હૂંફ:બાળકની નાની પળોમાં છુપાયેલું હેતનું આકાશ
ધર્માંશુ વૈદ્ય સંતાન એ ઈશ્વરના સૌથી સુંદર હસ્તાક્ષર છે. આપણે ઘણીવાર ‘પરફેક્ટ મમ્મી’ બનવાની હોડમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે માતૃત્વની જે મૂળભૂત સુગંધ છે, તે ક્યાંક વિસરાઈ જાય છે. આજના દોડધામભર્યા યુગમાં, જ્યાં સમય હાથમાં પકડેલી રેતી સરકી જાય એમ સરકી રહ્યો છે, ત્યારે સંતાનો સાથે વિતાવેલી નાની પળો જ જિંદગીનું સાચું ભાથું છે. ગ્રીક ફિલસૂફ હેરાક્લિટસે કહ્યું હતું કે તમે એકની એક નદીમાં બીજી વાર પગ મૂકી શકતા નથી. બસ, સમયનું પણ એવું જ છે.
બાળકને નાનું રહેવા દેવાની જે મજા છે, તે અદ્ભુત છે. ભલે સવાર થોડી ધીમી પડે કે લાડ-પ્યારમાં શિસ્તની લક્ષ્મણરેખા થોડી આઘીપાછી થાય, પણ એમની ‘હજુ એક વાર’ની જીદ સામે જ્યારે તમે હા પાડો છો, ત્યારે એ સ્મિતમાં કરોડો રૂપરડીનું સુખ છુપાયેલું છે. રોટલી કરવા બાંધેલા લોટથી ખરડાયેલા હાથ કે પેઇન્ટિંગના રંગોથી રંગાયેલા કપડાં, આ બધું જ એક દિવસ સ્મૃતિના સંધિપ્રકાશમાં સોના જેવું ચમકશે.
માતૃત્વ એ કોઈ મેનેજમેન્ટનો વિષય નથી, એ તો હૃદયનો વિષય છે. સંતાનનો પહેલો કાલોઘેલો અવાજ રેકોર્ડ કરી લેજો, કારણ કે આવતીકાલે જ્યારે એ અવાજમાં ગંભીરતા આવશે, ત્યારે આ જૂનું રેકોર્ડિંગ તમને વસંતની લહેરખી જેવું ભાસશે. ફોટા તો આપણે મોબાઈલમાં હજારો પાડીએ છીએ, પણ એને પ્રિન્ટ કરાવીને હાથમાં પકડવાની જે અનુભૂતિ છે, તે ટેકનોલોજી ક્યારેય આપી શકતી નથી.
એક દિવસ કોઈ પ્લાન વગર જીવી જુઓ. સંતાનની આંગળી પકડીને એના જગતમાં લટાર મારો. એની ફેવરિટ મૂવી સોમી વાર જોવી પડે તો પણ જોજો, કારણ કે તમને મૂવીમાં નહીં, પણ એની ચમકતી આંખોમાં રસ હોવો જોઈએ. પત્ર લખવાની જૂની આદત કેળવો. આજે એ કેવા છે, એમને શું ગમે છે, એ શબ્દોમાં કંડારો. વર્ષો પછી જ્યારે એ આ પત્રો વાંચશે, ત્યારે એમને સમજાશે કે એમના માતા કે પિતાએ એમને કેટલા બારીકાઈથી પ્રેમ કર્યો હતો.
તમે ધારો છો તેના કરતાં ઘણું સારું કરી રહ્યા છો. બાળકોને ‘પરફેક્ટ’ મમ્મી કરતાં ‘પોતાની’ મમ્મીમાં વધુ રસ હોય છે. તમારી હાજરી જ એમના માટે સૌથી મોટું સર્ટિફિકેટ છે. આજે કદાચ દિવસો લાંબા લાગે છે, પણ શૈશવનો સમયગાળો અત્યંત ટૂંકો છે. આ પળોને મુઠ્ઠીમાં ભરી લો. તો વિચારો, આ દસમાંથી તમે આજે કઈ પળને જીવવાનું પસંદ કરશો? જીવન તો વહેતી સરવાણી છે, એમાં ડૂબકી મારી લેવી એ જ સમજદારી છે.
પિપરમિન્ટ: તને મેં મારા સપનાનું દૂધ પીવડાવ્યું છે, જેથી તારા સપના ઉજળા થાય.
Read Original Article →