જ્ઞાન-વિજ્ઞાન:વંધ્યત્વની સમસ્યા સામે આઈવીએફ આશાનું કિરણ
ડો. વિજય દવે વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહેલા દંપતી માટે આઈવીએફ સારવાર આશાનું કિરણ છે પણ એ ત્યારે જ અપનાવાય જયારે કુદરતી રીતે અથવા અન્ય સારવાર થકી ગર્ભાધાન ન થાય.
નીચેની પરિસ્થિતિમાં આઈવીએફ કરાવવું જોઈએ.
સ્ત્રી સંબંધિત સમસ્યાઓ
જો સ્ત્રીની બીજવાહિની બંધ હોય અથવા ક્ષતિગ્રસ્ત હોય તો શુક્રાણુ અને બીજનું મિલન શક્ય ન હોય ત્યારે...
ગર્ભાશયના અંદરના પડ જેવી પેશીઓ બહાર વધવા લાગે જે એન્ડોમેટ્રીઓસીસ કહેવાય એ પરિસ્થિતિમાં પ્રજનન ક્ષમતા ઘટી જાય ત્યારે...
અમુક પરિસ્થિતિઓ જેવી કે, PCOD અને PCOS માં, સ્ત્રીના બીજાશયમાંથી બીજ મુક્ત ન થઈ શકતા હોય ત્યારે...
35 વર્ષની ઉંમર પછી બીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી થાય ત્યારે (સ્ત્રીનું બીજાશય તેના જીવનકાળ દરમિયાન દર મહિને એકના હિસાબે 400 બીજોને મુક્ત કરે છે.)
ગર્ભાશયમાં ફાઇબ્રોડ્સ હોય અથવા ગર્ભાશયની કોઈ જન્મજાત ખામી હોય ત્યારે આઇવીએફ નિષ્ણાત આઇવીએફની સલાહ આપે છે.
પુરુષ સંબંધિત સમસ્યાઓ
પુરુષના શુક્રાણુઓની અતિ અલ્પતા, ( નોર્મલ પ્રમાણ 60થી 120 મિલિયન) ઓછા ગતિશીલ શુક્રાણુઓ, શુક્રાણુઓની ગુણવત્તા નબળી હોય ત્યારે આઈવીએફ અને એમાં પણ ICSI ( Intra Cytoplasmic Sperm Injection) પદ્ધતિ અસરકારક નીવડે છે.
આ પદ્ધતિથી પુરુષને વીર્યમાં એક પણ સ્પર્મ ન હોય તો પણ સર્જરી દ્વારા તેનાં અંડકોષમાંથી એક સ્વસ્થ સ્પર્મ લઈ આઇવીએફ પદ્ધતિથી ગર્ભાધાન થઈ શકે અને તે પુરુષને તેનાથી બાયોલોજીકલ બાળક મળે.
આ સિવાય વંધ્યત્વનું કોઈ સ્પષ્ટ કારણ ન હોય, લાંબા સમયથી પ્રયત્ન કરવા છતાં ગર્ભાધાન ન થાય ત્યારે આઈવીએફ સારવાર લેવાય. દંપતીને કોઈ ગંભીર આનુવાંશિક રોગ હોય ત્યારે Pre Implantation Genetic Test = PGT કરાવીને આઈવીએફની સલાહ અપાય છે.
સિંગલ પેરેન્ટ હોય, સેમ સેક્સ કપલ હોય, કેન્સર જેવી બિમારી હોય ત્યારે રેડિયેશન/કીમોથેરપી લેતા પહેલા બીજ/ શુકાણુઓને ફ્રીઝ કરી આઇવીએફની સલાહ ફર્ટિલિટી એક્સપર્ટ આપે.
મોટી ઉંમરે સ્ત્રીને જો બાળકની ઇચ્છા થાય તો અને ત્યારે આઈવીએફ સારવાર થકી બાળક મળી શકે. પરંતુ એ સમયે સફળતાનો દર નોંધપાત્ર રીતે ઓછો હોય.
આમ પણ આઇવીએફ સારવાર થકી સફળતાની ટકાવારી 45થી 60% સુધીની જ હોય. પરંતુ 35થી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં સફળતાનો દર 55% જેટલો હોય.
આઈવીએફ વંધ્યત્વની ઉત્તમ સારવાર હોવા છતાં એમાં એક જ પ્રયત્ને કે એક જ સાયકલે સફળતાની ગેરંટી નથી હોતી .
જો દંપતીને અન્ય પ્રજનન સારવાર કે IUI (Intrauterine Insemination) ના 3-4 પ્રયાસો છતાં સફળતા ન મળી હોય ત્યારે આઈવીએફ શ્રેષ્ઠ અને એકમાત્ર સારવાર છે.
(આઈવીએફ વિશે વધુ આવતા સપ્તાહે)
Read Original Article →