સુનામી:દીકરી વહાલનો દરિયો પણ દીકરાની ઈચ્છા તો રહેશે જ!
2022થી 2024 દરમિયાન ભારતમાં 1 હજાર છોકરાઓ સામે માત્ર 918 દિકરીઓ જન્મી. પ્રાકૃતિક રૂપે જોવા જઇએ તો દર 1000એ 952 દીકરીઓ હોવી જોઇએ-એટલે કે 34 દીકરીઓની ઘટ પડી.
***
2025માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 અનુસાર દીકરીઓનાં વેક્સિનેશન સામે દીકરાઓનાં વેક્સિનેશનનો આંકડો વધારે હતો-એટલે કે જ્યાં માત્ર દીકરીઓ હતી એવા કેટલાક પરિવારોમાં દીકરીઓનાં વેક્સિનેશનને ગંભીરતાથી લેવાયું ન્હોતું.
***
2025માં જનરલ ઓફ પોપ્યુલેશન ઇકોનોમિક્સે કરેલા એક રિસર્ચ અનુસાર દીકરાની રાહમાં એક પછી એક સંતાન પેદા કરનાર પરિવારો હજીપણ મૌજુદ છે-આ પરિવારો દીકરો જોઇએ જ છે-એવું ખુલ્લેઆમ બોલતા નથી પણ દીકરી જન્મી તો હવે એક દીકરો પણ આવી જાય...એવી ઇચ્છામાં ને ઇચ્છામાં ત્રણ-ચાર દીકરીઓ પેદા કરી દે છે.
***
ચારથી પાંચ વર્ષ પહેલા એક પત્રકારે એવા ભારતીય કપલ્સ વિશે સ્ટોરી કરેલી જે પુત્ર-ચાહનામાં IVF કરાવવા અમેરિકા, દુબઇ, કેનેડા જેવા દેશોમાં જતા હતા-હજી આજે પણ ઘણાં ગાયનેકોલોજીસ્ટસને દીકરો આવે એ માટે શું કરવાનું-એવું અંદરખાને પૂછી લેવાય છે.
***
આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ હજી આજેપણ આપણી વચ્ચે દીકરી વહાલનાં દરિયાનાં દંભ પાછળ પાછળ પુત્ર-ચાહનાને છૂપાવીને જીવનારા પરિવારો જીવે છે-શ્વાસ લે છે. ’અરે-ચલો અચ્છા હૈ-ઇશ્વરને બેટી દે દી-અબ એક બેટા દે દે તો પરિવાર કમ્પ્લિટ હો જાયેગા...’ આપણે ત્યાં હજી આજે પણ પરિવારો દીકરાથી પૂર્ણ થાય છે. મેં મારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે-આવું ગર્વથી કહેનારાઓનાં મનમાં પણ પુત્રમોહ તો રહેલો જ હોય છે.
‘એમની દીકરીએ તો દીકરાની જેમ મા-બાપની કાળજી કરી‘, ‘દીકરા જેવી બહાદુર છે’, ‘એમની દીકરી કેવી ગજ્જબ, દીકરો બનીને રહેવા માટે વાળ પણ બોયકટ રાખે છે‘-આપણી આજુબાજુનું ઘણું-ખરું વિશ્વ હજીઆજે પણ પુત્ર-મોહ, પુત્ર-ચાહના પાછળ ઘેરાયેલું છે.
આપણી આજુબાજુ એવા પરિવારો પણ છે-જેમને સંતાનમાં ત્રણ-ચાર દીકરીઓ જ છે-આ ત્રણ-ચાર દીકરીઓ પાછળ દીકરાની પ્રતિક્ષા છૂપાયેલી હોય એવું બની શકે. આપણી આજુબાજુ એવા પરિવારો પણ છે જેમને બે મોટી દીકરી-ત્રણ મોટી દીકરી-ચાર મોટી દીકરી પણ સૌથી નાનો દીકરો હોય-આવા સમયે સવાલ એ થાય કે દીકરો જન્મી ગયા પછી ફરી દીકરી કેમ નથી જન્મતી?
સ્વીકારીએ કે ના સ્વીકારીએ હજીપણ આપણે ત્યાં પુત્ર જન્મનું મહત્ત્વ પુત્રી જન્મ કરતા વધારે છે. દીકરીઓનું મૂલ્ય ચોક્કસ વધ્યું છે, દીકરીઓનો ઉછેર ચોક્કસ બદલાયો છે, દીકરીઓ સાથેની ટ્રીટમેન્ટ ચોક્કસ જ સુધરી છે, દીકરીઓનો શિક્ષા દર વધ્યો છે-દીકરીઓ કામ કરતી થઇ છે, દીકરીઓ આત્મનિર્ભર બની છે-આ બધું ચોક્કસ થયું છે પણ એનો અર્થ એ નથી કે આત્મનિર્ભર દીકરીને કારણે દીકરાની ઇચ્છી મરી પરવારી છે.
આપણે દીકરી વહાલનો દરિયો એવું સ્ટેટમેન્ટ બહુ ગર્વથી આપીએ છીએ-સંતાનમાં એક દીકરી તો હોવી જ જોઇએ એવું મુઠ્ઠીઓ વાળીને કહીએ છીએ-પણ દીકરો નથી જ જોઇતો આવું કોઇ કહેતું નથી.
પૂર્ણ પરિવારની વ્યાખ્યા જ પતિ-પત્ની-એક દીકરી અને એક દીકરાથી પૂરી થાય છે. જે લોકોને સંતાનમાં બે દીકરીઓ હોય-એમને એક દીકરો તો હોવો જ જોઇએ-એવી સલાહ કેટલા લોકોએ આપી છે-એવું ખાનગીમાં પૂછી લેજો.
દીકરી જન્મનો આંકડો વધે એ આનંદનાં સમાચાર ચોક્કસ છે-પણ દીકરી જન્મનો આંકડો વધવાથી દીકરા જન્મની ઇચ્છા ઘટી છે, દીકરા જન્મનાં પ્રયાસો ઘટ્યા છે એવું કહી શકાય નહીં. અંતરિયાળ ગામડાઓમાં રહેતા અને શહેરોમાં રહી અંતરિયાળ સોચ ધરાવતા એવા ઘણાં છે જેમને હજીપણ પરિવાર પૂર્ણ કરવાનાં નામે પુત્ર મોહ છે. આ એવા લોકો છે-જેમણે પોતાનું ઘડપણ સંતાનોનાં ખભે પ્લાન કરી રાખ્યું છે, આ એવા લોકો છે જે સંતાનો સાથે અમે તમારું બાળપણ સાચવીશું, તમે અમારું ઘડપણ સાચવી લેજોનો સોદો કરે છે.
આ એવા લોકો છે જે હજી આજે પણ એવું માને છે કે-દીકરી પરણીને સાસરે જતી રહેશે ત્યારે સાચી સેવા તો દીકરો જ કરશે.
આપણે દીકરી વહાલનાં દરિયાથી ખુશ થઇ ગયા, બેટીઓને ભણતી જોઇ ખુશ થઇ ગયા પણ એકવાર દીકરીઓને ખાનગીમાં પૂછી લઇએ કે-તમારા ઘરે તમારા ભાઇ અને તમારી વચ્ચે કોઇ ભેદભાવ થાય છે? ઘણી દીકરીઓ આ સવાલનો અચકાતા-અચકાતા જવાબ આપશે લખી રાખજો....!!!
Read Original Article →