કાવ્યાયન:કાવ્યાયન

Magazine4/24/2026, 3:52:21 PM
હરદ્વાર ગોસ્વામી કારણ વગરનાં કારણો રસ્તે નડી ગયા, સીધી સફરમાં અવનવા ફાંટા પડી ગયા. ભીની હવાને એક-બે શ્વાસો અડી ગયા, ચાલ્યા વગર, રસ્તા ઉપર પગલા પડી ગયા. તારા અબોલા કેટલા વ્યાપક બની ગયા, આખા નગરમાં મૌનના પડઘા પડી ગયા. તારા નયનમાં વન હતું, મારા નયનમાં રણ, બંને દિશામાં આપણે ભૂલા પડી ગયા. એકેક જણ પાસે હવે નવતર ઉજાસ છે, જાણે બધાને આગવા સૂર્યો જડી ગયા. ગુમનામ ઘરની શૂન્યતા સારી હતી ‘કુમાર’, મહેફિલમાં તો સૌના ભરમ નજરે ચડી ગયા. કુમાર જૈમિનિ શાસ્ત્રી કાંઈ રહી નથી જ બચત તારી યાદમાં, ડૂબી ગયું છે આખું જગત તારી યાદમાં. આંખો ભરી નથી જો આંસુથી તો શું થયું, અંતર રડી રહ્યું છે સતત તારી યાદમાં. પાલન કરી શક્યો નથી, અફસોસ છે મને, ભૂલી ગયો છું સઘળી શરત તારી યાદમાં. બાકી હદયમાં મારા બુરાઈ નથી કશી, પકડી લીધો છે રાહ ગલત તારી યાદમાં. અંજામ આવવામાં હવે વાર કંઈ નથી, હું મોતની રમું છું રમત તારી યાદમાં ! મળતો નથી રે એને પતો તારો ક્યાંય પણ, રઝળે છે ઠેરઠેર ‘ભરત’ તારી યાદમાં..! ભરત બાપોદરા રોજ બનીને માળી બેઠા, જાત સદા સંભાળી બેઠા. બસ થોડા સુખને મેળવવા, સઘળા દુઃખને પાળી બેઠા. ઘર એનાં રોશન કરવાને, દિલને ખુદના બાળી બેઠા. રાત્રે સૂવાં ના દે અમને, યાદોથી કંટાળી બેઠા. શબ્દ ઘણા આપે છે એથી, જખ્મોને પંપાળી બેઠા. દુઃખમાં ગઝલો લખતાં-લખતાં, જીવનને અજવાળી બેઠા. ‘આબાદ’ પાલનપુરી જ્યાં શબ્દો કામ નથી આવતા, ત્યાં ફતેહ મેળવી જાય છે મૌન. જ્યાં કારણવગર બોલચાલ છે, ત્યાં હિત જાળવી જાય છે મૌન. નિશા ભરતભાઈ ઠાકર તમને જિંદગીમાં બધું જ ગમશે, પણ ગમશે એ બધું જ મળશે, તેની ગેરંટી નહી. તમને ખરીદેલ વસ્તુ પર ગેરંટી મળશે, એ ગેરંટી સુધી જીવવા મળશે, તેની ગેરંટી નહી. જગદીશભાઈ બી. સોલંકી ગુલાબ જોઈને ભ્રમર જાણે એવો રે હરખાય, જોયા તારા અધર પછી, ગુલાબ પણ શરમાય. વેલને જાણે જોર આવ્યું, જલ્દી વૃક્ષને વીંટળાઈ, તારી લચકદાર કમર જોઈને કેવી એ કરમાઈ. સાગર જોષી કૃષ્ણ કલમ લઈ લખવા બેઠાં રાધાજીનું નામ, આંખેથી વાદળ થઈ વરસ્યું ગોકુળ સરીખું ગામ. પૂર લખે કે નદી લખે કે લખે એ દરિયા સાત, કાગળ વચ્ચે વ્હેતી મુકી ઝળઝળિયાની જાત. મોરપીંછના રંગો ઘોળી લખ્યું જ્યાં રાધા મુકામ.. પ્રીત શરણ છે પ્રીત ઝરણ છે પ્રીત છે યમુનાઘાટ, પાંપણનાં પનઘટ પર વાગે ઝાકળભીની છાંટ. અક્ષરભીના પરબીડિયામાં ચીતર્યા તીરથધામ.. શૈલેષ પંડ્યા ‘નિશેષ’ આ અંધકાર શો મ્હેકે છે! શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે! ને, શેાભાથી વિસ્મિત વિસ્મિત નભથી શું તારા ઝૂક્યા છે! ઘટા સઘન ઘનશ્યામ નિહાળી મયૂર મનના ગ્હેકે છે! અહો, વહે શી હળવે હળવે સુરભિ મગન મન ભરી દઈ! દિગ્દિગન્તમાં, -બસ અનન્તમાં સરી જાય ઉર હરી લઈ! અંધકારના મસૃણ હૃદયથી નિગૂઢ બલ્બુલ ચ્હેકે છે! સ્વચ્છ, સુભગ મધરાત વિષે આ કાલતણું ઉર શાન્ત અહો! મધુર મૌનથી સભર શરદનું નીલમ આ એકાન્ત, અહો! પૃથિવીકેરું પારિજાત શું ફુલ્લ પ્રફુલ્લિત બ્હેકે છે!- પ્રજારામ રાવળ 3-5-1917 | 28-4-1991
Read Original Article →