'શાંતા, યાદ છે?':હું તો ઓળખું છું ને!

Magazine6/2/2026, 12:35:00 AM
'શાંતા, યાદ છે?':હું તો ઓળખું છું ને!
એક વૃદ્ધાશ્રમમાં દરરોજ સવારે 9 વાગ્યે 75 વર્ષના એક દાદા, હસમુખભાઈ, તૈયાર થઈને આવતા. તેઓ પોતાની પત્ની, શાંતાબેનને મળવા આવતા જેઓ છેલ્લા પાંચ વર્ષથી અલ્ઝાઈમર (ભૂલવાની બીમારી)થી પીડાતા હતા અને ત્યાં જ રહેતા હતા. શાંતાબેન હવે કોઈને ઓળખી શકતા નહોતા, પોતાના પતિને પણ નહીં. તેમ છતાં, હસમુખભાઈ રોજ તેમની પાસે બેસતા, તેમને જમાડતા અને તેમની સાથે આખી દુનિયાની વાતો કરતા. એક દિવસ ત્યાંની નર્સથી રહેવાયું નહીં, તેણે હસમુખભાઈને પૂછ્યું: ‘દાદા, આટલું ધૈર્ય ક્યાંથી લાવો છો? એ તમને ‘પતિ’ તરીકે ઓળખતા પણ નથી. શું તમને ક્યારેય એવું નથી લાગતું કે તમે કોઈ અજાણી વ્યક્તિની સેવા કરી રહ્યા છો?’ હસમુખભાઈએ શાંતિથી શાંતાબેનનો હાથ પોતાના હાથમાં લીધો અને મેઘાની આંખોમાં જોઈને બોલ્યા: ‘બેટા, પ્રેમ એ સ્મૃતિઓનો ગુલામ નથી, એ તો આત્માનો વિષય છે. સ્મૃતિ તો મગજનો ગુણધર્મ છે, પણ લગાવ એ હૃદયનું ધબકતું સત્ય છે. લગ્ન સમયે જે ‘સપ્તપદી’ના ફેરા ફર્યા હતા, એ માત્ર સાત ડગલાં નહોતા, એ એકબીજાના અસ્તિત્વને સંપૂર્ણપણે સ્વીકારવાની પ્રતિજ્ઞા હતી. એ મને ભૂલી ગઈ છે એ એની લાચારી છે, પણ હું એને કેવી રીતે ભૂલી શકું? ભલે એને ખબર નથી કે હું એનો પતિ છું, પણ મને તો ખબર છે કે એ મારી પત્ની છે જેણે 50 વર્ષ સુધી મારો સાથ નિભાવ્યો છે’. હસમુખભાઈની આ વાત સાંભળીને નર્સ મેઘાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેને સમજાયું કે પ્રેમ એટલે માત્ર સાથે હોવું કે એકબીજાને ઓળખવા એ નથી, પણ એકબીજાના અસ્તિત્વને ગરિમા આપવી એ છે. થોડા દિવસો પછી, મેઘાએ જોયું કે હસમુખભાઈ પોતાની સાથે એક નાની ડાયરી અને મોગરાના ગજરા લઈને આવ્યા હતા. તેઓ રોજની જેમ શાંતિથી શાંતાબેન પાસે બેઠા. શાંતાબેન શૂન્યમનસ્ક ભાવે બારી બહાર જોઈ રહ્યા હતા. હસમુખભાઈએ હળવેથી ગજરાની સુગંધ શાંતાબેન સુધી પહોંચાડી. અચાનક, જે શાંતાબેન કલાકો સુધી કોઈ પ્રતિક્રિયા આપતા નહોતા, તેમના ચહેરા પર એક ક્ષણિક ચમક આવી. તેમણે ગજરા તરફ હાથ લંબાવ્યો. હસમુખભાઈએ ડાયરી ખોલી અને જૂના દિવસોની વાતો વાંચવાની શરૂ કરી: ‘શાંતા, યાદ છે? આપણી પહેલી મુલાકાત વખતે પણ તેં આવા જ મોગરાના ફૂલ નાખ્યા હતા.’ ‘શાંતા, યાદ છે? જ્યારે આપણી દીકરીના લગ્ન હતા ત્યારે તું કેટલી રડી હતી? મેં તારો હાથ પકડીને કહ્યું હતું કે હું હંમેશા તારી સાથે રહીશ. જો આજે તારા મનના દીવા ભલે બુઝાઈ ગયા હોય, પણ હું તો તારા અજવાળાનો સાક્ષી બનીને ઊભો જ રહ્યો છું.’ મેઘા દૂર ઉભી રહીને આ દૃશ્ય જોઈ રહી હતી. તેને આશ્ચર્ય થયું કે હસમુખભાઈ એ રીતે વાતો કરતા હતા જાણે શાંતાબેન બધું જ સમજી રહ્યા હોય. થોડીવાર પછી શાંતાબેને હસમુખભાઈનો હાથ પકડ્યો. તેમની આંખોમાં ઓળખ નહોતી, પણ એક અજીબ શાંતિ અને સુરક્ષાનો ભાવ હતો. એ ક્ષણે એવું લાગતું હતું કે મગજ ભલે નામ ભૂલી ગયું હોય, પણ હૃદય હજી એ સ્પર્શને ઓળખતું હતું જેણે વર્ષો સુધી તેને સાચવ્યું હતું. મેઘા નજીક ગઈ અને ધીમેથી પૂછ્યું, ‘દાદા, તમને ક્યારેય કંટાળો નથી આવતો? કે ક્યારેય એમ નથી થતું કે આ બધું વ્યર્થ છે?’ હસમુખભાઈએ પત્નીના માથે હાથ ફેરવતા કહ્યું: ‘પ્રેમમાં ક્યારેય 'વ્યર્થ' જેવો શબ્દ નથી હોતો. જે દિવસે અમે અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હતા, ત્યારે મેં વચન આપ્યું હતું કે હું દરેક પરિસ્થિતિમાં એનો સાથ નિભાવીશ. આજે એની પરિસ્થિતિ સારી નથી, તો શું હું મારું વચન ભૂલી જાઉં? ભલે એના માટે હું એક અજાણ્યો માણસ હોઉં, પણ મારા માટે તો એ હજી પણ એ જ યુવાન શાંતા છે જેણે મારા ઘરને સ્વર્ગ બનાવ્યું હતું.’ તેમણે મેઘા તરફ ફરીને એક ઊંડી વાત કહી: ‘બેટા, આજની પેઢી સંબંધોને ‘ઉપયોગિતા’ના ચશ્માથી જુએ છે. ‘તારામાંથી મને શું મળે છે?’ એ પ્રેમ નથી, એ વહેવાર છે. પણ ‘તારા માટે હું શું કરી શકું?’ એ પ્રેમનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. મારી શાંતા આજે કશું આપી શકે તેમ નથી, પણ એનું અસ્તિત્વ જ મારા માટે પૂરતું છે. સાચું વાત્સલ્ય તો એ છે જે અપેક્ષા વગર વહે.’ સમય વીતતો ગયો. એક સાંજે શાંતાબેને દુનિયામાંથી વિદાય લીધી. તે સમયે પણ હસમુખભાઈ તેમનો હાથ પકડીને બેઠા હતા. લોકોએ સાંત્વના આપી, પણ હસમુખભાઈ શાંત હતા. તેમના ચહેરા પર દુઃખ કરતાં એક સંતોષ હતો. તેમણે મેઘાને છેલ્લી વાર કહ્યું, ‘આજે એ ભલે મને મૂકીને ગઈ, પણ એનો સાથ પૂરો કરીને ગઈ. એ ભૂલી ગઈ હતી, પણ મેં એને ક્યારેય ભૂલવા ન દીધી કે એ કોઈની ‘વહાલી’ છે. બસ, મારા માટે એટલું જ કાફી છે.’ - મયંક એચ સોલંકી
Read Original Article →