ખોબામાં દરિયો:અંતે તો...

Magazine4/14/2026, 12:35:00 AM
ખોબામાં દરિયો:અંતે તો...
રેખાબા સરવૈયા જયલીની આ જ રીત હતી પોતાનો ગુસ્સો પ્રકટ કરવાની... રસોડાનાં વાસણોનો ઠોકમઠોક અવાજ કાને અથડાય એટલે જીવીકાકી સમજી જતાં કે આજ આ દીકરીએ મગજ ગુમાવ્યું છે... એ ઓસરીની કોરે બેઠાં-બેઠાં સાંભળી રહ્યાં. બીજું તો કરેય શું ??? ​શરૂશરૂમાં તો જીવીકાકી મા તરીકે જયલીને ટોકતાં અને શિખામણ દઈ-દઈને શાંત પાડવાના પ્રયાસો પણ કરતાં પણ પછી જોયું કે "કૂવામાંનું હવાડામાં આવ્યું છે!’ પોતે પણ સ્વભાવનાં તો આકરાં જ હતાં. પોતાના ધણી જીવ્યા ત્યાં લગી ધણીપણાની રૂએ સમજાવવાના અઢળક પ્રયાસો કર્યા પણ જીવીકાકી ઠેરનાં ઠેર...! અને અદલ એનું જ મગજ લઈને અવતરી તે આ જયલી... ધણીની શાંત આભા હેઠળ ઢંકાઈને જીવતર નીકળીય જાત પણ અર્ધે રસ્તે નાનકીને ખોળામાં મૂકીને ધણી મોટી યાત્રાએ ઊપડી ગયા. નાનકી જયલીને સમોવડિયામાં મોટી કરતાં-કરતાં જીવીકાકી ગુસ્સો ગળતાં શીખી ગયેલાં... પણ આવડી આ જયલી !!! બાપનું છત્તર માથેથી હટી ગયા પછી પણ કોઈ વાતે દીકરીને ઓછું ન આવવા દેનારી માનું હૃદય જયલીનો હસતો-ખેલતો સંસાર વસાવવા ઝંખ્યા કરતું! બધાયનાં બધાં જ સપનાં ક્યાં સાકાર થાય છે! ઈતિહાસના પુનરાવર્તનની જેમ જ લગનના વરસ દિ’માં તો જયલી પણ દુ:ખાણી...! સ્વભાવથી સાસરે પોસાઈ નહીં તે પાછી આવી જીવીકાકી પાસે! નાનેરી ખેતી કરીને બેય મા-દીકરી જીવન તો ટૂંકું કરતાં હાલ્યાં પણ... હારે-હારે રહીને બેય જણાં એકબીજાને કેધે ચડી ગયેલાં એ પાક્કું! નાનપણમાં રંડાપો સ્ત્રીની જાત માટે તો દુ:ખનો ડુંગર જ જાણે! અને કાં તો’ક ડુંગરના પાણા જેવી કઠોરતા પણ દુ:ખની હારોહાર હાલી આવી’તી જાણે. સ્વભાવની કડવાશમાં જાણે કે જીવનની મીઠાશનો રસકસ ચુસાઈ જ ગયો હતો... વેઠેલી વહમી વેદના અને સહન કરેલી એકલતાની પીડા શું એટલી પ્રબળ હોતી હશે કે માણસના માલીપાની મુલાયમતા જ ખોઈ બેસે? એકબીજાને જાણે એકબીજાનો ગંધવા ન ગમતો હોય એવા ખાવડા પડી ગયેલા... એક ગમાણમાં મોં ઘાલીને ઊભેલાં, પડખોપડખ બાંધેલાં, ઢોરની ઘોડયે... દોહ્યલા ઘડપણના દા’ડા કાપતી જીવીકાકીની સ્વભાવગત કચકચથી તંગ આવીને જયલીએ મનોમન નક્કી કર્યું હતું કે આજે રાતે ગમે એમ કરીને – ઓસરીની કોરે બેસીને દાતણથી દાંતમાં બજર ઘસતાં જીવીકાકીને એકાએક હૈડીયો ઉપડ્યો કે ગળું ફાડીને દીકરીનું નામ પોકારતાં ઢળી પડ્યાં. શ્વાસે ધમોધમ છાતી તો ધમણની જેમ ઊછળતી હતી... રસોડામાંથી હાંફળી-ફાંફળી જયલી ઓસરીની કોર લગી દોડતી આવી. એ માને જોઈને ડરી જ ગઈ. શ્વાસથી હાંફતી માને ગોદમાં લઈ એણે મદદ માટે પાડોશીને જીવ ઉપર આવીને બૂમ પાડી... ​અંતે તો...
Read Original Article →