એકબીજાને ગમતાં રહીએ:શ્રદ્ધાની વ્યાખ્યા સતત બદલાતી રહે છે

Magazine5/12/2026, 12:35:00 AM
એકબીજાને ગમતાં રહીએ:શ્રદ્ધાની વ્યાખ્યા સતત બદલાતી રહે છે
જાપાનનો એક પ્રસંગ માણસની શ્રદ્ધાનો અદભૂત દાખલો છે... ઈ.સ. 1921 મોગલ બાદશાહ કુબલાઈ ખાન દુનિયા જીતવા નીકળ્યો હતો. એણે ઉત્તર, ચીન અને કોરિયા જીતી લીધા. મધ્ય એશિયા, ચીન અને અફઘાનિસ્તાન સુધી બધા રાજ્યો જીત્યા પછી એ જાપાન તરફ નીકળ્યો. એ વખતે જાપાન નાનકડો દેશ હતો. કુબલાઈના વહાણો જાપાનના દરિયા કિનારા તરફ આગળ વધવા લાગ્યા. ચીન અને કોરિયાના બંદરો પરથી લગભગ 4500 વહાણ અને દોઢ લાખ સૈનિકો સાથે જાપાન પર હુમલો કરવાનું નક્કી થયું. જાપાનના રાજા અને નાના નાના ગામના ઉમરાઓએ ગામેગામ ઢંઢેરો પીટાવીને લોકોને પ્રાર્થના કરવાની અપીલ કરી. એક એક ઘરની એક એક વ્યક્તિ જાપાનની સલામતી માટે પ્રાર્થના કરવા લાગી. ગામેગામ લોકો બૌ મંદિરોમાં અને દેવળમાં એકઠાં થયાં. જાણે ઈશ્વરે એમની પ્રાર્થના સાંભળી હોય એમ દરિયામાં ભયંકર પવન ફૂંકાયો. લગભગ જાપાનની નજીક આવી ગયેલા કુબલાઈ ખાનના નૌકાદળને આ પવનને કારણે ખૂબ નુકસાન થયું. કેટલાંય વહાણો તણાઈ ગયા. સૈનિકો ડૂબી ગયા. એ પછી કુબલાઈ ખાન કદી જાપાન સુધી પહોંચી શક્યો નહીં. જાપાનમાં આજે પણ આવા દૈવી પવનને ઈશ્વરની ભેટ અથવા ‘કામી કાઝે’ તરીકે યાદ કરવામાં આવે છે. *** ગંગાસતી પોતાનું તમામ જ્ઞાન એમની દાસી/પુત્રવધૂ/સખી પાનબાઈને આપતા રહ્યા. એ એમને ભક્તિના પાઠ શીખવવા માટે દરરોજ એક નવું ભજન રચતા જેમાં એક નવી જ જ્ઞાનની વાત વણી લેતા. એક દિવસ પાનબાઈએ પૂછ્યું, ‘માતા સાચી શ્રદ્ધા શું છે? શું ભજન ગાવાથી ઈશ્વર મળી જાય? શું ભજન ગાવાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય?’ ગંગાસતી જ્ઞાની અને મર્મી હતાં. એમણે જવાબ આપવાને બદલે કહ્યું, ‘આજે તું ભજન નહીં ગાતી. ફક્ત તારું કામ કર.’ દિવસ આખો ભજન વગર, કોઈ જ્ઞાનની વાત વગર, ભક્તિ વગરનો પસાર થઈ ગયો. પાનબાઈની ભીતર કશુંક અશાંત, કશુંક અજંપ હતું. એમણે ગંગાસતી પાસે જઈને કહ્યું, ‘ભીતર કંઈ ખાલી લાગે છે.’ ગંગાસતીએ એને કહ્યું, ‘તને જે ખાલીપણું લાગ્યું એ જ તારી શ્રદ્ધાની હાજરી છે.’ *** એક ભક્ત સહજાનંદ સ્વામી પાસે આવે છે. એણે કહ્યું, ‘મારા સંજોગો વિપરિત છે, મારી પરિસ્થિતિ ભયાનક છે, પણ હું વિશ્વાસ છોડવા માગતો નથી. મને કઈ ઉપાય બતાવો.’ સ્વામીજીએ કહ્યું, ‘એક મહિના સુધી કોઈ ફરિયાદ કર્યા વગર, પરિસ્થિતિ જે છે તેને બદલવાનો સંઘર્ષ કર્યા વગર, જે છે તેને સ્વીકારીને જીવવાનો પ્રયત્ન કરી જો. જ્યારે બહુ પીડા થાય ત્યારે કૃષ્ણનું નામ લેજે.’ ભક્તએ પ્રયાસ કર્યો. શરૂઆતમાં બહુ મુશ્કેલી લાગી, પરંતુ ધીમે ધીમે ફરિયાદો ઘટવા લાગી. જીવન સરળ લાગવા માંડ્યું. એક મહિના પછી જ્યારે સ્વામીજી પાસે આવ્યો ત્યારે સમસ્યાઓ તો હતી જ... પરંતુ, એની ભીતર એ સમસ્યા માટેની ચિંતા કે પરિસ્થિતિનો ભાર હળવો થઈ ગયો હતો. સ્વામીએ હવે ઉપદેશ આપ્યો, ‘પહેલાં પરિસ્થિતિ નહીં, આપણે બદલાવવું પડે..’ *** ઉદ્ધવ ખૂબ જ્ઞાની હતા. કૃષ્ણના મિત્ર હતા. એમણે કૃષ્ણને ગોપીઓના પ્રેમ અને એમની આસક્તિને ભૂલવાનું કહ્યું. કૃષ્ણએ જવાબ આપ્યો, ‘આસક્તિ પરસ્પર હોય, પ્રેમ પણ એ ભૂલી જશે તો હું પણ ભૂલી જઈશ.’ ઉદ્ધવે બીડું ઝડપ્યું. એમણે ગોપીઓને જ્ઞાન આપવાનું નક્કી કર્યું. ગોકુળ પહોંચીને એમણે ગોપીઓને કૃષ્ણના જીવનકાર્ય, એમના અવતાર અને એમની મહાન વિભૂતિ વિશે જણાવ્યું. ગોપીઓ હસવા લાગી. એમણે ઉદ્ધવને કહ્યું, ‘અમારો કૃષ્ણ દ્વારિકાનો રાજા નથી. અમને જે કૃષ્ણ માટે આસક્તિ છે એ તો અહીંથી ગયો જ નથી. અમારા હૃદયમાં, અમારી આંખોમાં, અમારી સ્મૃતિમાં અને અમારા ગીતોમાં એ કૃષ્ણ અહીં જ વસે છે.’ ઉદ્ધવે સમજાવ્યું, ‘આ આસક્તિ છે, મોહ છે.’ ગોપીઓએ કહ્યું, ‘અમે એને બાંધ્યો હોત તો એ મોહ હોત. અમે એને મુક્ત કરી દીધો છે, પરંતુ અમારા હૃદયમાં એનું સ્થાન સદૈવ રહેશે.’ ઉદ્ધવને સમજાયું. હું જેને અજ્ઞાની માનતો હતો એ પરમજ્ઞાની છે. મુક્તિ આપીને જેમણે સમર્પણ સ્વીકાર્યું છે, એ આસક્ત નથી, ભક્ત છે. શ્રદ્ધાની વ્યાખ્યા સતત બદલાતી રહે છે. રામકૃષ્ણ પરમહંસ રાત્રે બે વાગ્યે ઉઠીને કાલીની પૂજા કરે છે તો નરસિંહ મહેતા પોતાનો કેદારરાગ ગીરવે મૂકીને જેલની સજા સ્વીકારે છે. રઈદાસ જુત્તાં સીવતાં સીવતાં પ્રભુની આરાધના કરે છે તો કબીર કાપડ વણતા એના ‘સાહેબ’ને સંભારે છે... આમાંથી કોઈની શ્રદ્ધા વધુ કે ઓછી નથી. કોઈની શ્રદ્ધા સાચી કે ખોટી નથી. સૌ પાસે સૌના ઈશ્વરની પોતાની વ્યાખ્યા છે. આપણે સામાન્ય રીતે એવું માની બેસીએ છીએ કે, આપણે જેને ઈશ્વર માનીએ છીએ એના સિવાય અન્ય લોકોના ઈશ્વરનું અસ્તિત્વ જ નથી, પરંતુ ઈશ્વર ‘ધર્મ’માં નહીં, આસ્થામાં છે. ઈશ્વરનું સ્વરૂપ કોઈપણ હોય, શ્રદ્ધાનું સ્વરૂપ એક જ હોય છે. મંદિરો તોડવાથી કે બંધાવાથી, કોઈ એક ધર્મના લોકોને અપમાનિત કરવાથી કે બીજા ધર્મના લોકોને પ્રોત્સાહિત કરવાથી આપણી શ્રદ્ધા સાચી છે એવું સાબિત નથી થઈ શકતું. એકનાથ પોતાની કાવડમાંથી ગધેડાને ગંગાજળ પીવડાવે છે અને પુંડલિક આંગણે આવેલા ઈશ્વરને ઈંટ પર ઊભા રહીને પ્રતીક્ષા કરવાનું કહે છે... છતાં ઈશ્વર એમને વધુ નીકટથી પ્રાપ્ત થાય છે કારણ કે, એમની શ્રદ્ધા કોઈ દેખાડામાં કે સાબિતીમાં નથી. મૉબ લિચિંગ કરવું, ધર્મના નામે ટ્રોલિંગ કરવું કે સોશિયલ મીડિયા પર અંધશ્રદ્ધાનો ફેલાવો કરવો એ કોઈ રીતે શ્રદ્ધાને પુષ્ટિ આપતી પ્રવૃત્તિ નથી. અમુક વીડિયોને લાઈક કરવાથી, ફોરવર્ડ કરવાથી શુભ સમાચાર કે પૈસાની પ્રાપ્તિ થશે એવું કહેતા અને માનતા બંને મૂરખ છે... આપણે બધા જાણે અજાણે ધર્મના નામે ધતીંગથી પ્રભાવિત થઈ રહ્યા છીએ. ચમત્કારોની આશામાં જે લોકો શ્રદ્ધાને દાવ પર લગાવે છે એને ચમત્કાર તો નથી જ મળતો, પણ એની શ્રદ્ધા ડગી જાય છે. પમરતત્વને જ્ઞાનથી, શબ્દોથી, શ્લોકોથી કે સ્તોત્રથી પ્રસન્ન નથી કરી શકાતા. ભક્તિના બદલે કંઈ મેળવવા ઈચ્છનાર આવી પ્રશસ્તિ અને પ્રશંસાની પળોજણમાં પડે છે, સાચી શ્રદ્ધા કશાયની મોહતાજ નથી. શુદ્ધ મન અને માનવતા આ બે જ સાચી શ્રદ્ધાના પ્રતીક છે.
Read Original Article →