સ્વાસ્થ્ય:બાળકોમાં દાંતની સફાઈ
ડૉ. ગુંજન બારોટ બાળકના દાંતની સંભાળ ક્યારે શરૂ કરવી અને કેવી રીતે કરવી? આ પ્રશ્ન ઘણી વખત માતા-પિતાને મૂંઝવણમાં મૂકે છે. સવાલ ભલે સરળ લાગે, પરંતુ તેની પાછળ ઊંડી ચિંતા છુપાયેલી હોય છે...બાળકના સ્વસ્થ સ્મિત અને તેના ભવિષ્યની.
દાંતની સાચી સંભાળ બાળક જન્મે તે પહેલાંથી જ શરૂ થાય છે. જ્યારે માતા-પિતા નવા જીવન માટે તૈયાર થઈ રહ્યા હોય છે, ત્યારે તેમને ઓરલ હેલ્થ વિશે માર્ગદર્શન મેળવવું અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આ સમય એવો હોય છે જ્યારે તેઓ પોતાના બાળક માટે શ્રેષ્ઠ પસંદગીઓ કરવા માટે વધુ સજાગ અને તૈયાર હોય છે.
દાંત નીકળ્યા પહેલાં પણ બાળકના મોઢાની સ્વચ્છતા એટલી જ મહત્ત્વપૂર્ણ છે. દાંત ન હોય ત્યારે પણ બાળકના પેઢાંને દિવસમાં ઓછામાં ઓછા બે વખત, ખાસ કરીને દૂધ પીધા પછી અને રાત્રે સૂતા પહેલાં, નરમ અને સ્વચ્છ ભીના કપડાથી હળવેથી સાફ કરવું જોઈએ. આ રીતે મોઢામાં દૂધના અંશ અને જમા થતી ગંદકી દૂર થાય છે, જે ભવિષ્યમાં દાંતના આરોગ્ય માટે લાભદાયક રહે છે.
બાળકનો પહેલો દાંત આવે તે માત્ર એક મીઠી ક્ષણ નથી, પરંતુ એક નવી જવાબદારીની શરૂઆત છે. આ સમયથી જ મોઢાની સફાઈ નિયમિત રીતે શરૂ કરવી જોઈએ. માતા-પિતા બાળકને ગોદમાં આરામથી રાખીને, એક હાથથી તેને સહારો આપીને અને બીજા હાથથી નરમાઈથી દાંત સાફ કરી શકે છે. આ પ્રક્રિયા માત્ર સફાઈ પૂરતી નથી, પરંતુ બાળક માટે એક સકારાત્મક અનુભવ બનાવે છે, જે તેને આગળ જતાં દાંતની સફાઈ પ્રત્યે સહજ બનાવે છે.
જ્યારે બાળક ત્રણથી ચાર વર્ષની ઉંમરમાં પ્રવેશે છે, ત્યારે તેના માટે નિયમિત રૂટિન બનાવવું ખૂબ જ જરૂરી બની જાય છે, જે તેના શારીરિક, માનસિક અને વર્તનાત્મક વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સવારે અને ખાસ કરીને રાત્રે સુતા પહેલાં બ્રશિંગની આદત બાળકના જીવનમાં એક સ્વાભાવિક ભાગ બની જવો જોઈએ. આ ઉંમરે બાળકો જે જોશે તે શીખશે, એટલે માતા-પિતા પોતે બ્રશ કરી બતાવીને તેમને પ્રેરણા આપી શકે છે.
શાળા જતાં બાળકોમાં ધીમે ધીમે સ્વતંત્રતા અને સમજણ વિકસે છે. તેઓ જાતે બ્રશ કરવાની કોશિશ કરે છે અને આ સમય તેમને યોગ્ય પદ્ધતિ શીખવવાનો છે. ફ્લોરાઈડ ધરાવતી ટૂથપેસ્ટનો યોગ્ય ઉપયોગ અને તેની યોગ્ય માત્રા, બંને મહત્ત્વપૂર્ણ છે. આ આદતો જ લાંબા ગાળે તેમના દાંતને મજબૂત અને સડા થી મુક્ત રાખે છે.
કિશોરાવસ્થાની ઉંમરે બાળકો પાસે ક્ષમતા તો હોય છે, પરંતુ નિયમિતતા જાળવવી એ મોટો પડકાર બને છે. ઘણીવાર બ્રશિંગ એક ફરજ બની જાય છે, અને અહીં માતા-પિતાની ભૂમિકા ફરીથી મહત્ત્વપૂર્ણ બની જાય છે. તેમને યાદ અપાવવું, પ્રોત્સાહિત કરવું અને આ આદતને સતત જાળવવામાં
મદદ કરવી.
ટૂથબ્રશની પસંદગીમાં સરળ પરંતુ અગત્યનો સિદ્ધાંત છે. હંમેશાં સોફ્ટ બ્રિસ્ટલ અને નાનું હેડ ધરાવતો બ્રશ પસંદ કરવો. નરમ બ્રશ દાંત અને મસૂડા બંને માટે સુરક્ષિત હોય છે, જ્યારે કઠોર બ્રશ નુકસાન પહોંચાડી શકે છે. તેમજ મોઢાની સ્વછતા જાળવવાની આદત અને દર ત્રણ મહિને બ્રશ બદલવાની આદત, અસરકારક ભૂમિકા ભજવે છે.
સાથે સાથે, એક વધુ મહત્ત્વપૂર્ણ આદત જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ. બાળકને નિયમિત રીતે પેડિયાટ્રિક ડેન્ટિસ્ટ પાસે લઈ જવું. દર 6 મહિને એક વખત ડેન્ટલ ચેકઅપ કરાવવાથી દાંતની નાની સમસ્યાઓ શરૂઆતમાં જ ઓળખી શકાય છે અને મોટા દુખાવા અથવા સારવારથી બચી શકાય છે. આ મુલાકાતો બાળકમાં તેને લગતો ડર ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. ટૂથપેસ્ટનો ઉપયોગ ક્યારે કેવો?
> 1થી 3 વર્ષની ઉંમર: માત્ર ચોખાના દાણા
જેટલી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો.
> 3થી 6 વર્ષની ઉંમર: વટાણા જેટલી
ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો.
6 વર્ષથી ઉપર અંદાજે 1–2 સેન્ટીમીટર
(બ્રશના બ્રિસ્ટલની લંબાઈ જેટલી) ફ્લોરાઇડ
યુક્ત ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય.
> દાંતની સંભાળ જટિલ વિજ્ઞાન નથી. સાચી માહિતી, યોગ્ય પસંદગી અને રોજિંદી આદતોનો સરવાળો છે. બાળકમાં આ આદતો જેટલી વહેલી વયે વિકસાવવામાં આવશે, તેટલું જ તેનું સ્મિત સ્વસ્થ, નિરોગી અને આત્મવિશ્વાસભર્યું રહેશે.
Read Original Article →