એકબીજાને ગમતાં રહીએ:બુદ્ધિશાળી હોવાનો અધિકાર માત્ર પુરુષને છે?
રાજા શિખિધ્વજને જ્ઞાનની પીપાસા હતી. એ જ્ઞાનની શોધમાં અહીંથી તહીં ભટકતા હતા. જ્ઞાન એમના ઘરમાં જ હતું. પત્ની ચૂડાલા, જે અત્યંત જ્ઞાની અને બુદ્ધિમતિ હતી. એની વાત રાજા ક્યારેય સાંભળતા નહીં.
અનેક સંત-મહાત્મા, જ્ઞાની પુરુષો પાસે જ્ઞાનની શોધમાં નિરાશ થયા પછી રાજાએ વનમાં જવાનો નિર્ણય કર્યો. ચૂડાલાએ પતિને રોકવાને બદલે એને મુક્ત કર્યા, પરંતુ એણે નક્કી કરી લીધું હતું કે એ પોતાના પતિને પાછો લઈ આવશે. ચૂડાલાએ પુરુષનો વેશ ધારણ કર્યો અને રાજાને જંગલમાં જઈને મળી. એણે પોતાનું નામ કુમ્ભક કહીને એક યોગી તરીકે પોતાનો પરિચય આપ્યો.
રાજાને પુરુષ પાસેથી જ્ઞાન લેવામાં વાંધો નહોતો. એ કુમ્ભકના શિષ્ય બની ગયા. એક દિવસ કુમ્ભકે રાજાને કહ્યું, ‘મેં દુર્વાસા ઋષિને જોયા. મારાથી એમની મજાક થઈ ગઈ, એટલે એમણે મને સ્ત્રી બની જવાનો શાપ આપ્યો છે. હવેથી હું પ્રત્યેક રાત્રિએ નારી બની જઈશ.’
કુમ્ભક હવે મદનિકા નામની નારી બનીને રાજાને મળ્યો, પરંતુ રાજાએ એનો સ્પર્શ ન કર્યો. રાજાએ મદનિકાને જણાવ્યું કે, પોતે પરિણીત છે અને હવે એણે બ્રહ્મચારી બની જવાનો નિર્ણય કર્યો છે, એ મદનિકાને પોતાની મિત્ર તરીકે સ્વીકારશે. મદનિકા હવે રાત્રે રાજાની સાથે એક જ ઓરડામાં સુતી અને કુમ્ભકની જેમ જ અનેક જ્ઞાનવાતો કરતી, કારણ કે રાજા માટે તો એક કુમ્ભક જ હતો.
મદનિકાએ એકવાર રાજાને કહ્યું, ‘હું એક સ્ત્રી બનીને તમારી પાસે આવું છું ત્યારે હું સંભોગના સુખની વાંચ્છના રાખું છું. એક પૂર્ણ પુરુષ જે કામજ્વરથી પીડિત સ્ત્રીને સંતુષ્ટ ન કરે એ પાપી ગણાય છે. તો આપ મને સંતુષ્ટ કરો.’
રાજાએ મદનિકાની વિનંતી સ્વીકારી અને તદ્દન સ્થિતપ્રજ્ઞ ભાવે સંભોગ કરવા લાગ્યા. કોઈપણ ઈમોશનલ એટેચમેન્ટ વગર, માલિકીભાવ વગર ફક્ત મદનિકાની ઈચ્છાને સંતુષ્ટ કરવા માટે રાજા એને પ્રેમ કરતા, એની જ્ઞાનવાતો સાંભળતા અને દિવસે કુમ્ભક સાથે મિત્રભાવે સત્સંગ કરતા.
ચૂડાલાને એક દિવસ પોતાના પતિનું વૈરાગ્ય પરખવાની ઈચ્છા થઈ. એણે પોતાની માયાવી શક્તિથી અત્યંત સ્વરૂપવાન એવા અજાણ્યા યુવક સાથે પ્રેમલીલાનું દૃશ્ય તૈયાર કર્યું. રાજાના આવવાના સમયે જ મદનિકા એ માયાવી પુરુષ સાથે સંભોગ કરતી હોય એવો દૃષ્ટિભ્રમ ઊભો કર્યો.
રાજા ત્યાં આવી પહોંચ્યા અને પોતાનું મોઢું ફેરવી લીધું. બે હાથ જોડી એમણે મદનિકાને કહ્યું, ‘આપના પ્રેમકાર્યમાં વિઘ્ન નાખવા બદલ માફી ચાહું છું.’ રાજા ત્યાંથી ચાલી ગયા...
ચૂડાલાએ પોતાનું સાચું વ્યક્તિત્વ પ્રગટ કર્યું અને રાજાને કહ્યું, ‘હવે આપ સાચે જ જ્ઞાની થઈ ગયા છો. મહેલમાં રહો કે જંગલમાં હવે આપના વૈરાગ્ય અને જ્ઞાનને કોઈ આંચ નહીં આવે...’
રાજાએ પત્નીને ગુરુપદે સ્થાપીને પ્રણામ કર્યા. ચૂડાલાએ પતિને ફરી પાછા રાજ્યમાં પાછા ફરીને પોતાનું રાજ્ય સંભાળી લેવાની વિનંતી કરી. રાજા પાછો ફર્યો. ચૂડાલા સાથે શિખિધ્વજ રાજાએ અનેક વર્ષો સુધી રાજ કર્યું.
કથા રસપ્રદ એટલા માટે છે કે રાજા જ્ઞાનના પીપાસુ ચોક્કસ છે, પરંતુ પોતાની પત્નીને કે કોઈ સ્ત્રીને જ્ઞાની વ્યક્તિ અથવા જ્ઞાનના સ્રોત તરીકે સ્વીકારવા તૈયાર નથી. એ જ્ઞાનને ત્યારે સ્વીકારે છે જ્યારે એ પુરુષ પાસેથી આવે છે! સત્ય તો એ છે કે જ્ઞાનને કોઈ જેન્ડર હોતી નથી.
ભારતીય પુરાણોમાં સરસ્વતીને જ્ઞાનની દેવી તરીકે પૂજવામાં આવે છે, તેમ છતાં મોટાભાગના પુરુષો એમ માને છે કે ‘બૈરાંની બુદ્ધિ પગની પાનીએ હોય.’ તુલસીદાસ જેવા જ્ઞાની વ્યક્તિએ પશુ અને નારીને એક લેવલ પર મૂકીને એને ‘તાડન’ (મેથીપાક અથવા માર)ના અધિકારી કહ્યાં છે. અનેક ધર્મોમાં સ્ત્રીને દીક્ષા આપવામાં આવતી નથી, બુદ્ધે પણ શરૂઆતમાં સ્ત્રીઓને દીક્ષા આપવાનો ઈન્કાર કર્યો હતો. આ બધું એવું પ્રસ્થાપિત કરે છે કે આપણે સહુ જ્ઞાનની બાબતમાં હજી પણ લિંગભેદ અને જાતિભેદનો વિચાર કરીએ છીએ.
બુદ્ધિ કે આવડત, કલા કે કૌશલ્ય જાતિ કે લિંગ આધારિત નહીં, બલ્કે વ્યક્તિમાં રહેલા ગુણ તરીકે એના જન્મ, ઉછેર, શિક્ષણ કે એના પૂર્વજન્મના જ્ઞાનની ઉપલબ્ધિ સાથે જોડાયેલાં હોય છે.
આજે પણ સ્ત્રીઓ સાથે જ્ઞાન, કૌશલ્ય કે આવડતની બાબતમાં ઓરમાયો વ્યવહાર કરવામાં આવે છે. મહિલા અધિકારીને એક પુરુષ અધિકારી દ્વારા ફક્ત સ્ત્રી હોવાના કારણે સમાનતાથી નહીં સ્વીકારાયાના દાખલા આપણને મળે છે ત્યારે આપણે એટલું તો સ્વીકારવું જ પડે કે હજી આપણો સમાજ સ્ત્રીના કૌશલ્ય, એની આવડત કે એની શ્રેષ્ઠતાને પૂરા હૃદયથી સન્માનિત કરી શકતો નથી.
અહીં સ્ત્રી પણ એટલી જ જવાબદાર છે, કારણ કે એક સ્ત્રી બીજી સ્ત્રીના કૌશલ્યને કે હુન્નરને, હિંમતને કે આંતરિક શક્તિને વખાણવાને બદલે સામાન્ય સંજોગોમાં એનો દ્વેષ કરતી જોવા મળે છે. આજે પણ મહિલા બોસની કુશળતા સ્વીકારવામાં પુરુષ કર્મચારીને પોતાનું પુરુષત્વ આડે આવે જ છે!
સફળ સ્ત્રી પોતાના સૌંદર્ય કે સ્ત્રીત્વને બાર્ટર કરીને આગળ આવી હશે એવું માનનારા પુરુષો તો છે જ, પરંતુ સ્ત્રીઓની સંખ્યા પણ ઓછી નથી! ભારતીય સમાજમાં આજે પણ સ્ત્રીને માત્ર સૌંદર્યનું પ્રતિક માનવામાં આવે છે. લાંબા વાળ, પાતળી કમર, પુષ્ટ સ્તન કે ચમકતી ત્વચા સ્ત્રીની ઓળખ નથી એ વાત હવે એક સ્ત્રીએ બીજી સ્ત્રીને સમજાવવી પડશે. હજી સુધી માતાઓ પોતાની દીકરીને સુંદર બનવાની પ્રેરણા આપ્યા કરે છે, પણ સાહસિક કે શૂરવીર બનવાની પ્રેરણા આપતી નથી.
એક મા જ જ્યારે પોતાની દીકરીને પતિ, પિતા, ભાઈ કે પુરુષ બોસ સામે દલીલ કે વિરોધ નહીં કરવાનું, પોતાના વિચારો પ્રગટ નહીં કરવાનું અને ચૂપ રહેવાનું શિખવે છે ત્યારે એ માતા પણ સ્ત્રીની આવડત, જ્ઞાન કે કૌશલ્યને નકારે છે.
શિખિધ્વજની કથા ભલે સદીઓ જૂની હોય, પરંતુ આજની સ્ત્રી માટે પણ એ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેની સરખામણીમાં મહિલાને ઓછી, ઉતરતી, અધૂરી કે અણઆવડત ધરાવતી માનવામાં આવે છે, એ સત્યને આપણે ગમે તેટલા વિકાસના દાવા પછી પણ નકારી શકીએ એમ નથી.
Read Original Article →