મધુરિમા ન્યૂઝ:સાડીમાં મેરેથોન દોડીને વિશ્વ રેકોર્ડ
લજ્જા દવે પંડ્યા યુકેના માનચેસ્ટરમાં રહેતી 46 વર્ષની ભારતીય મૂળની મધુસ્મિતા જેનાએ સાડી પહેરીને સૌથી ઝડપથી મેરેથોન પૂર્ણ કરવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. બે સંતાનોની માતા અને વ્યવસાયે શિક્ષિકા એવી મધુ અત્યાર સુધી 42 મેરેથોન દોડી ચૂકી છે. પરંતુ આ દોડ તેના માટે ખાસ હતી. તેનો હેતુ માત્ર રેકોર્ડ બનાવવાનો જ નહોતો, પણ સાથે તે સમાજને એક મજબૂત સંદેશ પણ આપવા માંગતી હતી કે મહિલાઓ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં પણ રમતગમતના ક્ષેત્રે આગળ વધી શકે છે. આ સિદ્ધિ મેળવ્યા પછી તેને વિશ્વભરમાંથી ઘણી શુભેચ્છાઓ મળી અને ઘણા લોકોએ તેને જોઈને દોડવાની શરૂઆત કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી.મધુસ્મિતાએ આ મેરેથોન દ્વારા £2,300 જેટલું ભંડોળ એકત્ર કર્યું છે. જેને સ્કૂલમાં ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો માટેના સાધનો ખરીદવા માટે વાપરશે. સાડીમાં રેકોર્ડબ્રેક દોડ લગાવીને મધુસ્મિતાએ ભારતીય સંસ્કૃતિ અને નારીશક્તિનું ગૌરવ વિશ્વસ્તરે વધાર્યું છે. નવ વર્ષે વન્યજીવ ફોટોગ્રાફીમાં એવોર્ડ
ફરીદાબાદની માત્ર 9 વર્ષની શ્રેયોવી મહેતાએ લંડનના સુપ્રસિદ્ધ ‘નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ’ દ્વારા આયોજિત ‘વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર’ સ્પર્ધામાં રનર-અપનો ખિતાબ જીત્યો છે. વન્યજીવ ફોટોગ્રાફીની દુનિયામાં ‘ઓસ્કાર’ સમાન ગણાતી આ સ્પર્ધામાં શ્રેયોવીને તેની અદભૂત તસવીર ‘ઈન ધ સ્પોટલાઇટ’ માટે આ સન્માન મળ્યું છે.
આ સુંદર ફોટોગ્રાફ રાજસ્થાનના ભરતપુર સ્થિત પ્રસિદ્ધ કેવલાદેવ નેશનલ પાર્કમાં લેવામાં આવ્યો હતો. જેમાં બે ઢેલ વૃક્ષોના ઝુંડ નીચે શાંતિથી ઉભેલી દેખાય છે. વહેલી સવારના સોનેરી સૂર્યપ્રકાશ અને ધુમ્મસભર્યા વાતાવરણના સંગમને કારણે આ ફોટોગ્રાફ કોઈ સુંદર પેઈન્ટિંગ જેવો ભવ્ય લાગે છે. પોતાના માતા-પિતા સાથે નેશનલ પાર્કમાં મોર્નિંગ વોક પર ગયેલી શ્રીયોવીની નજર આ નયનરમ્ય દ્રશ્ય પર પડી. ક્ષણનો વિલંબ કર્યા વગર તેણે તેના પિતાના કેમેરામાં જમીન પર બેસીને એક અનોખા એન્ગલથી આ દૃશ્યને કેમેરામાં કેદ કરી લીધું.
વિશ્વભરમાંથી આવેલી અંદાજે 60,000 એન્ટ્રીઓ વચ્ચે શ્રેયોવીની તસવીર નિર્ણાયકોને ખૂબ પસંદ આવી હતી. પરિણામે, ‘10 વર્ષ અને તેથી ઓછી વય’ ની કેટેગરીમાં તેને રનર-અપ તરીકે જાહેર કરાઈ હતી. શ્રેયોવીના માતા-પિતા પણ વન્યજીવ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી તેને બાળપણથી જ પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે.
આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર તે સૌથી નાની ઉંમરના ભારતીયોમાંની એક બની ગઈ છે. હાલમાં લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં વિશ્વના શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સના પ્રદર્શનમાં શ્રેયોવીની આ કૃતિને પણ ગૌરવભેર પ્રદર્શિત કરવામાં આવી છે. 11 વર્ષે વર્લ્ડ ચેસમાં વિજય
માત્ર 11 જ વર્ષની ચેસ ચેમ્પિયન એ.એસ. શર્વાણિકાએ વર્લ્ડ લેવલની સ્પર્ધા જીતીને દેશનું નામ રોશન કર્યું છે. FIDE વર્લ્ડ કેડેટ અને યુથ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2026 સ્પર્ધા સર્બિયાના વ્રન્યાચ્કા બાન્યા ખાતે યોજાઈ હતી, જેમાં વિશ્વભરના 40થી વધુ દેશોના યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં શર્વાણિકાનું પ્રદર્શન અત્યંત શાનદાર રહ્યું.
તેણે 11માંથી 10 રાઉન્ડમાં જીત મેળવી હતી. કુલ 10.5 પોઈન્ટ્સ મેળવીને તેણે જીત મેળવી. આ પહેલાં પણ તે અન્ડર-10માં ખિતાબ જીતી ચૂકી છે. આટલા મોટા મંચ પર જીત મેળવીને શર્વાણિકાએ ચેસની દુનિયામાં અનોખી ઓળખ બનાવી અને યુવા ટેલેન્ટની શક્તિ વિશ્વ સમક્ષ ફરી એકવાર સાબિત કરી છે. એશિયન બીચ ગેમ્સમાં છઠ્ઠી વખત ગોલ્ડ
ચીનના સાન્યામાં યોજાયેલી 6ઠ્ઠી એશિયન બીચ ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા શ્રીલંકાને ફાઈનલમાં 47-31થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સતત છઠ્ઠી વખત સુવર્ણ ચંદ્રક જીતવાનો અજોડ રેકોર્ડ બનાવ્યો છે. કેપ્ટન રીતુના નેતૃત્વમાં છ સભ્યોની આ ટીમમાં 2016 પછી દશકા બાદ યોજાયેલી સ્પર્ધામાં ભારતે મજબૂત શરૂઆત નોંધાવી.
Read Original Article →