રસથાળ:રસભરી કેરીની, લાજવાબ વાનગીઓ
મેંગો મસ્તાની સામગ્રી : પાકી કેરીના ટુકડા-2 કપ, ઠંડું દૂધ-1 કપ, ખાંડ-2થી 3 ચમચી (કેરીની મીઠાશ મુજબ), મેંગો અથવા વેનીલા આઈસ્ક્રીમ-3થી 4 સ્કૂપ, ઝીણા સમારેલા કાજુ, બદામ, પિસ્તા-2 ચમચી, ટૂટી-ફ્રૂટી, ચેરી-સજાવટ માટે
રીત : સૌપ્રથમ બ્લેન્ડર જગમાં કેરીના ટુકડા, ખાંડ અને ઠંડું દૂધ નાખીને એકદમ ઘટ્ટ મિલ્કશેક બનાવી લો. હવે સર્વિંગ માટે બે મોટા કાચના ગ્લાસ લો. બંને ગ્લાસમાં નીચે થોડા કેરીના ઝીણા ટુકડા અને થોડા ડ્રાયફ્રૂટ્સ નાખો. ત્યારબાદ ગ્લાસને અડધે સુધી તૈયાર કરેલા ઘટ્ટ મેંગો મિલ્કશેકથી ભરી દો. હવે તેની ઉપર મોટું સ્કૂપ મેંગો કે વેનીલા આઈસ્ક્રીમ મૂકો. આઈસ્ક્રીમની ઉપર ફરીથી કાજુ-બદામના ટુકડા, ટૂટી-ફ્રૂટી અને એક ચેરી મૂકીને સજાવો. ઠંડી-ઠંડી મેંગો મસ્તાની સર્વ કરો. પુણેનું આ ફેમસ ક્રીમી ડ્રિંક ઉનાળામાં નાના-મોટા બધાનું ફેવરિટ છે. મેંગો મૂઝ સામગ્રી : પાકી કેરીનો પલ્પ-1 કપ, ચિલ્ડ વ્હીપ્ડ ક્રીમ-1 કપ, બુરુ ખાંડ 2થી ૩ ચમચી (જો ક્રીમ ગળ્યું ન હોય તો),
સજાવટ માટે: કેરીના ટુકડા અને ફુદીનાના પાન
રીત : એક મોટા વાસણમાં એકદમ ઠંડું વ્હીપ્ડ ક્રીમ લો. તેને ઈલેક્ટ્રિક બીટર અથવા હેન્ડ વિસ્કથી ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી તે કદમાં બમણું ન થઈ જાય અને તેમાં સોફ્ટ પીક્સ ન બને. હવે આ વ્હીપ્ડ ક્રીમમાંથી 2-3 ચમચી ક્રીમ સજાવટ માટે પાઇપિંગ બેગમાં અલગ કાઢી લો. બાકીના વ્હીપ્ડ ક્રીમમાં તૈયાર કરેલો કેરીનો પલ્પ ઉમેરો. (ધ્યાન રાખવું કે રસમાં રેસા ન હોવા જોઈએ). ક્રીમ અને પલ્પને સ્પેચુલાની મદદથી હળવા હાથે એક જ દિશામાં મિક્સ કરો. આ મિશ્રણને કાચના નાના શૉટ્સ ગ્લાસમાં ભરો. વ્હીપ્ડ ક્રીમ, કેરીના ટુકડાથી ગાર્નિશ કરો. 2-3 કલાક ફ્રિજમાં સેટ થવા મૂકો પછી જ સર્વ કરો. આ એક ફ્રેન્ચ ડેઝર્ટ છે જે મોંમાં મૂકતા જ ઓગળી જાય છે. મેંગો શ્રીખંડ સામગ્રી : મોળું દહીં-અડધો કિલો, પાકી કેરીનો ઘટ્ટ પલ્પ (કેસર કે આફુસ)-1 કપ, બુરુ ખાંડ-અડધો કપ, ઈલાયચી પાવડર-પા ચમચી, કેસર-7થી 8 તાંતણા (1 ચમચી ગરમ દૂધમાં પલાળેલા), પિસ્તા અને બદામની કતરણ-2 ચમચી
રીત : સુતરાઉ કપડાંમાં દહીં નાખીને પોટલી વાળી લો. આ પોટલીને 3-4 કલાક માટે ક્યાંક લટકાવી દો, જેથી બધું પાણી નીકળી જાય અને ઘટ્ટ મસ્કો તૈયાર થાય. હવે મોટા વાસણમાં મસ્કો અને બુરુ ખાંડ મિક્સને ક્રીમી બને ત્યાં સુધી ફેંટો. તેમાં કેરીનો પલ્પ, ઈલાયચી પાઉડર અને કેસરવાળું દૂધ મિક્સ કરી લો. બદામ-પિસ્તા કતરણ ભભરાવી ફ્રિજમાં ઠંડું થવા મૂકો. મસાલામામી કહે છે... સારી કેરી કેમ ઓળખવી?
સુગંધથી પરખો: કુદરતી રીતે પાકેલી કેરીની ડીંટડી પાસે સરસ મીઠી સુગંધ આવે છે. કેમિકલથી પકવી હશે દવાની વાસ આવશે.
સ્પર્શ કરીને જુઓ: કેરીને હળવેથી દબાવો, થોડી સોફ્ટ હોવી જોઈએ
કલર: ઘણીવાર એકદમ લીલી દેખાતી કેરી અંદરથી મીઠી હોઈ શકે છે અને એકદમ પીળી કેરી કાર્બાઇડથી પકવેલી હોઈ શકે છે. સ્ટોરેજ હેકઃ આખું વર્ષ કેરીની મજા માણો!
ડીપ ફ્રીઝર હેક: જો સીઝન પૂરી થયા પછી પણ આખું વર્ષ કેરી ખાવી હોય, તો પાકી મીઠી કેરીના નાના ટુકડા કરી લો.
ઝિપ-લોક બેગ: આ ટુકડાઓને એક ઝિપ-લોક બેગ અથવા એર-ટાઇટ ડબ્બામાં ભરીને ડીપ ફ્રીઝમાં મૂકી દો.
વપરાશ: આ ટુકડા 8થી 10 મહિના સુધી એવા ને એવા જ રહેશે. જ્યારે પણ મન થાય ત્યારે ફ્રીઝરમાંથી કાઢીને સીધા જ મિલ્કશેક, આઈસ્ક્રીમ કે સ્મૂધી બનાવી શકાય છે.
Read Original Article →