મીઠી મૂંઝવણ:મારી સાથે જોબ કરતી એક યુવતી અને મારી વચ્ચે માત્ર પ્રેમભાવ છે, એના પતિને જાણ થતાં જોબ છોડાવી દીધી
મોહિની મહેતા પ્રશ્ન: મારી પત્નીને પ્રેગ્નન્ટ થયે પાંચ દિવસ થયા છે. અમને બંનેને એ મૂંઝવણ છે કે પરિવારજનોને આ વાત કેવી રીતે કહેવી? અમને આ વાતની જાણ કરવામાં સંકોચ થાય છે. માર્ગદર્શન આપશો. { એક પુરુષ
ઉત્તર: સામાન્ય રીતે પ્રેગ્નન્સીની જાણ થતાં મહિના-દોઢ મહિનાનો સમય લાગતો હોય છે. તમને બંનેને પાંચ જ દિવસમાં આની જાણ થઇ ગઇ, તે સારી વાત છે. તમને બંનેને એ મૂંઝવણ છે કે પરિવારજનોને આ વાતની જાણ કેવી રીતે કરવી, પરંતુ આમાં મૂંઝવણ અનુભવવા જેવું કંઇ નથી. પરિવારમાં નવા સદસ્યનું આગમન થવાનું છે, તેની ખુશખબરી જો તમે નહીં જણાવો, તો તમારાં પત્નીને પ્રેગ્નન્સી દરમિયાન જે પ્રારંભિક લક્ષણો જેવાં કે ઊલટી થવી, ઉબકાં આવવા, ભોજનમાં ખાસ વસ્તુ ખાવાની ઇચ્છા થવી વગેરે દ્વારા ઘરમાં વડીલોને તો ખ્યાલ આવી જ જવાનો છે. તમે તમારાં માતા-પિતાને સહજતાથી જણાવી શકો છો કે તેઓ દાદા-દાદી બનવાનાં છે.
પ્રશ્ન: મારી ઓફિસમાં એક-બે મહિલાઓ એવી છે, જેમને અન્યને પરેશાન કરવામાં મજા આવે છે. સ્ટાફના બધા સભ્યોને તેમની આવી આદતની જાણ છે, અમારા મેનેજર પણ એમના સ્વભાવથી પરિચિત છે. છતાં કોઇ કંઇ કહેતાં નથી. તેમની હેરાનગતિ મૂંગા મોંએ સહન કરી લેનારને તેઓ વધારે હેરાન કરે છે. શું કરવું?{ એક મહિલા
ઉત્તર: સામાન્ય રીતે આવી મહિલાઓને મનોવિજ્ઞાનની ભાષામાં સેડિસ્ટ કહેવાય છે. બીજાને તકલીફ પડે કે કોઇ પોતાના કારણે હેરાન થાય ત્યારે આવી મહિલાઓને આનંદ મળતો હોય છે, છાનો સંતોષ મળતો હોય છે કે પોતાના કારણે બીજા કેવાં હેરાન થાય છે. આવાં લોકોને સમજાવવા કે તેમની સાથે વાતચીત કરવાનો કોઇ અર્થ નથી, કેમ કે તેમને પોતે ક્યારેય ખોટું કરે છે, તેવું લાગતું જ નથી. માટે એ સુધરશે અથવા તેમના કારણે ઓફિસનું વાતાવરણ સારું બનશે, એવું માની ન લેશો. આવી મહિલાઓ પ્રત્યે બેદરકારી દાખવવાની ખાસ જરૂર છે. તેમના પ્રત્યે વધારે ધ્યાન આપશો, તો તેઓ વધારે હેરાન કરશે. માટે તેમના પરત્વે ધ્યાન ન આપો અને તમારા કામ પર નિસ્બત રાખો.
પ્રશ્ન: મને ત્રીસ વર્ષ થયાં છે. મારાથી એક મોટો ભાઇ છે જેનાં લગ્ન થઇ ગયાં છે. મારી નાની બહેન એક યુવાનને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માટે બંને પરિવાર તરફથી મંજૂરી મળી ગઇ છે. મારાં લગ્ન હજી થયાં ન હોવાથી મારી નાની બહેનનાં લગ્ન થઇ શકે તેમ નથી. મારાં માતા-પિતા મને લગ્ન કરી લેવા માટે દબાણ કરે છે, પરંતુ યોગ્ય પાત્ર મળ્યા વિના હું કઇ રીતે લગ્ન કરું?{ એક યુવતી
ઉત્તર: તમને ત્રીસ વર્ષ થયાં છે. હજી સુધી તમારાં લગ્ન થયાં નથી અને નાની બહેનને પ્રેમસંબંધમાં લગ્ન કરવા માટે પહેલાં તમારાં લગ્ન કરી જ દેવા એવું જરૂરી નથી. હવે એવું નથી રહ્યું. તમે તમારાં માતા-પિતાને સમજાવો કે જ્યાં સુધી યોગ્ય પાત્ર નહીં મળે, ત્યાં સુધી તમે લગ્ન નહીં કરો અને તમારાં કારણે નાની બહેનનાં લગ્ન કરવાનું અટકાવી રાખવાની જરૂર નથી. એનાં લગ્ન થઇ ગયાં પછી પણ તમારાં લગ્ન થઇ શકે છે. માટે ખોટી ઉતાવળ ન કરે.
પ્રશ્ન: મારી પાડોશમાં રહેતા પરિવારમાં જે યુવતી છે, તે મને પસંદ છે અને તેના વર્તન પરથી લાગે છે કે એને પણ હું પસંદ છું. હું એને મારા મનની વાત કહેવા માગું છું, પરંતુ એની સામે જાઉં ત્યારે હું મારી લાગણી વ્યક્ત કરી શકતો નથી. મારે કઇ રીતે એને દિલની વાત જણાવવી? { એક યુવાન
ઉત્તર: તમને જે યુવતી ગમે છે, તે તમારા પાડોશમાં જ રહે છે અને વળી, જો એના વર્તન પરથી તમને એવું લાગતું હોય કે એને પણ તમે પસંદ છો, તો તમારા માટે સારું છે. છતાં તમે પહેલાં એ ચોકસાઇ કરી લો કે ખરેખર એ યુવતી તમને પસંદ કરે છે કે નહીં. જો તમને ખાતરી થઇ જાય તો તમારાં માતા-પિતાને એ યુવતી સાથે લગ્ન કરવાની તમારી ઇચ્છા અંગે વાત કરો. તેમને પણ સારી અને જાણીતી કન્યા પુત્રવધૂ તરીકે આવશે તો ગમશે. તેથી પહેલાં એ ખાતરી કરો કે એ યુવતીને પણ તમે પસંદ છો અને પછી તમારાં માતા-પિતાને જણાવો.
પ્રશ્ન: મારી સાથે જોબ કરતી એક યુવતી પરિણીત છે, અમારી વચ્ચે માત્ર પ્રેમભાવ છે. એકબીજા સાથે સુખ-દુ:ખની વાતો કરવી, સમસ્યાનો ઉકેલ લાવવો એથી વિશેષ કંઇ નહીં, પરંતુ એના પતિને આની જાણ થતાં એમણે એને જોબ છોડાવી દીધી. હવે એને ક્યાંય બહાર પણ નીકળવા નથી દેતા. મારે એને કઇ રીતે મળવું? { એક યુવાન
ઉત્તર: તે યુવતી પરિણીત છે અને પરિણીત હોવાથી કેટલીક મર્યાદાઓનો ખ્યાલ રાખવાનો હોય છે. ભલે એ જોબ કરતી હતી અને તમારાં બંને વચ્ચે માત્ર પ્રેમભાવ સિવાય બીજું કંઇ નહોતું. છતાં એના પતિને આની જાણ થતાં પરિણામ શું આવ્યું? એ યુવતીને જોબ છોડવી પડી. એટલું જ નહીં, એને બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મુકાઇ ગયો. આપણા સમાજની આ વિડંબણા છે કે આજે પણ કોઇ યુવક-યુવતી વચ્ચે માત્ર પ્રેમભાવ હોય એ કોઇ માની જ શકતા નથી. તમે એ યુવતીને મળવા ઇચ્છો છો, પણ એ નથી સમજતા કે તમારા કારણે એ યુવતીના જીવનમાં કેવું પરિણામ આવ્યું. હવે એ યુવતીને મળવાનો વિચાર છોડી દો અને એને એની રીતે જીવવા દો.
Read Original Article →