ખબરનામા:વિશ્વ સ્તરે સફળતા મેળવતી ભારતીય ખેલાડીઓ

Magazine6/2/2026, 12:35:00 AM
લજ્જા દવે પંડ્યા જ્યારે પણ માર્શલ આર્ટ્સ કે ટેક્વાન્ડો જેવી રમતની વાત નીકળે ત્યારે ચીન, જાપાન અને સાઉથ કોરિયા જેવા દેશોના નામ સૌથી પહેલા આવે. વર્ષોથી આ રમતમાં વૈશ્વિક સ્તરે ભારત ઘણું પાછળ છે. ક્રિકેટ માટે ઘેલા આપણાં દેશમાં ટેક્વાન્ડો જેવી ઘણી રમતો માટે આર્થિક સપોર્ટ અને આધુનિક સુવિધાઓ નથી. કદાચ એટલે જ આજ સુધી ઓલિમ્પિકમાં ટેક્વાન્ડો માટે ભારત કોઈ મેડલ લાવી શક્યું નથી. પરંતુ, હવે આ ચિત્ર બદલાશે તેવી આશા જાગી છે. તાજેતરમાં બે મહિલા ખેલાડીઓએ આ ગેમમાં વિશ્વસ્તરે ઓળખ મેળવીને આ ગેમમાં દેશની સ્થિતિ મજબૂત કરી છે . વર્લ્ડ રેન્કિંગના ટોપ-5માં સ્થાન મેળવ્યું અરુણાચલ પ્રદેશની રૂપા બાયોરી તાજેતરમાં વર્લ્ડ ટેક્વોન્ડો પૂમસે રેન્કિંગમાં વિશ્વમાં 5મું સ્થાન મેળવીને સમાચારમાં ચમકી છે. આ સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી રૂપાએ કોઈ મોટી સુવિધા વગર પોતાની મહેનતના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ બનાવી છે. તાજેતરમાં તેણે ક્રોએશિયા ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. ઓલિમ્પિક માટેની મજબૂત દાવેદાર દિલ્હીની ટેક્વોન્ડો ખેલાડી કશિશ મલિક તાજેતરમાં મંગોલિયામાં યોજાયેલી 27મી એશિયન ટેક્વોન્ડો ચેમ્પિયનશિપ 2026માં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સમાચારમાં ચમકી છે. આ સિદ્ધિ સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની હાજરી વધુ મજબૂત બનાવી છે અને આગામી ઓલિમ્પિક ક્વોલિફિકેશન માટે પોતાની દાવેદારી પણ વધુ મજબૂત કરી છે. સૌથી અઘરી રેસ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય મહિલા બેંગલુરુની અશ્વિની ગણપથિ એશિયા ટ્રેલ માસ્ટર ગ્રાન્ડમાસ્ટર ક્વેસ્ટ પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. આ ચેલેન્જ એશિયાની સૌથી અઘરી ‘એન્ડયુરન્સ ટ્રેઈલ રનીંગ ચેલેન્જ’ છે અને બે વર્ષ સુધી ચાલે છે. પહાડ, જંગલ, કાદવ જેવાં કઠિન કુદરતી માર્ગોમાં લાંબા અંતર સુધી દોડવાની આ સ્પર્ધામાં દોડવીરની શારીરિક ક્ષમતા, સહનશક્તિ અને માનસિક મજબૂતીની બરાબરની કસોટી થઈ જાય છે. તેમાં બે વર્ષ દરમિયાન 70 કિમીથી વધુ લાંબી હોય તેવી 6 આંતરરાષ્ટ્રીય ટ્રેલ રેસો પૂરી કરવી પડે છે. અશ્વિનીએ મલેશિયા, જાપાન અને વિયેતનામમાં અનેક અલ્ટ્રા રેસ પૂર્ણ કરી હતી. મલેશિયાના પહાંગ વિસ્તારમાં યોજાયેલી 164 કિમી લાંબી ‘મેરાપોહ રેઇનફોરેસ્ટ ટ્રેલ’ તેમાંથી સૌથી વધારે અઘરી હતી. વરસાદી જંગલોમાં કાદવ વચ્ચે દોડવું, નદી પાર કરવી અને 3,700 મીટર લાંબા પહાડી માર્ગ છતાં તેણે 28 કલાક 33 મિનિટમાં આ દોડ પૂર્ણ કરી હતી. 146 સ્પર્ધકોમાંથી તે ઓવરઓલ 5મા ક્રમે અને મહિલાઓમાં 2મા સ્થાને આવી હતી. ખાસ વાત એ હતી કે માત્ર 76 લોકો જ આ રેસ પૂર્ણ કરી શક્યા હતા. અગાઉ IT ક્ષેત્રમાં કામ કરતી અશ્વિની હવે એન્ડયુરન્સ રનિંગ તરફ વળી છે. તે જાપાનની 173 કિમી લાંબી ‘ડીપ જાપાન અલ્ટ્રા 100’ રેસ પૂરી કરનાર એકમાત્ર નોન-જાપાનિઝ રનર બની હતી. જેમાં તે લગભગ 45 કલાક સુધી ઊંઘ્યા વગર દોડી હતા. 108 વર્ષની ઉંમરે ડ્રાઈવિંગ લાઈસન્સ રીન્યુ કરાવ્યું અમેરિકાના ડેલાવેર રાજ્યમાં રહેતાં સુઝન યંગ બ્રાઉને હમણાં પોતાનો 108મો જન્મ દિવસ ઉજવ્યો. આટલી ઉંમરે પણ તેઓ આત્મનિર્ભર અને સક્રિય જીવન જીવી રહ્યાં છે. તેઓ આજે પણ જાતે કાર ચલાવે છે, નિયમિત કસરત કરે છે અને પોતાનું બધું દૈનિક કામકાજ જાતે જ સંભાળે છે. તેમણે હમણાં જ પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ વર્ષ 2033 સુધી રિન્યુ કરાવ્યું છે. એટલે કે તેઓ 115 વર્ષની ઉંમર સુધી કાયદેસર રીતે કાર ચલાવી શકશે. તેમનો જન્મ વર્ષ 1918માં થયો હતો. વ્યવસાયે શિક્ષિકા રહી ચૂકેલા આ દાદી પોતાની સક્રિય અને શિસ્તબદ્ધ જીવનશૈલી પોતાની લાંબી ઉંમરનું સિક્રેટ ગણાવે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત કસરત કરે છે અને અઠવાડિયામાં ત્રણ વખત ગ્રુપ વર્કઆઉટમાં પણ ભાગ લે છે. આ ઉંમરે પણ તેમની ઉર્જા, આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ લોકોને પ્રેરણા આપે છે. તેઓ કહે છે કે ‘I grow old gracefully’. યુદ્ધગ્રસ્ત દેશોમાં કરેલી કામગીરી બદલ મહિલા સૈનિકને એવોર્ડ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મહિલાઓની સુરક્ષા અને સમાનતા માટે કરેલા મહત્ત્વપૂર્ણ કાર્ય બદલ ભારતીય મહિલા સૈનિક અભિલાષા બારકને વર્ષ 2025નો ‘યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો છે. તેઓ હાલ લેબનનમાં યુએનની શાંતિ સેના સાથે સેવા આપી રહ્યા છે. જેમાં તેઓ ફીમેલ એન્ગેજમેન્ટ ટીમના કમાન્ડર તરીકે સ્થાનિક મહિલાઓ અને યુવતીઓ સાથે સંપર્ક બનાવી તેમની સમસ્યાઓ સમજવા અને વિશ્વાસ વધારવાનું કામ કરે છે. લેબનનમાં સેવા દરમિયાન યુદ્ધગ્રસ્ત ગામોમાંની મહિલાઓ સાથે સંપર્ક વિકસાવી તેમની સુરક્ષાને આડે આવતા મુદ્દા, આરોગ્ય, શિક્ષણ અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો. જાગૃતિ કાર્યક્રમો, ચર્ચાસત્રો અને મુલાકાતો યોજી તેમણે સ્થાનિક સમુદાયો સાથે વિશ્વાસભર્યો સંબંધ ઊભો કર્યો હતો. મહિલાઓ નિર્ભયતાથી સમસ્યાઓ રજૂ કરી શકે તેવું વાતાવરણ તૈયાર કરવામાં તેમની ટીમે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફીફા વર્લ્ડ કપ કવર કરવા પસંદ થયેલી એક માત્ર મહિલા ફોટો જર્નાલિસ્ટ આસામની ગીતીકા તાલુકદાર FIFA વર્લ્ડ કપ 2026 કવર કરવા માટે પસંદ થનારી ભારતની એકમાત્ર મહિલા ફોટો જર્નાલિસ્ટ બની છે. તે સતત ત્રીજી વખત FIFA વર્લ્ડ કપ કવર કરશે. ગીતીકા અગાઉ વિમેન્સ ફિફા વર્લ્ડ કપ 2019 અને 2023 ઉપરાંત ટોક્યો 2020 અને પેરિસ 2024 ઓલિમ્પિક્સ પણ કવર કરી ચૂકી છે. તે ભારતની પ્રથમ મહિલા સ્પોર્ટ્સ ફોટોગ્રાફર તરીકે પણ ઓળખાય છે. ફૂટબોલ ફોટોગ્રાફીમાં ગીતીકાએ ખાસ ઓળખ ઉભી કરી છે. મેદાન પરની ઝડપી અને યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરવાની તેની સ્ટાઈલના આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણ થયા છે. તેની પસંદગીથી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ મીડીયામાં ભારતીય મહિલા ફોટો જર્નાલિસ્ટોની હાજરી વધુ મજબૂત બની છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનને રોકવા અભિયાન ઘણી મહિલાઓ બાળકના જન્મ પછી ડિપ્રેશન, તણાવ, ચિંતા અને એકલતાનો અનુભવ કરે છે. ઘણીવાર પરિવાર અથવા સમાજ તેને સમજી શકતો નથી અને મહિલાઓ અંદરોઅંદર ગૂંગળાતી રહે છે. એવામાં કેરાલા સરકારે પ્રેગ્નેન્સી અને બાળ જન્મ પછી મહિલાઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે ખાસ ‘અમ્મા મનસુ’ નામની યોજના શરૂ કરી છે. આ કાર્યક્રમ હેઠળ સરકારી નર્સો અને આરોગ્યકર્મીઓને ગર્ભાવસ્થા અને ડિલિવરી પછીના ડિપ્રેશનના લક્ષણોને ઓળખવા ખાસ તાલીમ અપાઈ છે. ચેકઅપ દરમિયાન મહિલાઓને તેમની માનસિક સ્થિતિ અને લાગણીઓ વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. તે માટે ખાસ પ્રશ્નાવલી પણ તૈયાર કરાઈ છે. જો કોઈ મહિલામાં ઉદાસીનતા, સતત ચિંતા, વધારે રડવાની સ્થિતિ અથવા પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના લક્ષણો જોવા મળે તો તેને તરત જ કાઉન્સેલિંગ અને સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવે છે. જરૂર પડે તો મેન્ટલ હેલ્થ નિષ્ણાતો સાથે પણ જોડવામાં આવે છે. દરેક જિલ્લામાં આવી મેન્ટલ હેલ્થ ટીમ તૈયાર કરાઈ છે જેથી મહિલાઓને સમયસર મદદ મળી શકે. ખાસ વાત એ છે કે આ સમગ્ર સેવા હાલની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં જોડી દેવાઈ છે. આ પહેલની વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પ્રશંસા કરી છે.
Read Original Article →