ખબરનામા:બે ભારતીય મહિલા સંરક્ષકો વ્હીટલી એવોર્ડથી સન્માનિત
લજ્જા દવે પંડ્યા બે ભારતીય મહિલાઓએ આ વર્ષનો વ્હીટલી એવોર્ડ જીતી દેશનું નામ રોશન કર્યું છે. જીવ વૈવિધ્યના સંરક્ષણ માટે વર્ષોથી કાર્ય કરતી આ મહિલાઓના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. એવોર્ડની સાથે મળેલી 55 લાખ જેટલી માતબર રકમથી હવે તેઓ પોતાનું પર્યાવરણ સંરક્ષણનું કાર્ય વધુ વિસ્તારી શકશે. ખાસ નોંધપાત્ર વાત એ છે કે ગ્રીન નોબેલની જેમ જ ગ્રીન ઓસ્કાર તરીકે ઓળખાતા ‘વ્હિટલી એવોર્ડ્સ’ના પણ તમામ છ મુખ્ય વિજેતાઓ મહિલાઓ છે. ભારત સહિત ઇન્ડોનેશિયા, ઘાના, ઇક્વેડોર અને કેમરૂનની આ છ મહિલા સંરક્ષકો પર્યાવરણના તથા જીવ વૈવિધ્યના બચાવ માટે નોંધપાત્ર કામગીરી કરી રહી છે. બરખા સુબ્બા: લુપ્ત થતા જીવોને બચાવવા કામગીરી
દાર્જિલિંગના પર્યાવરણ સંશોધક બરખા સુબ્બાએ હિમાલયન સેલામેન્ડરને બચાવવા માટે આ એવોર્ડ જીત્યો છે. આ ઉભયજીવી પ્રાણી લાખો વર્ષોથી પૃથ્વી જીવતું આ પ્રાણી હવે લુપ્ત થવાના આરે છે. બરખા દાર્જિલિંગના પહાડોમાં 7 અતિ મહત્ત્વના સંવર્ધન સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હવે તેઓ ભારત, નેપાળ અને ભૂતાન વચ્ચે એક ‘ટ્રાન્સબાઉન્ડ્રી’ નેટવર્ક પણ બનાવવા માંગે છે જેથી આ હિમાલયન જીવને સંરક્ષણ મળી શકે. તેઓ પર્યટન અને બાંધકામને કારણે સુકાઈ રહેલા જળાશયોને પુનર્જીવિત કરી રહ્યા છે. તે જીવલેણ ફૂગના ચેપ પર પણ નજર રાખે છે જે વિશ્વભરમાં ઉભયજીવીઓ માટે જોખમી છે.
પરવીન શેખ: ઇન્ડિયન સ્કિમર પક્ષીના સંરક્ષક મુંબઈના રહેવાસી અને ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ ના વૈજ્ઞાનિક પરવીન શેખે ઇન્ડિયન સ્કિમર પક્ષીના સંરક્ષણ માટે જીવન સમર્પિત કર્યું છે. વર્ષ 2017માં તેમણે ચંબલ નદી ખાતે કામ શરૂ કર્યું ત્યારે આ પક્ષીઓની સંખ્યા માત્ર 400 હતી. જે 2025 સુધીમાં વધીને 1,000થી વધુ થઈ ગઈ. પક્ષીઓના માળાઓ બચવાનો દર પણ વધ્યો છે. તેમણે ‘ગાર્ડિયન્સ ઓફ ધ સ્કિમર’ નામની પહેલ હેઠળ સ્થાનિક ગ્રામીણોને પક્ષીના સંરક્ષણ માટે તાલીમ આપી છે. એવોર્ડની ગ્રાન્ટથી પોતાનું કાર્ય પ્રયાગરાજ સુધી લંબાવશે. પ્રયાગમાં ગંગા- યમુનાના સંગમ સ્થાને બોટ ટ્રાફિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ વચ્ચે આ પક્ષીઓને બચાવવા તેમનો આગામી પડકાર છે. ‘ઇન્કવિઝિબલ’: મહેંદીના રંગોથી પીડાને અવાજ
પાકિસ્તાનમાં દર ત્રણમાંથી એક પરિણીત મહિલા કોઈ પ્રકારની ઘરેલુ હિંસાનો ભોગ બને છે. આવી હિંસાનો ભોગ બનતી મહિલાઓને બચાવવા માટે યુએન વિમેનની પાકિસ્તાન શાખા દ્વારા અનોખું અભિયાન શરૂ કરાયું છે.
ઘણા દેશોમાં લગ્ન, સગાઈ, શ્રીમંત કે તહેવારો જેવા ખુશીના પ્રસંગે હાથમાં મહેંદી મૂકવાનો રિવાજ હોય છે. ઉલ્લાસ અને નવા જીવનની શરૂઆતના પ્રતિક ગણાતી આ જ મહેંદીનો ઉપયોગ ત્યાં ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવવા થઈ રહ્યો છે, જેને ‘ઇન્કવિઝિબલ’ નામ આપવામાં આવ્યું છે.
આ અભિયાનની જાહેરાતમાં મહિલાઓના શરીર પર મારપીટના નિશાન જેવી દેખાતી મહેંદી મૂકવામાં આવી હતી. આ અભિયાનને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ જાહેર જીવનમાં પણ વિશાળ પ્રતિસાદ મળ્યો. શહેરોમાં પોસ્ટર્સ અને વિડિયો કેમ્પેઈન ચલાવવામાં આવ્યા. મહિલા કેન્દ્રિત કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં પણ આ વીડિયો રજૂ કરવામાં આવ્યા. કેટલીક મહિલા સાંસદોએ પણ પોતાના ચહેરા અને ગળા પર મહેંદીથી બનાવેલા ‘ઘાવ’ દર્શાવી સંસદમાં આ અભિયાનને સમર્થન આપ્યું હતું.
આ અભિયાનની સૌથી મોટી ખાસિયત તેની ગ્રાઉન્ડ લેવલ વ્યૂહરચના હતી. જેના કારણે તે સીધું મહિલાઓ સુધી પહોંચ્યું. મહેંદી કલાકારોને માધ્યમ બનાવી તેમને ગુપ્ત રીતે મદદ તથા માર્ગદર્શન આપવાની તાલીમ આપવામાં આવી. ખાસ મહેંદી કોન પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જેના પર ઘરેલુ હિંસા સંબંધિત નેશનલ હેલ્પલાઇન નંબર છાપવામાં આવ્યા હતા. જેને કારણે ટીવી, અખબાર કે સોશિયલ મીડિયા ન જોતી મહિલાઓ સુધી પણ આ માહિતી પહોંચી. પરિણામે, હેલ્પલાઇન નંબરો પર આવતા કોલ્સમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.
‘ઇન્કવિઝિબલ’ એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે કે સામાજિક કુરિવાજો સામે લડવા હંમેશા લાંબા ભાષણોની જરૂર નથી હોતી. ક્યારેક મહેંદીના કોન પર મહિલા હેલ્પ લાઇન નંબર છાપી દેવા જેવો વિચાર પણ અનેક મહિલાઓની જિંદગી સુધારી શકે છે! અરુણાચલનું પોતાનું K-pop આજકાલ યુવાનોમાં K-pop નો ભારે ક્રેઝ છે. બરોબર તેવો જ અંદાજ ધરાવતું અરુણાચલ પ્રદેશનું પ્રથમ ઓલ-ગર્લ્સ બેન્ડ ‘ગિલિથિગ્રીમ્સ’ આજે સંગીત જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. ચાર યુવતીઓનું બનેલું આ બેન્ડ પોતાની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને સ્થાનિક ન્યીશી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનો સુંદર સમન્વય કરતા મ્યુઝિકની રજૂઆત કરે છે. ફોક-રોક અને પોપના મિશ્રણ સાથે તેઓ જૂની પરંપરાઓને નવા ‘A-pop’ અંદાજમાં રજૂ કરે છે, જેને કારણે તેને ‘જેન ઝી’ પેઢીમાં લોકપ્રિયતા મળી રહી છે.
નાના સ્ટેજ પર પર્ફોર્મ કરવાથી શરૂ થયેલી તેમની આ સફરમાં તેમને ઘણી તકલીફો નડી. તેમને ‘સસ્તા કે-પોપ’ કહીને સોશિયલ મીડિયા પર ટ્રૉલ પણ આવ્યાં. પરંતુ તેમણે હિંમત હારવાને બદલે કામ કર્યે રાખ્યું. આ જ વાત તેમના જાણીતા ગીતમાં પણ કહેવાઈ છે કે ‘We came from nothing… but we kept going!’ ગિલિથિગ્રીમ્સ સંગીતના માધ્યમથી નવી પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી રહ્યું છે. મળો, ભારતના પ્રથમ સંપૂર્ણ દૃષ્ટિહીન મહિલા જજ! આંખે ભલે દેખાતું ના હોય, પણ સપનાં જોવા પર કોઈ પાબંધી નથી હોતી. કેરળની 24 વર્ષની થાન્યા નાથનએ આ વાતને સાચી સાબિત કરી છે. સંપૂર્ણ રીતે દૃષ્ટિહીન હોવા છતાં તેણે કેરળ જ્યુડિશિયલ સર્વિસ પરીક્ષા પાસ કરી છે અને હવે તે કેરળના જિલ્લા ન્યાયતંત્રની પ્રથમ દૃષ્ટિહીન મહિલા જજ બનશે.
કન્નુર જિલ્લાની થાન્યાએ બાળપણમાં જ દૃષ્ટિ ગુમાવી દીધી હતી. તેણે બ્રેઈલ લિપિ, ઓડિયો બૂક્સ અને સ્ક્રીન-રીડિંગ સોફ્ટવેરની મદદથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. કન્નુર યુનિવર્સિટીમાં એલએલબીમાં તેણે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
કોર્ટમાં વકીલાત કરવાની સાથે તેણે જ્યુડિશિયલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. દ્રષ્ટિવિહીન લોકો માટે અભ્યાસ સામગ્રી સરળતાથી ઉપલબ્ધ ન હોવાને કારણે તેને તૈયારીમાં ઘણી મુશ્કેલીઓ પડી.
હવે તે જજ બનવા માટે કેરળ જ્યુડિશિયલ એકેડેમીમાં એક વર્ષની તાલીમ લેશે. તેના માટે કેમ્પસમાં ટેક્ટાઇલ પેવિંગ,સ્ટેઈનલેસ સ્ટીલ ગ્રેબ બાર્સ, વોકવે અને મોડિફાઇડ બાથરૂમ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
તાલીમ દરમિયાન તેની માતા પણ તેની સાથે રહેશે અને તેમનો ખર્ચ પણ એકેડેમી દ્વારા ઉઠાવવામાં આવશે.
થાન્યાની સફળતા પાછળ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાનો પણ મોટો ફાળો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દૃષ્ટિહીન ઉમેદવારોને માત્ર તેમની શારીરિક મર્યાદાને કારણે ન્યાયિક સેવાઓમાંથી બાકાત રાખી શકાય નહીં. આ ચુકાદા બાદ ન્યાયતંત્ર અને અન્ય સરકારી ક્ષેત્રોમાં દિવ્યાંગ લોકો માટે શક્યતાઓના દ્વાર ખુલ્યા છે. 30 સેકન્ડમાં 192 વાર દોરડા કૂદી રેકોર્ડ બનાવ્યો! તાજેતરમાં યોજાયેલી સિનિયર નેશનલ જમ્પ રોપ ચેમ્પિયનશિપમાં તન્વી નેમાડેએ ‘સિંગલ રોપ સ્પીડ સ્પ્રિન્ટ’ કેટેગરીમાં માત્ર 30 સેકન્ડમાં 192 સ્કિપસ કરીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કર્યો છે. રસપ્રદ વાત એ છે કે અગાઉનો 30 સેકન્ડમાં 188 સ્કિપ્સનો રેકોર્ડ છેલ્લા ત્રણ વર્ષથી તેની જ બહેન ભૂમિકા નેમાડેના નામે હતો. હવે તન્વીએ પોતાની જ બહેનનો રેકોર્ડ તોડી પરિવારનું નામ ફરીથી રોશન કર્યું છે. આ સ્પર્ધામાં માત્ર ઝડપ નહીં, પરંતુ સંતુલન, ફોકસ અને રિધમ પણ એટલાં જ મહત્વના હોય છે. માત્ર 30 સેકન્ડમાં 192 સ્કિપ્સ કરવાનો અર્થ એ થયો કે તન્વીએ એક સેકન્ડમાં સરેરાશ છથી વધુ વાર દોરડા કૂદ્યાં!
Read Original Article →