુજારી શરૂ થઈ છે. { ઉમેશભાઈ ઢેબર
ઉત્તર: હાથની ધ્રુજારી, માથાંની ધ્રુજારી કે કોઈપણ ટ્રેમરને કંપવાત ગણી શકાય. આયુર્વેદના મતે આ વાતપ્રકોપ અને નર્વસ સિસ્ટમનો રોગ છે. આ સામાન્ય કન્ડિશન નથી. આને માટે તમારે કોઈ પણ ડોક્ટરને રૂબરૂ જ બતાવવા જવું પડે. તમે હાલ જે ન્યુરોલોજિસ્ટની સલાહ- દવા લઈ રહ્યા છો તે ચાલુ રાખવી, કામચલાઉ રીતે આયુર્વેદિક ઉપાય તરીકે રોજ માથા પર બ્રાહ્મી તેલથી હળવી મસાજ કરો. શિરોધારા પણ ફાયદો કરે. પૂરતી ઊંઘ લો. પ્રાણાયામ (ખાસ કરીને અનુલોમ વિલોમ) અને ધ્યાન કરવાથી નર્વસ સિસ્ટમ સ્થિર થાય છે. વૈદ્યની સલાહથી અશ્વગંધા, બ્રાહ્મી જેવા ઔષધો લેવાથી ધ્રુજારીમાં ધીમે ધીમે નિયંત્રણ મેળવી શકાય છે.
Read Original Article →