મીઠી મૂંઝવણ:પાડોશી મહિલા જરૂર હોય ત્યારે સારી રીતે રહે, કામ થઇ જાય પછી વાત પણ નથી કરતી
પ્રશ્ન: મારા પતિની એક મહિલામિત્ર છે. તેમની વચ્ચે માત્ર સારી મિત્રતા જ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ મહિલામિત્ર અવારનવાર મારા પતિને ફોન કરે છે અને મળવા બોલાવે છે. ઘણી વાર તો રજાના દિવસે મારા પતિ આખો દિવસ એની સાથે હોય છે. મને આ યોગ્ય નથી લાગતું. મારે એમને (મારા પતિને) કઇ રીતે જણાવવું?{ એક મહિલા
ઉત્તર: તમે જે સમજો છો એ વાત ખરેખર તો તમારા પતિએ અને એમની મહિલામિત્રે સમજવાની જરૂર છે. ભલે બંને વચ્ચે સારી મિત્રતા હોય, પરંતુ પરિણીત પુરુષ સાથેની મિત્રતામાં પોતાની મર્યાદાનું પણ ધ્યાન રાખવું જોઇએ. એ તમારા પતિને અવારનવાર ફોન કરે કે મળવા બોલાવે તે ઠીક છે, પરંતુ આખો દિવસ અને તે પણ રજાના દિવસે તમારા પતિ એમની મહિલામિત્ર સાથે દિવસ વિતાવે તે થોડું વધારે પડતું ગણાય. તમે તમારા પતિને સમજાવો કે આ રીતે અન્ય મહિલા સાથે એ આખો દિવસ વિતાવે છે અને તમારા પ્રત્યે ધ્યાન નથી આપતા તે યોગ્ય નથી. ભલે ગમે તેટલી નિકટની મિત્ર હોય છતાં પરિવાર અને તમારા પ્રત્યે ધ્યાન રાખવાની એમની ફરજ છે. તમે શાંતિથી સમજાવશો, તો એ ચોક્કસ સમજીને એ મહિલામિત્ર સાથેના સંબંધોમાં ધ્યાન રાખશે.
પ્રશ્ન: મારા દીકરાની ઉંમર પંદર વર્ષની છે. તેને ઓનલાઇન ક્લાસીસ હોવાથી મોબાઇલ આપ્યો છે, પરંતુ હવે એ ક્લાસીસ પૂરા થયા પછી પણ મોબાઇલ છોડતો નથી. વળી, એનું હોમવર્ક એઆઇની મદદથી કરે છે. આ રીતે તો એ અભ્યાસમા હોશિયાર કઇ રીતે થશે? મને એના ભવિષ્યની ચિંતા થાય છે. એને મોબાઇલની લત કઇ રીતે છોડાવવી? { એક મહિલા
ઉત્તર: તમારા દીકરાની વય હજી નાની છે અને તમે એને ઓનલાઇન ક્લાસીસ માટે ભલે મોબાઇલ આપો, પરંતુ એ આ રીતે એનું હોમવર્ક પણ એઆઇની મદદથી કરે, તો એ યોગ્ય નથી. તમે એના માટે મોબાઇલનો સમય નિશ્ચિત કરી દો. ક્લાસીસના સમય સિવાય એને મોબાઇલ આપવાની સ્પષ્ટ ના કહી દો. એને હોમવર્ક કરવામાં તકલીફ પડતી હોય તો ક્લાસટીચરને અથવા એના મિત્રો કે તમારી પાસેથી મદદ લેવાનું જણાવો. એના મિત્રો પાસે પણ મોબાઇલ હોય, તો તેમનાથી દૂર રહેવા જણાવો. તમે આ બાબતમાં થોડા કડક રહેશો, તો જ એ અભ્યાસમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.
પ્રશ્ન: હું એકત્રીસ વર્ષની જોબ કરતી યુવતી છું. મારા નાના ભાઇનાં લગ્ન ગયા વર્ષે જ થયાં છે. મારાં માતા-પિતાએ મારાથી નાના ભાઇનાં લગ્ન માટે ખૂબ ઉત્સાહ દાખવવા સાથે ધામધૂમ કરી, પરંતુ તેઓ મારાં વિશે બિલકુલ વિચારતાં નથી. મેં નાના ભાઇનાં લગ્ન માટે ઓફિસમાંથી લોન પણ લીધી છે, તેની ચૂકવણી માટે ભાઇ પણ કંઇ કહેતો નથી. મારે શું કરવું? { એક યુવતી
ઉત્તર: તમારી ઉંમર એકત્રીસ વર્ષ છે. તમે જોબ કરો છો અને હવે તો તમારામાં એટલી સમજદારી હોય જ કે કોઇ પાત્ર તમારા માટે યોગ્ય છે કે નહીં તે અંગે સમજી શકો. માતા-પિતા જો તમારા માટે કંઇ ન વિચારતાં હોય, તો તમે કોઇ સારી મેટ્રિમોનિયલ સાઇટ અથવા મેરેજ બ્યૂરોમાં નામ લખાવી તમારા માટે યોગ્ય પાત્ર શોધીને લગ્ન કરી શકો છો. હવે વાત કરીએ તમારા નાના ભાઇનાં લગ્ન માતા-પિતાએ ઉત્સાહભેર અને ધામધૂમથી કર્યા તે અંગે. તેમાં તમે તમારાં માતા-પિતાને મદદરૂપ થવા માટે ઓફિસમાંથી લોન લીધી હતી કે માતા-પિતાએ તમને ફરજ પાડી હતી તે તમે જણાવ્યું નથી. હા, નાના ભાઇની એ જવાબદારી બને છે કે લોનની ચૂકવણી માટે તે તમને મદદ કરે. એ કંઇ ન કહેતો હોય, તો તમે એને આ અંગે વાત કરી લોન ચૂકવણી કરવા માટે સમજાવી શકો છો.
પ્રશ્ન: મારાં લગ્ન થયાંને ત્રણ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. આ દરમિયાન મારી પત્ની મોટા ભાગનો સમય એના પિયરમાં જ રહી છે. એ ઘરે આવે ત્યારે મહિનો-બે મહિના માંડ રહે અને કંઇ બહાનું કાઢી પિયર રહેવા જતી રહે છે. મારાં માતા-પિતાને એથી દુ:ખ થાય છે. મારે એને કઇ રીતે ઘરમાં રહેવા સમજાવવી? { એક પુરુષ
ઉત્તર: તમારાં લગ્નના ત્રણ વર્ષના સમયગાળામાં તમારાં પત્ની મોટા ભાગે પિયરમાં રહે છે તેની પાછળનું કારણ સૌથી પહેલાં જાણવાનો પ્રયત્ન કરો. એમને તમારી સાથે કે તમારાં માતા-પિતા અથવા પરિવારના કોઇ સભ્ય સાથે ફાવતું નથી કે બીજું કંઇ કારણ છે, તે જાણો. પુત્રવધૂ ઘરમાં આવે તે પછી માતા-પિતાને શાંતિ થાય કે હવે ઘર અને પુત્રને સંભાળનાર આવી ગઇ છે. તેના બદલે તમારાં માતા-પિતા તમારી પત્નીના આવા વર્તનથી દુ:ખી રહે તે યોગ્ય નથી. તમે એક વાર તમારી પત્ની સાથે શાંતિથી બેસીને ચર્ચા કરો અને તમારાં સાસુ-સસરાને પણ આ અંગે જણાવો. જેથી તેઓ પણ પોતાની દીકરીને સમજાવશે.
પ્રશ્ન: પાડોશમાં રહેતી મહિલા જ્યારે એને જરૂર હોય ત્યારે મારી સાથે સારી રીતે રહે છે. એનું કામ થઇ જાય તે પછી એ મારી સાથે વાત પણ નથી કરતી. એના આવા વર્તનથી મને દુ:ખ થાય છે, પણ જ્યારે એ ઘરે આવે અથવા મારી સાથે વાત કરે ત્યારે હું મક્કમ રહી શકતો નથી. હું શું કરું?{ એક પુરુષ
ઉત્તર: મોટા ભાગે આપણા સમાજમાં પહેલો સગો પાડોશી ગણાય છે, પરંતુ હવે સંબંધોના સમીકરણો બદલાઇ ગયા છે. અત્યારે તો જે પોતાને ઉપયોગી થાય એ સંબંધી કે સગાં ગણાતા હોય છે. તમારા પાડોશમાં રહેતી મહિલાને એક વાતનો ખ્યાલ આવી ગયો છે કે એ ભલે તમારી સાથે વાત કરે કે ન કરે, પણ જ્યારે એને જરૂર હશે, ત્યારે તમે એને મદદરૂપ થશો. તમારી આ નબળી કડી એ સમજી ગઇ છે. તમે એના માટે વધારે વિચારવાનું છોડી દો અને હવે જ્યારે એ તમારી સાથે વાત કરવા અથવા કંઇ જરૂર અંગે આવે ત્યારે મન મક્કમ કરીને મર્યાદિત વર્તન કરો. તમે જો મક્કમ નહીં રહો, તો દુનિયામાં તમારી પાડોશમાં રહેતી મહિલાઓ જેવાં અનેક લોકો છે, જે પોતાનો સ્વાર્થ સાધવા તત્પર જ હોય છે.
Read Original Article →