સુનામી:તમારા ‘બાબા’ને વારસામાં પૈસા આપવાનું માંડી વાળો

Magazine4/7/2026, 12:35:00 AM
સુનામી:તમારા ‘બાબા’ને વારસામાં પૈસા આપવાનું માંડી વાળો
‘મેં મારા પુત્રને સર્વસ્વ સોંપી દીધું એ મારી જીંદગીની સૌથી મોટી ભૂલ હતી-હું સૌને એવું કહેવા માગું છું કે જીવતે જીવત તમારી સંપત્તિ તમારા સંતાનોને આપતા નહીં-મેં મારું સર્વસ્વ મારા દીકરાને સોંપી દીધું પણ મારા દીકરાએ મારી પાસેથી બધું જ છીનવી લીધું-મને લાગે છે કે હું રસ્તા પર આવી ગયો છું એ જોઇને મારો દીકરો ખૂબ ખુશ થશે!’ કેટલાય પથ્થર છાતી પર મૂક્યા બાદ એક બાપ એનાં દીકરા માટે આવું બોલી શક્યો હશે!! વિજયપત સિંઘાનિયા અને ગૌતમ સિંઘાનિયાનો વચ્ચેનો વિવાદ જાણીતો છે. સવાલ એ છે કે એક પિતાએ પોતાનો આર્થિક વારસો જીવતે-જીવત સંતાનોને આપી દેવો જોઇએ? સંતાનોનાં જીવનમાં મા-બાપની જવાબદારી શું? મા-બાપે સંતાનને ભણાવી-ગણાવીને મોટા કર્યા પછી એમનાં લગ્ન પણ કરાવવાનાં? સંતાનો પણ ઉછેરી આપવાનાં? ધંધો ચાલુ કરવા મૂડી પણ આપવાની? ધંધામાં ખોટ જાય તો એ ભરી પણ આપવાની? એને ફલેટ લેવા, દુનિયા ફરવા પૈસા આપવાનાં? મદદ કરવાની? કેમ? જો આ બધું મા-બાપે જ કરવાનું હોય તો સંતાને પોતાનાં પગપર ઊભા ક્યારે થવાનું? આપણે ભારતીય મા-બાપો લાગણીની ચાસણીમાં ઝબોળી ઝબોળી આપણાં સંતાનોને ફટવી મારીએ છીએ. આપણે ત્યાં જન્મેલો બાબો પાંત્રીસ-પિસ્તાળીસમા વર્ષે પણ બાબો જ રહે છે. આખી જીંદગી માને પલ્લુ પકડી રાખી-પિતાનાં ખભે પોતાનાં સપનાંનો આખો મહેલ ચણી લીધા પછી આ બાબાઓ સગ્ગા મા-બાપને ‘તમે મારા માટે શું કર્યું?’-આવો બેશરમ સવાલ પૂછી લેતા હોય છે. વાંક-સંતાનોનો નથી-લાગણીઘેલા મા-બાપનો છે. મારો ‘બાબો’ કેવી રીતે મેનેજ કરશે કે મારી ‘બેબી’ કેવી રીતે સર્વાઇવ થશેની ચિંતામાં મા-બાપ મોઢામાં મૂકી આપેલી ચાંદીની ચમચીને ભરતા રહે છે. અમારા સંતાન અમારી હાથલાકડી બનશે એવી આશાએ મા-બાપ સંતાનને ઉછેરે છે અને અમારા મા-બાપ અમારા નામે બે-ત્રણ ફ્લેટ-બે ત્રણ કરોડ મૂકતા જશે એ આશાએ સંતાનો મા-બાપને ઉછેરતા રહે છે. AIનાં યુગમાં પ્રવેશી ચૂકેલા આપણને હજીપણ મા-બાપનાં પૈસા પર ડોળો ન નખાય એવું વિવેકભાન થયું નથી. સંતાનોને એમની લક્ષ્મણ રેખા ખબર હોવી જોઇએ અને મા-બાપને એમની! આપણે ત્યાં મા-બાપ આ રેખાનું વર્તુળ બનાવી દે છે અને સંતાનો એ વર્તુળની ત્રિજ્યા માપવામાંથી ઊંચા નથી આવતા! આખી જીંદગી પથ્થરમાંથી પાણી કાઢ્યા બાદ, આખી જીંદગી હાંફી-હાંફીને દોડ્યા બાદ દરેક મા-બાપે પોતે કમાયેલા પૈસા સંતાનોને આપી દેવાને બદલે પોતાની પાછળ વાપરી નાખવા જોઇએ. સંતાનોને સારું ભણાવી દીધા પછી મા-બાપની જવાબદારી પૂરી થઇ જવી જોઇએ અને સારું ભણી લીધા બાદ સંતાનોએ પણ મા-બાપને જવાબદારીમાંથી મુક્ત કરી દેવા જોઇએ. પશ્ચિમના દેશો પાસેથી શીખવા જેવી આ વાત છે-ત્યાં સંતાન અઢાર વર્ષનું થાય એટલે મા-બાપ એની પાસેથી ઘરનું રેન્ટ વસૂલે છે-આપણે ત્યાં સંતાન પિસ્તાળીસ વર્ષનું થાય ત્યારે પણ મા-બાપ ‘બાબા’નાં ઘરનું રેન્ટ ભરતા હોય છે. અઢાર વર્ષનાં સંતાન પાસે ઘરનું ભાડું લેવું એ મા-બાપની ક્રૂરતા કે પશ્ચિમીકરણ નથી-એ સંતાનને કરાવાતું દુનિયાદારીનું ભાન છે. અઢાર વર્ષ સુધી અમે તમને પાળી-પોષીને મોટા કર્યા હવે તમારી જવાબદારી તમારે જાતે નિભાવવાની છે એની શીખ છે અને આમાં કશું જ ખોટું પણ નથી. તમારું સંતાન એનાં સગ્ગા પગ પર ઊભા રહી દુનિયાનો સામનો કરશે તો એનાં જ પગ મજબૂત બનશે, મક્કમ બનશે. તમે સંતાન પાસે ભાડું લો તો ખરાબ મા-બાપ નથી થઇ જતા-પણ પિસ્તાળીસ-પંચાવન વર્ષનો દીકરો કે દીકરી પોતાનાં ઘરનું ભાડું ભરી શકે એની વ્યવસ્થા કરી આપો તો તમારે મા-બાપ તરીકે ચોક્કસ જ વિચારવું જોઇએ. એવું લાગે છે કે દરેક મા-બાપે સંતાનને ભણાવી-ગણાવી લીધા હોય, બહુ બહુ તો પરણાવી લીધા હોય એ પછી પોતાનાં બધા પૈસા પોતાની પાછળ વાપરી નાંખવા જોઇએ-પ્રોપર્ટી સંતાનને આપીને જાવ છો એટલું બહુ છે ! દરેક સંતાને પોતાનાં મા-બાપને એવું કહેવું જોઇએ કે તમે અમને ભણાવી-ગણાવી મોટા કર્યા, કમાઇ શકીએ એ લાયક બનાવ્યા એટલું પૂરતું છે-તમે ગુજરી જાવ ત્યારે અમને જે આપીને જવું હોય એ આપજો-જેમાં રહીએ છીએ એ ઘર આપજો-સંપત્તિ આપજો પણ તમારા જીવતે જીવત અમને કશું નથી જોઇતું-તમે જે કમાયા છો એનાં પર તમારો હક છે, તમે જ વાપરો…અમને આપવાનું રહેવા દો !! જે સંતાન પોતાના મા-બાપને આવું કહી શકે એનાં ઘરે મા લક્ષ્મી-મા સરસ્વતી અને મા-શક્તિ ત્રણેય સદાય નિવાસ કરશે!
Read Original Article →