જ્ઞાન-વિજ્ઞાન:લ્યુપસ વિશે તમને જાણકારી છે?

Magazine6/9/2026, 12:35:00 AM
જ્ઞાન-વિજ્ઞાન:લ્યુપસ વિશે તમને જાણકારી છે?
ડો. વિજય દવે આ રોગનો ભોગ બનતા દર્દીઓમાંથી 90% મહિલાઓ હોય છે. આ ઓટોઇમ્યુન રોગના બહુધા લક્ષણોની શરૂઆતમાં તે ચામડી પર દેખા દે છે, પણ આ રોગની સારવાર રૂમેટોલોજિસ્ટ (સાંધા અને ઓટોઇમ્યુન રોગના નિષ્ણાત)કરે છે. લ્યુપસ (Lupus) એક ક્રોનિક (લાંબા સમયગાળાની) ઓટોઇમ્યુન બિમારી છે. સામાન્ય રીતે આપણું રોગપ્રતિકારક તંત્ર વાયરસ અને બેક્ટેરિયા જેવા બહારના કચરા સામે શરીરનું રક્ષણ કરે છે. પરંતુ, લ્યુપસની સ્થિતિમાં, આ તંત્ર દિશાહીન થઈ જાય છે અને શરીરના પોતાના જ તંદુરસ્ત કોષો, પેશીઓ અને અંગો પર હુમલો કરે છે. અહીં રક્ષક જ ભક્ષકની સ્થિતિમાં આવી જાય છે. આથી, શરીરના વિવિધ ભાગોમાં સોજો, બળતરા અને નુકસાન થઈ શકે છે. ​ લ્યુપસના મુખ્ય ત્રણ પ્રકારો છે 1 સિસ્ટેમિક લ્યુપસ એરીથેમેટોસસ (SLE): આ સૌથી સામાન્ય અને ગંભીર પ્રકાર છે. તે શરીરના કોઈપણ ભાગને અસર કરી શકે છે, જેમ કે સાંધા, ત્વચા, કિડની, લોહીના કોષો, મગજ, હૃદય અને ફેફસાં. ​2 કયુટેનિયસ લ્યુપસ (Cutaneous Lupus): આ પ્રકાર માત્ર ત્વચાને જ અસર કરે છે, જેમાં શરીર કે ચહેરા પર ચકામા પડે છે. ​3 ડ્રગ-ઇન્ડ્યુસ્ડ લ્યુપસ (Drug-induced Lupus): કેટલીક ચોક્કસ દવાઓની આડઅસરના કારણેથી થાય છે. દવા બંધ કરવાથી સામાન્ય રીતે આ લ્યુપસ મટી જાય છે. લ્યુપસનાં લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. તે ક્યારેક દેખાય છે (જેને ‘ફ્લેર-અપ’ કહેવાય છે) અને ક્યારેક શાંત થઈ જાય છે. નાક અને બંને ગાલ પર પતંગિયા આકારના ચકામા (Butterfly Rash) થવા એ આ બીમારીનું સૌથી જાણીતું લક્ષણ છે. સાંધામાં અસહ્ય દુખાવો, સોજો અને અકડાઈ જવા (ખાસ કરીને સવારના સમયે). પૂરતો આરામ કરવા છતાં સતત થાક અને નબળાઈ લાગવી. ચોક્કસ કારણ વગર ઝીણો તાવ આવ્યા કરવો. સૂર્યપ્રકાશમાં જવાથી ત્વચા પર એલર્જી કે ચકામા વધી જાય. ઠંડીમાં અથવા તણાવના સમયે હાથ-પગની આંગળીઓ સફેદ કે વાદળી પડી જવી. શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવો થાય. ​​લ્યુપસ થવાનું કારણ કોઈ એક ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ તે નીચેના પરિબળોના મિશ્રણને કારણે થઈ શકે છે: જિનેટિક્સ: જો પરિવારમાં કોઈને આ બીમારી હોય, તો અન્ય સભ્યોમાં તેનું જોખમ વધે છે. હોર્મોન્સ: પુરુષો કરતાં મહિલાઓમાં (ખાસ કરીને 15થી 45 વર્ષની ઉંમરમાં) જોવા મળે છે. એસ્ટ્રોજન હોર્મોન મોટી ભૂમિકા ભજવતો હોવાનું મનાય છે. પર્યાવરણીય પરિબળો: સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો, ચોક્કસ ઇન્ફેક્શન કે વધુ પડતો માનસિક-શારીરિક તણાવ. વધુ આવતા સપ્તાહે
Read Original Article →