કાવ્યાયન:કાવ્યાયન
હરદ્વાર ગોસ્વામી ત્રાજવું લઈ પ્રેમ કોઈ તોળશે નો’તી ખબર,
કાટલાં સંબંધના બદલી જશે નો’તી ખબર.
લો અમે ઓવારણાં તો લઈ લીધા હરખાઈને,
ટાચકાનું દુઃખ પણ કેવું હશે નો’તી ખબર.
ઘાટ ઘડતાં વેદના પથ્થર સહે નિશ્ચિતપણે,
કેટલી પીડા હથોડીને થશે નો’તી ખબર.
ધારણા એવી હતી કેડી નવી કંડારશું,
હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર.
પાંખ કાપીને વિહંગની પાંજરું ખુલ્લું મૂકે,
આભ જે ગમતું હતું, વેરી થશે નો’તી ખબર.
સાચવી’તી હારને મેં પ્રીતની ગાગર મહીં,
જીત મારી આંખથી છલકી જશે નો’તી ખબર.
પ્રતિમા પંડ્યા
ન’તું નાટક છતાં ભજવાઇને હું ઘેર આવ્યો છું,
જગતની આંખમાં ચર્ચાઈને હું ઘેર આવ્યો છું.
કદી રસ્તા મળ્યા સીધા કોઈ ઠોકર વગરના તો,
હવા સાથે સતત અથડાઈને હું ઘેર આવ્યો છું.
મેં ધાર્યું તું કે સળગાવી દઇશ હું સઘળી ચિંતાઓ,
અને અંતે બીડી સળગાઈને હું ઘેર આવ્યો છું.
અને સાંજે તમે આવી જશો એ વાત જાણી તો,
એ આખા માર્ગ પર પથરાઈ ને હું ઘેર આવ્યો છું.
ન ચમકી એક પણ વીજળી રહ્યું ચોમેર અંધારું,
છતાં મોતી સમું વીંધાઈ ને હું ઘેર આવ્યો છું.
રવિ સેવક લખ્યો છે સમજુ ડોશીએ, શબ્દો વિનાનો એક કાગળ,
પહોંચશે, પણ એ વાંચશે ખરો, શંકા કરે તેને વિહવળ.
આથમતી વયે થયું છે, જીવતર નિરાશાભર્યું વાદળ,
લાગણીનો દરિયો ઘૂઘવે, તોયે મન કેમ થાયે વ્યાકુળ.
પાણિયારું, વાળું-વાસીદું કરતાં, વિતે જીવનની ચકડોળ,
ચરખાની પૂણી જેમ કંતાતી, પગે જાણે મમતાની સાંકળ.
મરણ મૂડીમાં છે લીલી લાગણી ને, આંખો કોરી ધાકોર,
વસીયતમાં મૂકે ડોશી, પેટે પસ્તાયાનું પારાવાર ભંડોળ.
પૂર્વી પટેલ
સભ્યતાના કપડાં ઉતારીને
નિર્વસ્ત્ર થતી આ માનવતા !
સંસ્કારોને એકજુટ સળગાવીને
શર્મસાર થતી આ માનવતા!
જીતેશ મોરી
આપણી યાદ રહેશે સદા ભલે સમય વહી જાય,
બધું જ જૂનું થઇ જશે પણ આ યાદો નહીં થાય.
જેમ પકડ્યો તો હાથ હરખથી હસ્તમેળાપ ટાણે,
એ જ અહેસાસ રહેશે, ભલે કરચલીઓ વધી જાય.
માનસી ત્રિવેદી
ઘરનું આંગણ દૂર હતું ને દૂર હતું એ પાસે,
ડગલે ડગલે ડરતો રહીને ભટકું અધ્ધર શ્વાસે.
શબ્દોને ભરથાર કરો કે ભાષાને ઘરવાળી,
ચાંદો સૂરજ ઠરી ગયા છે રાત નથી અજવાળી.
પુસ્તકને પણ હૃદય હતું ને શબ્દોને પણ દિલ,
સડી ગયું છે અંદર સઘળું આંટા મારે ચીલ.
બુદ્ધિ છે કાટ ચઢ્યો ને લાગણીઓ સહુ જુઠ્ઠી,
લડવાનું રહેવા દે ભઈલા, તલવારો છે બુઠ્ઠી.
માનો કે ના માનો પણ છે કપરી આજ કસોટી,
નકશામાં સહુ લડી રહ્યાં જ્યાં પાણીની પરપોટી.
ખીણ હતી ને પુલ હતો ને સામેથી એ આવ્યા,
વચમાં એવું યુદ્ધ થયું કે કોઈ કશું ના ફાવ્યા.
નગર નથી આ સૂરજ નથી આ નથી રાત કે દિન,
અંદરથી ખંડેર બધું છે જીવવામાં સૌ લીન.
પહેલાં સ્હેજ અનુભવો, આ સાચું ખોટું છોડી,
પછી જુઓ કે કોણ બાંધતું, કોણ કંઠી તોડી.
ઇતિહાસોમાં વિલીન થઈને કોણ આપતું દાવ,
આકાશે એક લકીર ખેંચી કોણ કહે છે આવ.
મને હતું કે ફૂલ હશે તો હશે ફક્ત ત્યાં કૂંડું,
(પણ) હજી કેટલું અંદર છે આ હજી કેટલું ઊંડું.
ઢાંચો એનો એ જ રહે ને અંદર સઘળું ચકનાચૂર,
સૂરજને પણ પૂછવું પડતું ક્યાં ગયું મારું નૂર ?
કર્ફ્યુમાં એક બાળક જન્મ્યું, જન્મી બીજું એમ,
કે સિપઈ બનીને કોકે પૂછ્યું બહાર નીકળ્યું કેમ ?
રોજ રાતના બિસ્તર વચ્ચે ઊગતું ઝીણું ઘાસ,
આંખ મીંચીને ચર્યા કરું છું નાંખીને નિઃશ્વાસ.
કરોળિયા એ તંતુ બાંધ્યો બે પર્વતની વચ્ચે,
એ પકડીને સફર કરું છું પહોંચ્યો છું અધવચ્ચે.
અંધારાના સાગર ઉપર બીજ ચંદ્રની નાવ,
બની શકે તો સઘળું છોડી સવાર પહેલાં આવ. સુભાષ શાહ
Read Original Article →