હૂંફ:બાળઉછેરની જાપાની રીત કેવી છે?

Magazine6/9/2026, 12:35:00 AM
હૂંફ:બાળઉછેરની જાપાની રીત કેવી છે?
ધર્માંશુ વૈદ્ય આજના આધુનિક અને યાંત્રિક યુગમાં આપણે બાળકને હાથ પર લીધેલ પ્રોજેક્ટ તો નથી સમજી બેઠા ને? જો એવું હોય તો દૃષ્ટિફેરની તાતી જરૂર છે. આ માટે આપણા મૂળિયા સાથે ઐક્ય ધરાવતા જાપાન ભણી જોવું ભારે લાભકારક છે. આ ઊગતા સૂર્યના દેશની કેળવણીની ફિલસૂફી આપણી આંખો ઉઘાડનારી છે. જાપાનીઝ લોકો બાળઉછેર માટે ‘શિત્સુકે’ શબ્દ પ્રયોજે છે. શિત્સુકે એટલે માત્ર વાતોના વડા નહીં, પણ સહજ આચરણ થકી સધાતું મૂલ્યનિર્માણ અને સંસ્કારસિંચન. આમ પણ, બાળકો આપણા શબ્દોના નહીં, પણ આપણા વર્તનના રચનાત્મક સાક્ષી છે. બાળક એ બીજું કંઈ નહીં, પણ માતા-પિતાના આંતરિક વ્યક્તિત્વનો જીવંત અરીસો છે. જો ઘરમાં પિતા જ્વાળામુખીની જેમ અહંકારથી ફાટતા હોય અને માતા સદાય અકળામણમાં જીવતી હોય, તો બાળકના ભીતરમાં શાંત સરોવર સર્જાવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? જાપાનીઝ સંસ્કૃતિ સમજે છે કે બાળક પાસે આદર જોઈતો હોય, તો પહેલાં તેને આદર આપવો પડે. કદાચ એટલે જ બાળકની કોઈ ભૂલ પર રાડ પાડીને આકાશ-પાતાળ એક કરવાને બદલે, ઊંડા શ્વાસ લઈને શાંતિથી પરિસ્થિતિને સંભાળવી એ શિત્સુકેનો પાયો છે. ત્યાર પછી આવે છે સ્વચ્છંદ ક્ષય. આધુનિક કેળવણીમાં સ્વતંત્રતાના નામે બાળકોને બેફામ છૂટછાટ આપવી એ ભ્રમણા જડ થઈ રહી છે, પણ નિયંત્રણ વિનાની સ્વતંત્રતા અંદરના કેઓસને બહારના ઉત્પાતમાં બદલી નાખે છે. હકીકત તો છે કે સ્પષ્ટ નીતિ-નિયમો વિનાનું બાળક ભીતરથી દિશાહીન અને અસુરક્ષિત અનુભવે છે. આવા સમયે મર્યાદા અને નિયમો એ કોઈ જેલની અંધારી કોટડી નહીં, પણ વહેતી નદીને સાચવતા બે કાંઠા બની વહારે આવે છે. જ્યારે બાળકને ખબર હોય કે ઘરમાં પ્રવેશતા જ પગરખાં બહાર કાઢવાના છે કે જમતા પહેલાં હાથ ધોવાના છે, ત્યારે તેના મનમાં સ્પષ્ટ અને સુરક્ષિત માળખાનો ઉદય થાય છે. અલબત્ત, આ વર્તનબોધ બાળક પામે એ માટે વડીલોના પોતાના વર્તનમાં એકરૂપતા અને પારદર્શિતા હોય તે અનિવાર્ય શરત છે. ત્યારબાદ જાપાનીઝ સમજણ આપણા ન્યાયાધીશપણા પર પ્રહાર કરે છે. આપણું બાળક પડોશીના બાળક સાથે રમવા જાય અને એનું રમકડું ઝુંટવી લે, ત્યારે તે સ્વાર્થી કે ગુનેગાર નથી બની જતું. દુનિયાદારીના રિવાજોથી અપરિચિત હોવાથી એ પોતાના વારાની પ્રતીક્ષા કરવાની કળા હજુ શીખ્યું નથી. પરિણામે આવે વખતે એની પરિસ્થિતિ સમજી એને સમજણ આપવાની નવી રીત અપનાવવી એ આ જાપાનીઝ પેરેન્ટિંગનો સાર છે. આમપણ, બાળઉછેર એ બાળકને સુધારવાની નહીં, પણ પોતાની જાતને નિખારવાની આધ્યાત્મિક પ્રક્રિયા છે. શિત્સુકે આપણને એ જ પાઠ ભણાવે છે કે સજાનો શોર્ટકટ છોડો અને સાચી સમજણનો સેતુ બાંધો. કેમ કે સાચો ઉછેર એ જ છે જ્યાં આંખમાં રોષ નહીં, પણ હૃદયમાં અખૂટ વાત્સલ્ય હોય. પિપરમિન્ટ: પિતા બન્યા પછી એ વધારે વખત જાતને જોતો થયો છે.
Read Original Article →