કાવ્યાયન:કાવ્યાયન

Magazine4/7/2026, 12:35:00 AM
હરદ્વાર ગોસ્વામી શબ્દનું શ્રીફળ ધરાવી આદરી છે આ સફર, તે પછી હરપળ વધાવી,આદરી છે આ સફર. કાંકરા વીણ્યા અને કણકણ બધા નોખા કર્યા, ધાનની કોઠી ભરાવી, આદરી છે આ સફર. ખૂબ ખડકેલી વ્યથાઓ,ખદબદી રુંવે રુંવે, જાતને હળવે વહાવી આદરી છે આ સફર. ભાવની સોબત નિભાવી સંચર્યા સંગાથ લઈ, સૂરથી રંગત જમાવી આદરી છે આ સફર. એ ઋણાનુબંધ છે કે કોઈ, કયાં,કયારે મળે? આયખું થોડું સજાવી આદરી છે આ સફર. નૈષધ મકવાણા એ નથી વાંધો કે તું મણમાં રહ્યો, પણ કોઈ તારા લીધે કણમાં રહ્યો. જિંદગીભર તો પળોજણમાં રહ્યો, મોત વેળા પણ તું વળગણમાં રહ્યો. કાંઠે,દરિયા સાથે પીંજણમાં રહ્યો, ઝંપલાવા ટાણે તું પણ’માં રહ્યો. બીજું તો શું થઈ શકે આ ભીડમાં? સંતુલિત રહેવા મથામણમાં રહ્યો. હું જે જાણું છું એ તું જાણે જ છે, જાણીને તું ગેરસમજણમાં રહ્યો. માળી સામે બાગની ફરિયાદ છે, ભરવસંતે બસ એ માલણમાં રહ્યો. દોરડું કે જિંદગી શું સરખા છે? આજીવન નટ એ વિમાસણમાં રહ્યો. છેવટે ફૂટનોટમાં બસ રહી ગયો, જે કદી બધ્ધાં જ પ્રકરણમાં રહ્યો. ગુણવંત ઠક્કર ‘ધીરજ’ સવારે મેં મનના પાંજરામાંથી ડોક્યું કર્યું અને જોયા મેં જિંદગીના રંગરૂપ. કેટલાય સારાનરસા અનુભવની હરમાળા રચાઈ તો થયું લાવ ચશ્મા પહેરી લઉં. કેમ કે જવાબને ઝાંખપથી જોવા યોગ્ય નથી ને ! કેટલુંએ અનુભવે શીખવ્યું મને. જિંદગીમાં મળનારા દરેક વ્યક્તિ શું સારું નરસું શીખવાડી ગયા ! એમાંથી આપણે શું લેવું? પ્રશ્નોની અને વિચારોની હારમાળા સર્જાણી જિંદગી પ્રત્યે માફી અને આભારની મહત્વતા સમજાણી. એટલે જ જિંદગી તારો આભાર કે તું ઘણું શીખવાડી ગઈ. રીમા શાહ આ હારેલી જિંદગીથી જીતવાન ઈચ્છા છે મારી, અર્થહિન જિંદગીને જીવવાની ઈચ્છા છે મારી. લથડતા પગથી આગળ વધવાની ઇચ્છા છે મારી, ખુદને વાયદાઓને પુરા કરવાની ઈચ્છા છે મારી. ડાભી જલ દર્દ થાય છે દિલમાં તારી આ દશા જોઇને, મન વ્યથિત થાય છે તારી આ દશા જોઇને, ભવ્ય ભુતકાળ છે ને રોનક હવે રહી નથી, હૈયું ભરાઈ જાય છે તારી આ દશા જોઇને. ચૈતન્ય મજમુદાર કુરુક્ષેત્ર બહાર નથી, આ તો ભીતરનો સંગ્રામ છે, શબ્દો તીર બને અને મૌન અહીં વિરામ છે. બની અર્જુન મૂંઝાઉં, ને હું કૃષ્ણ થઈને જાગું છું, પોતાનાથી લડવા માટે, હું જ હિંમત માંગું છું. સંગીતા સોની ‘અનામિકા’ હું નવા યુગની નારી નમણી અને નખરાળી પણ સમજુ, ઠરેલ, શાણી જાણી લો પસંદ મારી! ડૉ. ભરત જયરામપ્રસાદ પરીખ રોજ ઊઠું ને નવી સવાર, અહો કશો નિતનવ સંચાર ! એ જ પૃથ્વીની ગતિ એ જ ને એ જ દિશા ઊગમણી, પ્રભાતને આભે છલકાયે એ જ રંગ ઊજવણી; પણ ઝીલનારે અંતર જાગે નિત કેવો અભિનવ ઉદ્ગાર... શિશુ – સુકોમલ હાસ્ય સરીખો પીઉં પ્રથમ પ્રકાશ, પંખીગણને સૂરે સૂરે ઊડે ઉર–ઉલ્લાસ, ઝાકળને જલ નાહી નવો શો નિત્ય ધરા ધરતી અવતાર...
Read Original Article →