પહેલું સુખ તે...:અતિ ઉત્તેજનાની ભૂખ અને ઊંઘ પર અસર
આજે મોટા ભાગના લોકો માનસિક રીતે થાકેલાં હોય છે. મગજને શાંતિ મળતી નથી. ઊઠવાની સાથે જ સતત નોટિફિકેશન્સ, મેસેજીસ, બ્રાઇટ સ્ક્રીન્સ, અવાજ, સ્ક્રોલિંગ ચાલ્યા જ કરે છે. આના કારણે ભૂખ અને ઊંઘ પર અસર થાય છે.
મગજની રચના સતત સ્ફૂર્તિલા રહેવાય તેવી નથી : નર્વ સિસ્ટમ રિકવરી માટે શાંતિ ઇચ્છે છે, પરંતુ ઇ-મેઇલ્સ, રીલ વગેરેને કારણે ડોપામાઇનનો સ્રાવ સતત ચાલુ રહે છે, જેથી મગજ સતત સજાગ રહેવાનો સંકેત મળે છે. સમય જતાં આની ટેવ પડી જાય છે, જેથી ખરેખર શરીર થાકેલું હોય ત્યારે મગજને શાંત થવા માટે સંઘર્ષ કરવો પડે છે. આથી જ ઘણા લોકો થાકેલા હોવા છતાં ઊંઘી શકતા નથી. પેટ ભરેલું હોવા છતાં કંઇક ખાવાની ઇચ્છા થયા કરે છે. આવું ઘણી વાર નર્વ સિસ્ટમ વધારે પડતી ઉત્તેજિત હોય ત્યારે બને છે.
અતિ ઉત્તેજના ભૂખના લક્ષણોને બદલે છે: સતત ઉત્તેજના કે સ્ફૂર્તિની અસર પાચનક્રિયા પર થાય છે. મગજ અતિ ઉત્તેજિત હોય ત્યારે ડોપામાઇનનું સ્તર વધે છે અને ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડ ખાવાની ઇચ્છા વધારે થાય છે. તેથી ઘણા લોકોને ગળ્યા નાસ્તા, સોડિયમયુક્ત પદાર્થો ખાવાની ઇચ્છા થયા કરે છે.
ભાવનાત્મક ભૂખ શારીરિક ભૂખને અસર કરે છે: જમવા માટેની ભૂખ ધીમે ધીમે અનુભવાય છે. જ્યારે ભાવનાત્મક દૃષ્ટિએ ખાવાની ઇચ્છા અચાનક જ થાય છે. જેમ કે. મોડી રાત્રે પથારીમાં આળોટતાં આળોટતાં અચાનક વેફર ખાવાની ઇચ્છા થાય, રાત્રે જમી લીધા પછી કંઇક ગળ્યું ખાવાનું મન થાય. ઘણા કિસ્સામાં ભૂખ નથી હોતી, પણ મગજ સ્ફૂર્તિ અનુભવવા માટે કંઇક ખાવા ઇચ્છે છે. પરિણામે ભોજનમાં પૌષ્ટિક તત્ત્વોનું પ્રમાણ ઘટી જાય છે.
ઊંઘને થતી અસરથી લોકો અજાણ છે: આ જ રીતે ઊંઘને પણ અસર થાય છે. મગજને ધીરે ધીરે આરામ કરવાની જરૂર હોય છે, પણ લોકો બ્રાઇટ સ્ક્રીન્સ, સ્ક્રોલિંગ, ભાવનાત્મક વાતચીત, કામનું દબાણ વગેરેને લીધે સીધા જ પથારીમાં પડે છે. એ વખતે નર્વ સિસ્ટમ આરામ કરવાની સ્થિતિમાં નથી હોતી.
પરિણામે ગાઢ ઊંઘનો અભાવ, રાત્રે પણ મગજ સક્રિય રહેવું, સવારે ઊઠતાં થાકનો અનુભવ કરે છે. કદાચ કોઇ સાત-આઠ કલાક ઊંઘે તો પણ ઊંઘની ગુણવત્તા જોઇએ એવી હોતી નથી.
વધારે પડતા ડોપામાઇનની સમસ્યા: આધુનિક ડિજિટલ કન્ટેન્ટ સતત ધ્યાન આકર્ષતું રહે છે. શોર્ટ વિડીયો, સતત કંઇક નવું અપલોડ કરવું વગેરેને કારણે મગજને પણ સ્ફૂર્તિ દાખવવી પડે છે. ધીરે ધીરે આ બાબત સામાન્ય બની જાય છે. પરિણામે એકાગ્રતા, ધીરજ, ધ્યાન, ઊંઘની ગુણવત્તા, ભોજનની રીતભાતને અસર થાય છે.
અતિઉત્તેજના કઇ રીતે ઘટાડવી?
સ્ક્રીન-ફ્રી રહો.
ભોજન ધીમેથી અને ચાવીને ખાવ.
હેડફોન વિના ચાલવા જાઓ.
મલ્ટિટાસ્કિંગ વિના જમો.
નોટિફિકેશન્સ ઘટાડો.
Read Original Article →