જ્ઞાન-વિજ્ઞાન:આઇવીએફની પ્રક્રિયા

Magazine5/26/2026, 12:35:00 AM
જ્ઞાન-વિજ્ઞાન:આઇવીએફની પ્રક્રિયા
ડો. વિજય દવે જ્યારે સ્ત્રીને કુદરતી રીતે ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી પડે ત્યારે સ્ત્રીરોગ નિષ્ણાતો આઇવીએફની (ઈન વિટ્રો ફર્ટીલાઇઝેશન) સલાહ આપતા હોય છે. આ ટેકનિકને Assisted Reproductive Technology = ART કહે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ પદ્ધતિમાં સ્ત્રીના શરીરમાંથી અંડકોષો અને પુરુષના શુક્રાણુઓ બહાર કાઢીને લેબોરેટરીમાં તેમનું ફલન કરાવવામાં આવે છે. ત્યારબાદ તૈયાર થયેલા ગર્ભને (Embryo) સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. ​આઈવીએફની પ્રક્રિયા સામાન્ય રીતે એક માસિક ચક્ર દરમિયાન પૂર્ણ થાય છે. એના કુલ 8 તબક્કા ક્રમાનુસાર હોય છે. ​1 સૌ પ્રથમ નિષ્ણાત ડૉક્ટર પતિ-પત્નીના સ્વાસ્થ્યની તપાસ કરે છે, જેમાં હોર્મોનલ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ અને વીર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે. ​2 અંડાશયનું ઉત્તેજન (Ovarian Stimulation): સ્ત્રીને ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવે છે જેથી અંડાશય વધુ અંડકોષો પેદા કરે. આ દરમિયાન ડૉક્ટર અલ્ટ્રાસાઉન્ડ દ્વારા અંડકોષોના વિકાસ પર નજર રાખે છે. 3 અંડકોષો લેવાની પ્રક્રિયા (Egg Retrieval): જ્યારે અંડકોષો પરિપક્વ થઈ જાય, ત્યારે એક નાની સર્જિકલ પ્રક્રિયા દ્વારા અંડાશયમાંથી અંડકોષોને બહાર કાઢવામાં આવે છે. આ પ્રક્રિયામાં દર્દીને દુખાવો ન થાય એ માટે સામાન્ય રીતે એનેસ્થેસિયા આપવામાં આવે છે. ​4 શુક્રાણુ એકત્રીકરણ (Sperm Collection): તે જ દિવસે પુરુષ પાસેથી વીર્યનો નમૂનો લઈ લેબોરેટરીમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા શુક્રાણુઓ અલગ કરવામાં આવે છે. 5 ફલીનીકરણ: લેબોરેટરીમાં એક ખાસ કલ્ચર ડિશમાં અંડકોષો અને શુક્રાણુઓને સાથે રખાય છે, જેથી કુદરતી રીતે ફલન થાય. જો શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય, તો ICSI (Intra-Cytoplasmic Sperm Injection) પદ્ધતિ દ્વારા સીધા અંડકોષમાં શુક્રાણુ દાખલ કરાય છે. ​6 ગર્ભનો ઉછેર (Embryo Culture): ફલન થયા બાદ જે ગર્ભ બને, તેને 3થી 5 દિવસ સુધી લેબમાં ઇન્ક્યુબેટરમાં રખાય છે. ​7 ગર્ભ સ્થાપન (Embryo Transfer): છેલ્લે, સૌથી સ્વસ્થ ગર્ભને એક પાતળા કેથેટર દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. એનેસ્થેસિયા વગર થતી આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ​8 ગર્ભાવસ્થા પરીક્ષણ: ગર્ભ સ્થાપનના આશરે 12-14 દિવસ પછી બ્લડ ટેસ્ટમાં Beta HCG હોર્મોનની લોહીમાં મોજુદગી દ્વારા જાણવામાં આવે છે કે ગર્ભ ધારણ થયો છે કે નહીં. ​ (આઈવીએફ વિશે વધુ આવતા સપ્તાહે)
Read Original Article →