એકબીજાને ગમતાં રહીએ:ડોન્ટ વરી, બી હેપ્પીઃ બહુ અઘરું નથી...
ભારતીય સ્ત્રીની સામે એની રોજિંદી જિંદગી આજે પણ ગૂંચવણભરી અને મુશ્કેલી છે. બાળપણમાં એણે પિતાની પ્રતિષ્ઠા અને પરિવારની ચિંતા કરવાની, લગ્ન પછી પતિ અને સાસરિયાંનું મન સાચવવાનું અને પ્રૌઢાવસ્થા પછી સંતાનોના સંતાનોને સાચવવાના, એમને ગમે તેમ જીવવાનું... આ ભારતીય સ્ત્રીની જિંદગીનો એક ‘લાઈફમેપ’ છે.
સ્ત્રીસશક્તિકરણની વાતો ચોક્કસ કરીએ છીએ, પરંતુ સશક્ત સ્ત્રી કોઈને અનુકૂળ આવતી નથી એ પણ ભારતીય માનસિકતા સાથે જોડાયેલું એક કડવું સત્ય છે. ગમે તેટલા પૈસા કમાતી સ્ત્રી પાસે ઘરનું કામ, રસોઈ કરવાની અપેક્ષા રાખવામાં આવે જ છે-એમાં કશું ખોટું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય મુજબ માત્ર સ્ત્રી જ નહીં, પુરુષની પણ ઘરના કામમાં જવાબદારી છે એ વાત હજી ભારતીય પરિવારોમાં સ્વીકારવામાં આવી નથી.
વ્યવસાય કરતી કે નોકરી કરતી સ્ત્રી માટે ઘરનું કામ, બાળકો, સામાજિક પ્રસંગો સાચવવાથી શરૂ કરીને પોતાના કામમાં પૂરું ફોકસ કરવા જેવી અનેક ચેલેન્જીસ એની સામે હોય છે ત્યારે આવી વર્કિંગ વુમન માટે કેટલીક સાદી અને સમજણભરી જીવનશૈલી એના રોજિંદા કામને સરળ બનાવી શકે.
અઠવાડિયાનું મેનુ બનાવી લેવું. શનિવારે કે રવિવારે, કે પછી જ્યારે રજા હોય ત્યારે બેસીને આખા અઠવાડિયાના ભોજન અથવા ટિફિનનું પ્લાનિંગ કરી લેવું જેથી સવારે ઉઠીને, ‘શું બનાવવું?’ નો પ્રશ્ન ન રહે. જાતે રસોઈ બનાવવાની હોય તો પણ કે રસોઈ બનાવવા માટે કોઈ આવતું હોય તો પણ, આ મેનુ બનાવી લેવાથી જરૂરિયાત મુજબની વસ્તુઓ પણ આગલે દિવસે કે અઠવાડિયા પહેલાં લાવી શકાય જેથી ગ્રોસરી, શાકભાજીના પ્રશ્નો પણ સોલ્વ થઈ જાય.
બને તો ઘરના સૌને આ મેનુ બતાવી દેવું કે ફ્રીજ પર ચોંટાડી દેવું જેથી કોઈને એમાં ફેરફાર કરાવવો હોય તો એ જ વખતે કહી શકે. ઘરના સભ્યોને સમજાવવાનો પ્રયત્ન કરવો કે જે ન જમવાનું હોય એણે સમયસર જાણ કરવી જોઈએ. મોટાભાગના ઘરોમાં રસોઈ બની ગયા પછી પતિ કે બાળકો પોતાનો કાર્યક્રમ જણાવે છે. આનાથી ગૃહિણીને કંટાળો અને ચીડ બંનેનો અનુભવ થાય છે, તો ગૃહિણીએ આ વિશે ધીરે ધીરે પોતાના પરિવારના સભ્યોને તૈયાર કરવા જોઈએ.
પ્લાનિંગ બહુ જ મહત્ત્વનું છે. ઘરમાં એક સાથે બધું કામ ન કાઢવું. ખાસ કરીને, રવિવારના દિવસે જ્યારે રજા હોય ત્યારે બધી સફાઈ કરવાનો આગ્રહ રાખતી ગૃહિણીઓ રજાને દિવસે થાકી જાય અને બીજા દિવસથી આખું અઠવાડિયું કામ કરવાનું હોય ત્યારે ચીડ અને કંટાળાનો અનુભવ થાય. રોજ સવારે એક નાનું કામ કરવાનો પ્રયત્ન કરવો. જેમ કે, રોજ એક ખાનું સાફ કરવામાં 10 મિનિટ લાગે, પરંતુ અઠવાડિયાના અંતે સાત ખાના સાફ થઈ જાય.
પોતાના કપડાં, છોકરાંઓનાં યુનિફોર્મ બને તો રાત્રે ઈસ્ત્રી કરી લેવા. જો બહારથી ઈસ્ત્રી કરાવતા હો તો યુનિફોર્મ ઈસ્ત્રી થઈને આવ્યો છે કે નહીં એની ચોકસાઈ રાત્રે જ કરી લેવી. છોકરાંઓને પણ રાત્રે જ બેગ ભરવાની કે જરૂરિયાતની ચીજવસ્તુઓ તૈયાર કરીને મૂકી દેવાની ટેવ પાડવી જે એમને મોટી ઉંમરે ખૂબ કામ લાગશે. મોટાભાગની વ્યવસાયી મહિલાઓ સાંજ કે રાતનો સમય વાતો કરવામાં કે ટીવી જોવામાં વિતાવે છે, પરંતુ જો 15 જ મિનિટ આ પ્લાનિંગમાં ઈન્વેસ્ટ કરી શકાય તો સવાર ‘વેસ્ટ’ નહીં થાય.
પેનિક કે ઉશ્કેરાટથી કશું જ થઈ શકતું નથી, બલ્કે કામ બગડે છે. ઘણીવાર એવું બને કે, બધું પ્લાનિંગ કર્યા પછી પણ કશુંક ગૂંચવાય, ઊંધું પડે, ન ધારેલા મહેમાન આવી ચડે, બાળક બીમાર થઈ જાય કે આપણી તબિયત સારી ના હોય. પાણી જતું રહે, ગેસનો બાટલો ખલાસ થઈ જાય, બાઈ ન આવે... આવી અચાનક આવી પડેલી મુશ્કેલીમાં ચીડાવાથી, ઉશ્કેરાવાથી પરિસ્થિતિ વધુ ગૂંચવાશે.
ઉશ્કેરાયેલું મગજ સાચો વિચાર કે નિર્ણય નહીં કરી શકે, બલ્કે બીજા ઉપર ગુસ્સો નીકળી જશે, ઘરમાં ક્લેશ થશે અને અંતે દિવસ બગડશે. જ્યારે આવી કોઈપણ પરિસ્થિતિ નહીં ધારેલી સમસ્યા લઈને આવે ત્યારે સૌથી પહેલાં ઘરના સભ્યોને તમારી સાથે જોડી લો.
મોટાભાગની સ્ત્રીઓ ઘરના સભ્યોને પોતાની સમસ્યા નહીં જણાવવામાં ‘બહાદુરી’ સમજે છે, પરંતુ એકલા દુઃખી થવું કે સહન કરવું એ કોઈ મોટું અચિવમેન્ટ નથી કે એને માટે કોઈ મેડલ મળતો નથી. સમસ્યા ઘરની છે, સૌની છે તો સૌને એના વિશે જણાવો. આપણો વ્યવસાય કે જોબ અન્ય લોકો માટે પ્રેશર બની જાય એવા વર્તનથી ફક્ત અણગમો અને કકળાટ સિવાય કંઈ નહીં મળે.
રવિવાર હોય અને ગૃહિણીને ઓફિસ ન જવાનું હોય તો ‘કામ પતાવવા’ની ખોટી ઉતાવળ કરવાને બદલે શાંતિથી શરૂઆત કરો. કદાચ, તમારા ધારેલા સમયે કામ નહીં થાય, પરંતુ સવાર સારી શરૂ થશે અને રજાનો દિવસ બગડશે નહીં એટલું નક્કી. હવે તો એપ ઉપર ઘરમાં મદદ કરનારા (હાઉસહેલ્પ) ઉપલબ્ધ છે. પૈસાનો વિચાર કર્યા વગર તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનો વિચાર કરીને આવી મદદ બોલાવતાં પણ અચકાશો નહીં. પૈસા બીજી કોઈ વાતમાં બચાવી શકાશે.
સૌથી મહત્ત્વની વાત, કોઈ ગૃહિણી સુપર વુમન નથી. એ બધું કરી જ શકે, એણે બધું પરફેક્ટ કરવું જ જોઈએ. એનું ઘર, રસોઈ, બાળકો અને રોજિંદી જિંદગી એકદમ પરફેક્ટ જ હોવી જોઈએ આવો આગ્રહ છોડી દો. જ્યાં સુધી મેનેજ થઈ શકે ત્યાં સુધી ચોક્કસ કરો, પરંતુ મેનેજ ન થઈ શકે તો કોઈના વેલિડેશન માટે જાત ઘસી નાખવાનો કોઈ અર્થ નથી.
ઘણી વાર મહિલાઓ અન્ય નહીં, પરંતુ પોતાના જ વેલિડેશન માટે થઈ શકે એનાથી વધુ મહેનત કરે છે, ટેન્શન લે છે. ‘મારું ઘર ગંદુ કેવી રીતે હોઈ શકે?’ અથવા ‘રાતના વાસણ મૂકી કેવી રીતે રખાય?’ અથવા ‘કપડાં બે દિવસે ધોઈએ તો કેવી રીતે ચાલે?’ જેવા સવાલો અર્થહીન છે. આપણા પરિવારના સુખ અને આપણી શાંતિથી વધુ મહત્ત્વનું કંઈ નથી. કેટલીકવાર આવા આગ્રહોને લીધે પતિ-પત્ની કે મા અને બાળકો વચ્ચે મનદુઃખ થાય છે.
પતિ ઘણીવાર કહે કે, ‘રહેવા દે...’ ત્યારે પત્ની એ વિશે દલીલ કરે છે, ‘રહેવા દઈશ તો કોણ કરશે?’ આપણે જ કરવાનું હોય તો પણ નિરાંતે અને શાંતિથી થઈ જ શકે છે આ વાત આપણે જે દિવસે શીખી જઈશું એ દિવસે સાચું વુમન એમ્પાવરમેન્ટ આપણા જીવનમાં પ્રવેશ કરશે.
ગૃહિણી હોવાનો અર્થ સતત પોતાની જાતને સાબિત કરતા રહેવું-એવો નથી જ. ક્યારેક આપણી રસોઈ પણ ખરાબ હોઈ શકે. ક્યારેક આપણું ઘર પણ અવ્યવસ્થિત હોઈ શકે... એ વાતને જો આપણે સ્વીકારી લઈએ તો પરિવારના સભ્યો સાથે આપણા સંબંધો અને સ્વયંનું સ્વાસ્થ્ય બંને સારું રહેશે એ નક્કી છે.
Read Original Article →