ખબરનામા:યુરોપમાં ભારતીય વૈજ્ઞાનિક તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે ગ્રીન એનર્જી પર સંશોધન માટે આંતરરાષ્ટ્રીય સન્માન
લજ્જા દવે પંડ્યા બિહારના પટણા જિલ્લાના સુલતાનપુર ગામમાંથી જન્મેલા મહિલા વૈજ્ઞાનિક ડૉ. જયા ભારતીને જર્મનીમાં બેસ્ટ રિસર્ચ એવોર્ડ મળ્યો છે. ગ્રીન એનર્જી અને ફ્યુચર બેટરી ટેકનોલોજી ઉપરના તેમના સંશોધન બદલ તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ડૉ. જયા ભારતી હાલમાં જર્મનીની યુનિવર્સિટી ઓફ પોત્સડેમમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે અને ભવિષ્યમાં ઊર્જા સંકટનો સારો વિકલ્પ બની શકે તેવી એનર્જી સ્ટોરેજ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે.
ગ્રીન એનર્જી માટે ઉપયોગી મટીરિયલ્સ અને બેટરી સિસ્ટમ્સ પર આધારિત તેમના સંશોધને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી છે.
એક સામાન્ય ગામમાંથી આવતા જયાએ સરકારી શાળામાંથી અભ્યાસ કર્યો હતો. મર્યાદિત સંસાધનો હોવા છતાં તેમણે અભ્યાસ પ્રત્યેનો જુસ્સો ક્યારેય ઓછો થવા દીધો નહીં.
તે પછી દિલ્હી યુનિવર્સિટી અને ત્યારબાદ IIT ગાંધીનગરમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું. ફ્રાન્સ સરકારની પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પણ મળી. ત્યારબાદ પેરિસ યુનિવર્સિટીમાંથી પીએચડી પૂર્ણ કરી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે ડીપ રિસર્ચ શરૂ કર્યું.
આજે તેઓ યુરોપમાં ભારતીય વૈજ્ઞાનિક તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ડૉ. જયાએ એવોર્ડ મળ્યા બાદ કહ્યું કે ભવિષ્યમાં ભારત પરત આવીને IIT જેવી સંસ્થાઓમાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે યોગદાન આપવા માગે છે. અમદાવાદના કુલજીત કૌરનું આંતરરાષ્ટ્રીય સન્માન
અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં પ્રોફેસર તરીકે કાર્યરત એવા કુલજીત કૌર મારહાસ અવકાશ સંશોધનની સૌથી મહત્ત્વની સંસ્થા ‘મેટોરિટિકલ સોસાયટી’ના ફેલો તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સન્માન અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરતા અગ્રણી વૈજ્ઞાનિકોને જ અપાય છે. 93 વર્ષ જૂની આ ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક અને માત્ર ત્રીજા ભારતીય બન્યા છે.
પ્રોફેસર મારહાસ કોસ્મોકેમિસ્ટ્રીના નિષ્ણાત છે. તેમણે 4.5 અબજ વર્ષ જૂની ઉલ્કાઓ અને અવકાશી પદાર્થોનું વિશ્લેષણ કરીને સૂર્યમંડળની ઉત્પત્તિના રહસ્યો શોધવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
તેમના સંશોધનથી વૈજ્ઞાનિકોને સૂર્યમંડળની શરૂઆત કેવી રીતે થઈ, ગ્રહો અને ઉલ્કાઓની રચના કઈ પ્રક્રિયાથી બની અને અબજો વર્ષ પહેલાં અવકાશમાં કયા પ્રકારના રાસાયણિક ફેરફારો થયા હતા તે સમજવામાં મદદ મળી છે.
તેમણે PRL ખાતે ભારતની પ્રથમ અત્યાધુનિક ‘NanoSIMS’ સુવિધા સ્થાપવામાં પણ ભૂમિકા ભજવી છે. તેની મદદથી નાસાના ‘એપોલો’ અને જાપાનના ‘હાયાબુસા’ જેવા મોટા મિશન દ્વારા લાવવામાં આવેલા નમૂનાઓનો અભ્યાસ કરી શકાયા છે.
વર્ષો સુધી અવકાશના અજાણ્યા રહસ્યો સમજવા માટે કરેલી મહેનતને કારણે આજે ડૉ. કુલજીત કૌર મારહાસનું નામ વિશ્વના અગ્રણી અવકાશ વૈજ્ઞાનિકોની યાદીમાં જોડાઈ ગયું છે. 22 વર્ષની ફિલ્મમેકરની ફિલ્મનું કેન્સમાં પ્રીમિયર
દર વર્ષે યોજાતો કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશ્વનો સૌથી પ્રખ્યાત ફિલ્મોત્સવ છે. તેમાં સામેલ Marché du Film એવું પ્લેટફોર્મ છે, જ્યાં દુનિયાભરના ફિલ્મમેકર્સ, પ્રોડ્યુસર્સ અને ફિલ્મ કંપનીઓ પોતાની નવી ફિલ્મો અને પ્રોજેક્ટ્સ રજૂ કરે છે.
અહીંથી ઘણી ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અને નવા અવસર મળે છે. મૂળ મંગલુરુની અને મુંબઈમાં રહેતી 22 જ વર્ષની ફિલ્મમેકર કરેન ક્ષિતી સુવર્ણાની ફિલ્મ ‘સપ્ટેમ્બર 21’નું આ મંચ પર સ્ક્રીનીંગ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કરેનને વર્લ્ડ વિમેન કેન્સ એજન્ડામાં સ્પીકર તરીકે પણ આમંત્રિત કરાઈ છે.
‘સપ્ટેમ્બર 21’એ હિન્દી-કન્નડ દ્વિભાષી ફિલ્મ છે. જેમાં અલ્ઝાઇમર અને ડિમેન્શિયાથી પીડાતા એક વૃદ્ધની કથાને લાગણીસભર રીતે દર્શાવાઈ છે. કોવિડ સમયની આ વાર્તામાં વૃદ્ધને લાગે છે કે તેની પત્ની બાજુના ઘરમાં ક્વોરેન્ટાઇન છે. જોકે તેની સ્મૃતિ ધીમે ધીમે ઝાંખી બની રહી હોય છે.
આ ફિલ્મમાં આવા દર્દીઓની સંભાળ રાખનાર વ્યક્તિના મેન્ટલ ઇમોશનલ સંઘર્ષને ઊંડાણપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં જાણીતી અભિનેત્રી પ્રિયંકા ઉપેન્દ્ર, ઝરીના વહાબ, અમિત બહેલ જેવા કલાકારો છે. આ ફિલ્મને અલ્ઝાઇમર એન્ડ રિલેટેડ ડિસઓર્ડર સોસાયટી ઓફ ઈન્ડિયાનો સપોર્ટ પણ મળ્યો છે. નેટ જિયો વે-ફાઇન્ડર એવોર્ડ મેળવનારી પ્રથમ મહિલા!
જંગલ પાસે રહેતા ઘણા પરિવારો માટે હાથી કે વાઘ જેવા વન્ય પ્રાણીઓનો હુમલો તેમનું આખું જીવન બદલી નાખે છે. આવા હુમલામાં કોઈને પોતાનું પશુ ગુમાવવું પડે છે, કોઈનું ખેતર બરબાદ થઈ જાય છે, તો કોઈ પરિવાર પોતાનો સ્વજન ગુમાવી બેસે છે. ભણતર કે જાણકારીના અભાવે આવા ગ્રામજનો માટે સરકારી સહાય મેળવવાની પ્રક્રિયા પણ ઘણી મુશ્કેલ બની જાય છે.
પણ વર્ષોથી એક મહિલા ગામે ગામ જઈ આવા લોકોને સરકારી સહાય મેળવવામાં મદદ કરી રહી છે. આ મહિલાનું નામ ક્રિથી કે. કારંથ છે. તેમની ‘વાઇલ્ડ સેવે’ નામની સંસ્થા અત્યાર સુધી આશરે 7,000 ગામોના હજારો પરિવારોને મદદ કરી ચૂકી છે. વન્યજીવ વૈજ્ઞાનિક અને કન્ઝર્વેશનિસ્ટ ક્રિથી કારંથને તેમના આ કાર્ય બદલ હવે વૈશ્વિક સ્તરે મોટું સન્માન મળ્યું છે.
તેઓ ‘નેશનલ જિયોગ્રાફિક વેફાઇન્ડર એવોર્ડ’ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. આ એવોર્ડ પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચે સંતુલન જાળવવા માટે અસાધારણ કામ કરનાર લોકોને અપાય છે.
આ સિવાય ક્રિથી એક સંશોધક પણ છે. તેમણે વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ અને માનવ-વન્યજીવના સંઘર્ષ જેવા વિષયો પર 100થી વધુ સંશોધન પેપર્સ પણ લખ્યા છે. ક્રિથી બાળપણથી જ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તેમના પિતા ઉલ્લાસ કારંથ પણ ભારતના જાણીતા વન્યજીવ વૈજ્ઞાનિક છે. આર્ચરી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા તીરંદાજોનો ગોલ્ડ!
શાંઘાઈમાં યોજાયેલા આર્ચરી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા તીરંદાજોની ટીમે યજમાન દેશ ચીનની ટીમને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપિકા કુમારી, અંકિતા ભકત અને કુમકુમ મોહોડની ટીમે ફાઇનલમાં 5-4થી જીત મેળવી હતી.
ભારત માટે આ જીત ખાસ છે કારણ કે ટીમે પાંચ વર્ષના અંતરાલ બાદ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો છે. ફાઇનલમાં બંને ટીમો વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી હતી. ચાર સેટ બાદ સ્કોર 4-4થી ઇકવલ રહેતા શૂટ ઓફ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ભારતીય ખેલાડીઓએ વધુ સચોટ નિશાન લગાવીને જીત મેળવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે સેમિફાઇનલમાં દસ વખતની ચેમ્પિયન ટીમ દક્ષિણ કોરિયાને પણ હરાવ્યું હતું, તેથી આ જીત વધુ મહત્ત્વની મનાય છે. 13000 ફૂટ ઉપર આવેલા મંદિર પાસે મહિલા સંચાલિત કેફે
પૂર્વ સિક્કિમમાં પ્રવાસનને વેગ આપવા અને સ્થાનિક મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. ભારતીય સેનાની ‘ત્રિશક્તિ કોર્પ્સ’ દ્વારા આશરે 13,000 ફૂટની ઊંચાઈએ શહીદ બાબા હરભજન સિંહના મંદિર પાસે આર્મીના સહયોગથી મહિલા સંચાલિત કેફે શરૂ કરાયું છે. આ પહેલ ‘રણભૂમિ દર્શન’ પ્રોજેક્ટનો ભાગ છે, જેનો હેતુ સરહદી વિસ્તારોમાં પ્રવાસન વધારવાનો અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાફેથી પ્રવાસીઓને તો સુવિધા મળશે જ સાથે જ દુર્ગમ પહાડી વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે પગભર બનશે.
Read Original Article →