મૂડ માઇન્ડ:હંમેશા ‘હા’ કહેતી સ્ત્રીનું થાકેલું મન

Magazine4/7/2026, 12:35:00 AM
મૂડ માઇન્ડ:હંમેશા ‘હા’ કહેતી સ્ત્રીનું થાકેલું મન
ડો. સ્પંદન ઠાકર સવારે સાત વાગ્યે કિયારાનો દિવસ શરૂ થયો. બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવા, પતિ માટે નાસ્તો બનાવવો અને પછી ઓફિસ માટે તૈયાર થવું. બધું જ તે ઝડપથી સંભાળી લેતી. ઓફિસ પહોંચતા જ સહકર્મીએ કહ્યું, ‘કિયારા, મારી ફાઇલ આજે પૂરી કરી આપશો? મને થોડું કામ છે.’ કિયારાએ થોડી ક્ષણ વિચાર્યું, પછી હસીને જવાબ આપ્યો, ‘હા, કરી દઈશ.’ બપોરે મિત્રનો ફોન આવ્યો, ‘આજે થોડું શોપિંગ કરવા જવું છે, તું સાથે આવીશ?’ કિયારાએ ફરી કહ્યું, ‘હા, ચોક્કસ.’ સાંજે ઘરે પાછી આવી ત્યારે પડોશીએ કહ્યું, ‘બાળકોને થોડો સમય માટે તારા ઘરે રાખી લઉં?’ કિયારાએ ફરી એકવાર ‘હા’ કહી દીધું. દિવસના અંતે જ્યારે તે એકલી બેસી, ત્યારે તેના મનમાં એક અજાણ્યો થાક અને ખાલીપણું અનુભવાયું. આખો દિવસ તેણે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોતાના માટે એક ક્ષણ પણ નહોતી કાઢી. આ માત્ર કિયારાની વાત નથી. ઘણી મહિલાઓ ‘હંમેશાં હા કહેવાની ટેવ’ ધરાવે છે. મનોવિજ્ઞાનમાં આને પિપલ-પ્લેઝીંગ બીહેવિયર કહેવામાં આવે છે. જ્યાં વ્યક્તિ બીજાને નારાજ ન કરવા માટે સતત પોતાની જરૂરિયાતોને પાછળ મૂકી દે છે. આ ટેવ ઘણીવાર બાળપણથી જ વિકસે છે. ઘણી મહિલાઓને શીખવવામાં આવે છે કે ‘સારી સ્ત્રી એ છે જે બધાને ખુશ રાખે.’ પરિણામે, તેઓ પોતાની લાગણીઓ, થાક કે મર્યાદાઓ વ્યક્ત કરવામાં અચકાય છે. પરંતુ સતત ‘હા’ કહેવાની આ ટેવ ધીમે ધીમે મન પર ભાર મૂકવા લાગે છે. અંદરથી ગુસ્સો, થાક અને ક્યારેક તો અસમંજસ પણ વધવા લાગે છે. ઘણી વખત એવી સ્ત્રીઓને લાગે છે કે ‘મારા માટે કોઈ વિચારતું નથી,’ જ્યારે હકીકતમાં તેઓ પોતે જ પોતાની જરૂરિયાતોને અવગણે છે. મનોવિજ્ઞાન કહે છે કે સ્વસ્થ જીવન માટે વ્યક્તિગત મર્યાદાઓ બનાવવી ખૂબ જરૂરી છે. દરેક વિનંતી સ્વીકારવી ફરજ નથી. ક્યારેક ‘ના’ કહેવું પણ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. ‘ના’ કહેવું સ્વાર્થીપણું નથી. એ પોતાને સન્માન આપવાનું એક સ્વસ્થ પગલું છે. જ્યારે કોઈ સ્ત્રી પોતાની મર્યાદાઓ ઓળખે છે અને પોતાના માટે સમય કાઢે છે, ત્યારે તે વધુ સંતુલન અને ખુશી અનુભવે છે. રસપ્રદ વાત એ છે કે આવી સ્ત્રી બીજાઓને પણ વધુ સ્વસ્થ રીતે સહાય કરી શકે છે.જો કોઈ વ્યક્તિ સતત ગિલ્ટ સાથે ‘હા’ કહેતી રહે અને અંદરથી થાકી જાય, તો સાયકોથેરપી તેને પોતાના વિચારો અને વર્તનના પેટર્ન સમજવામાં મદદ કરી શકે છે. થેરપી દ્વારા વ્યક્તિ શીખે છે કે કેવી રીતે આત્મસન્માન સાથે સંબંધો જીવવા. તે રાત્રે કિયારાએ પોતાના મનમાં એક નાનો નિર્ણય કર્યો. ‘આગળથી દરેક વાતમાં ‘હા’ નહીં કહું… ક્યારેક ‘ના’ પણ કહું.’ અને કદાચ એ જ તેની માનસિક શાંતિ તરફનું પ્રથમ પગલું હતું. મૂડ મંત્ર: બીજાઓને ખુશ રાખતાં રાખતાં, પોતાનું મન થાકી ન જાય, એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
Read Original Article →