ખોબામાં દરિયો:#મી ટૂ
રેખાબા સરવૈયા શાલુની આંગળીઓ રીતસરની ધ્રુજી રહી હતી. ઘરમાં આજે વળી આવું એકાંત એકાએક જ આવી ભટકાયું હતું. મમ્મી-પપ્પા બંને એક વ્યવહારિક કામથી ભાર ગયા હતા. એણે જિજ્ઞાસાવશ જ લેપટોપ ઓન કરીને કેટલીક સાઇટ્સ ચેક કરી.
લેપટોપને અડવાનોય એક રોમાન્ચ હોય એ શાલુએ મહેસૂસ કર્યું. શાલુ S. S. C.માં હતી અને એની પાસે ગેજેટ્સ નહોતાં. મોબાઈલ કે ટેબ્લેટની દુનિયાથી એ હજી પરિચિત નહોતી એમ તો નહીં પરંતુ એ વસ્તુઓની એટલી બધી આદત પણ નહોતી એને.
હા....ક્યારેક ક્યારેક મોટાભાઈ અને પપ્પા લેપટોપ ઉપર કામ કરતાં હોય ત્યારે વિસ્ફારિત આંખો લઈને એ જોઈ રહેતી. એક-બે વાર જીદ કરીને મોટાભાઈ પાસે એણે લેપટોપનું ઓપરેટિંગ શીખી જ લીધેલું. એજ તો કામ આવ્યું ને અત્યારે.
હમણાં જ ગયેલા ‘વિમેન્સ ડે’-ની અસર હેઠળ એણે કેટલીક સાઈટ્સ પર સર્ચ કર્યું.
અલ્લાઉદીનનાં જાદુઈ ચિરાગની જેમ લેપટોપનું કર્સર એના માટે સૌ અજાણ્યાં પ્રદેશનાં દરવાજા ખોલી રહ્યું હોય અને ‘ખુલ જા સીમ સીમ...’ કહ્યા પછીની ગુફામાં કોઈ જાદુઈ અસર હેઠળ ફેસબુક, ટ્વીટર, બ્લોગ...જેવું કેટકેટલું ફેંદી નાખતાં શાલુની આંગળીઓ અને આંખો સ્થિર થઈ ગઈ...
#મી ટૂ... એ ટાઈટલથી દુનિયાનાં કોઈપણ ખૂણાની સ્ત્રી એ જીવનમાં ક્યાંકને ક્યાંક ક્યારેક પોતે સહન કરેલી જાતીય સતામણીની વાર્તા પીડાદાયી શબ્દોથી ત્યાં મૂકી હતી. શાલુ કર્સર ઘૂમાવતી રહી અને વાંચતી રહી અજાણી છોકરીઓ-સ્ત્રીઓની પીડાને.
‘હું જ્યારે બાળકી હતી ત્યારે મારા પપ્પાનાં જીગરી દોસ્તે મારા શરીરને અણગમતો સ્પર્શ કર્યો હતો.’
‘હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે મારી બસનાં ડરાઇવરે મને ન ગમે એ રીતે ચૂમી હતી.’
‘કોલેજનાં એક ફંક્શનમાંથી રાતે મને મારા ઘેર ડ્રોપ કરવા આવનાર મારા માટે બહુ જ રિસ્પેક્ટેડ હતા, એ જ પ્રોફેસરે રસ્તામાં કર ઊભી રાખીને એકાએક જ મને બાથમાં લઈને ચૂમીઓથી ગૂંગળાવી મારી હતી.’
‘કોલેજનાં મિત્રોની સાથે એક મૂવી જોતી વખતે મારી પાસેની સીટમાં બેસેલા એક પ્રૌઢે થિયેટરનાં અંધકારમાં પ્રથમ મારા સાથળ પર અને પછી મારાં સ્તન પર પોતાનો હાથ ફેરવેલો.’
શાલુ વાંચતી ગઈ એમ એમ એનાં ગળામાં કશુંક અટવાતું હોય એવો ડચૂરો બાઝ્યો. જીભ તાળવે ચોંટતી જતી હતી. પગ શિથિલ થઈ રહ્યાં હતાં. હૃદયના ધબકારા ધીમા થતાં જતાં હતા.
શાલુને કિચનમાં જઈને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ પણ એનાથી ઊભાં ન જ થવાયું. જાણે કે એનું શરીર સજ્જડ રીતે પકડાય ગયું હોય એવું લાગ્યું. કાનની તપી ગયેલી બૂટ પાછળથી પરસેવાનાં બે બુંદનો રેલો ઉતરી આવ્યો. માથું ભમી ગયું હોય એમ એણે આંખો બંધ કરી.
પોપચાનાં અંધકારમાં જે દેખાયું તે આવું કંઈકે હતું. પોતે જેને મિત્ર માનતી અને ટ્યુશનમાં જેની સાથે જતી એ છોકરાએ થોડા દિ’ પેલા જ શાલુની એક્ટિવા બગડી જતાં એને પોતાનાં એક્ટિવાની ચાવી આપી. પરાણે એની પાછળ બેસી ઘર સુધી મૂકવાનાં બહાને શાલુની કમર અને ગરદન પર પોતાની આંગળીઓ ફેરવી હતી. એ વખતનાં ગભરાટ જેવો જ ગભરાટ શાલુને અત્યારે ઘેરી વળ્યો. એને પણ #મી ટૂ લખવા કર્સર રોક્યું. ટાઈપ કરવા જતી હતી ત્યાં જ દરવાજાની ડોરબેલ રણકી ઊઠી.
શાલૂ ફરી એકવાર નવેસરથી ગભરાટનાં કળણમાં ખૂંપી ગઈ ઊંડીને ઊંડી...દરવાજાની ઘંટડી ઉપરાઉપરી વાગતી રહી.
Read Original Article →