કાવ્યા:કાવ્યાયન
હરદ્વાર ગોસ્વામી બધું એ યાદ રાખે છે કશું ના ભુલવા દે,
અને જો એ જ સાચું હોય તો જોવા જવા દે,
તને શું થાય છે એની બધી એને ખબર છે,
કશું પૂછે જ ના ને તે છતાં અક્સીર દવા દે.
મને કે’ તું ગઝલ લખ હું જરા દીવો કરી લઉં,
પછી આ સાંજ ઢળતો સૂર્ય પણ બોલ્યો- થવા દે.
હવે એને ય આંબી ને જવાના લાગમાં છું
વધારું હું ઝડપ મારી સમય ને થાકવા દે.
જગત છે શાંત ત્યારે ‘તખ્ત’ એ ટોળે વળે છે,
પછી યાદો મને ના જાગવા કે ઉંઘવા દે.
તખ્તસિંહ સોલંકી
વ્યાસપીઠે શબ્દ ક્યારેક સાવ નીરવ હોય છે,
અક્ષરોની પારનું આકાશ ભીતર હોય છે.
સાવ સાદી વાતનો આધાર ઈશ્વર હોય છે.
આંખની ભીનાશમાં આખો સમંદર હોય છે.
શ્વાસની માળા મહીં તો રામ હાજર હોય છે,
જીવતરને જાગવાનો આ જ અવસર હોય છે.
એક ચોપાઈ ખૂલે ને અર્થ એનો વિસ્તરે,
મર્મના ઊંડાણમાં તો એક અક્ષર હોય છે.
શબ્દ પાવન કથાના ભીતરે ઉતર્યા પછી,
આતમા તો પ્રેમ-રસનું એક સરવર હોય છે.
યોગેશ ચોલેરા
સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયા ને?
કપડાં પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયા ને?
ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઊગેલા જૂટ્ઠાણાઓથી ઘેરાઈ ગયા ને?
જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેલાઈ ગયા ને?
નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજું થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયા ને?
મૂળ વિના ઊગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મિલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયા ને?
ઘણી વાર સમજાવ્યુ’તું ને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઊતર્યા તો વચ્ચેથી વે’રાઈ ગયા ને?
કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયા ને?
‘તમે નથી’ની સાબિતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયા ને?
કૃષ્ણ દવે
જ્યાં ધરતી–ખેડૂત એક થતાં માટીની સુગંધ ચારેકોર ફેલાય, જ્યાં આકાશ, વાદળ, ધરતી શું? પાકને દેવતા માની પૂજાય, જ્યાં સંસ્કૃતિ, સંસ્કાર, સંગાથનું મિલન અનોખું થાય, એ મારું વ્હાલું ગામડું કંસારી
નિલેશ ટાંક
યુદ્ધ કદી શું માણસાઈ લડી શકે ?
મહાસત્તાના અહંકાર સફેદ કફનથી ડરી શકે?
વેરાન થઈ ભૂમિ અને નભમાં છવાયો અંધકાર....
મિસાઈલનાં અટૃ હાસ્યમાં બુદ્ધનો શાંતિ સંદેશ..!
રેશ્મા શાહ ‘આશા’
કૈંક વહે છે આજે વારંવાર,
અંદરથી ઉછળીને બહાર.
લુખ્ખા લપટા લોભી એવા,
શબ્દને કરી દો હવે તડીપાર.
હરીશ દાસાણી
આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માગું:
સુણજે આટલો આર્ત્ત તણો પોકાર, બીજું હું કાંઈ ન માગું.
તુંબડું મારું પડ્યું નકામું, કોઈ જુએ નહીં એના સામું.
બાંધી તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું :
સુણજે આટલો આર્ત્ત તણો પોકાર, બીજું હું કાંઈ ન માગું.
એકતારો મારો ગુંજશે મીઠું, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું.
ગીતની રેલશે એક અખંડિત ધાર, એમાં થઈ મસ્ત હું રાચું :
આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માગું. ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’- 12-5-1905 | 14-11-1963
Read Original Article →