ખોબામાં દરિયો:લિવ મી અલોન
રેખાબા સરવૈયા સરકારી વસાહતમાં મોટા સાહેબોનાં ઘરનાં કામ કરવા માટે હીરીનું નામ સૌથી મોખરે લેવાતું. કામની ચોખ્ખી એવી ને એવી હાથની પણ ચોખ્ખી! સમયસર આવવું અને સીધી લીટીમાં ઘરનું બધું કામ કરીને નીકળી જવું...અને સાહેબોની મે’મસાહેબોને સૌથી ગમતી વાત એટલે કે એ કે...હીરીનું મોં સૌ બંધ.
જાણે જીભ જ નહીં ને!!
એવી હીરી ડી-કાવટર્સની છેલ્લી લેનમાંથી ગુપ્તસાહેબનાં ઘરનું કામ કરીને હજી તો ચહેરા પર દદડતા પરસેવાનાં રેલાંને, સાડીનાં છેડાથી લૂછતાં-લૂછતાં પોતાનાં ઘરમાં પગ જ મૂકતી હતી કે ઘરનું બારણું ઉઘાડું ફટ જોતાં જ ને એ ઉતાવળે પગલે ઓસરી વળોટીને ઓરડા તરફ ઘસી.
જૂના ક્વાટર્સનાં ઓરડાનાં ઊંચા ઉંબરાની ઠેસથી પડતાં-પડતાં માંડ બચી, પોતાનું શરીર સંભાળીને એ જ્યાં અંદર નજર ઠેરવે છે કે એની છાતીનાં પાટિયા એકદમ ભીંસાય ગયા. એની જીભ તાળવે ચોંટી ગઈ, આંખોનાં ડોળા જાણે હમણાં બહાર નીકળ્યાં કે નીકળશે!
હીરીનાં પગ હેઠેથી જાણે એક જ ક્ષણમાં કોઈએ જમીન સેરવી લીધી હોય એમ એ સૌ સ્તબ્ધ અને નિરાધાર...
ઓરડાની વચ્ચો-વચ્ચ ખેંચેલા લખવાનાં ટેબલથી બે જ વેંત ઊંચે હીરીનાં એકનાં એક દીકરાની લાશ પંખા ઉપર લટકતી હતી...!
સૌ પહેલા તો હીરીની આંખે રાતા-પીળા ચકરડાં ફરી વળ્યા.
માથું ભમી ગયું.
કપાળ અને છાતી ફૂટીને એણે પોક મૂકી.
જમીન પર ફસડાઇને ઢગલો થતાં પેલા એની આંખોમાં એ દૃશ્ય તરવરી ગયું જ્યારે એક રાતે રેલવે ટ્રેન નીચે કપાઈને મરી ગયેલા ધણીની લાશને લેવા પોતે ગઈ હતી.
ધાવણા છોકરાને આજ લગી પેટે પાટા બાંધીને મોટો કર્યો. ઘર-ઘરનાં ઉંબરા ટોચ્યા. કામ કરી-કરીને પંડ્ય ખોઈ દીધો. સાહેબોનાં ઘરનાં પાપડ-અથાણા અને ઘરની સફાઈ કરતાં-કરતાં સાવ બેવડ વળી ગયેલી હીરીની આંખમાં એક જ સપનું...હીરાકણીની જેમ ચમકે...’કાલ્ય સવારે દીકરો મોટો થાશે...પછી તો ઐય ને મજાથી...ગઢપણને ગરવું કરીને વહુનાં હાથનો રોટલો ખાઈશ...
હીરીને હોંશ આવ્યા ત્યારે દીકરાની ઠાઠડી બંધાઈ ગઈ હતી. ભેગું થયેલું મનેખ...પોત-પોતાની મતિ મુજબની વાતું કરી રહ્યું હતું... ‘અરે...રે...બાઇનું તો મોત બગડ્યું.’
‘અરે, પરીક્ષાનાં ટેનશનમાં કંઈ આવું પગલું ભરાય મારી બાઈ?’
‘ધણીને વળાવીને આ એક દીકરામાં જ દી’રાત્ય એક કરીને જીવતી’ટી.’
‘જતી જિંદગીએ આ દિ’ દેખાડીને બાઈનાં ગુડા ભાંગી નાઈખા...ભગવાનેય કેવો નિર્દય!’
હીરીના ભાનમાં આવ્યાનું જાણીને પોલીસમેન અંદર ઓરડામાં આવીને ગંભીરતાથી એક ચબરખી હીરીને આપે છે. અભણ હીરી આંસુ ઉભરાતી આંખે પોલીસને તાકે છે. પોલીસ ત્રૂટક-ત્રૂટક બોલે છે: ‘પરીક્ષાનું તાણ, પરિણામની ચિંતા, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશનને લીધે સુસાઇડ....-ચબરખીમાં લખેલ શબ્દો પણ હીરી માટે તો મડદા જેવા જ....
‘લિવ મી અલોન’
અભણ હીરી શું સમજે?
હા...હવે એણે એ પ્રમાણે જીવી દેખાડવું તો પડશે જ જાણે.
Read Original Article →