મૂડ માઇન્ડ:સ્ત્રીનાં મન પર ગરમીની અસર

Magazine5/5/2026, 12:35:00 AM
મૂડ માઇન્ડ:સ્ત્રીનાં મન પર ગરમીની અસર
ડો. સ્પંદન ઠાકર મે મહિનાની બપોર હતી. શહેરની ગરમી જાણે ઘરના દરેક ખૂણામાં ઘૂસી ગઈ હોય એમ લાગતું હતું. બારી બંધ, પંખો ચાલુ, એ.સી.પણ ચાલુ… છતાં અંદર અજાણી બેચેની હતી. સાન્વી રસોડામાં ઊભી હતી. ગેસની આંચ અને બહારનો તાપ એક સાથે ભેગા થઈને એને અંદરથી અકળાવી રહ્યા હતા . બાળકનો નાનો અવાજ પણ ભારે લાગતો હતો. ‘બસ શાંત રહે…’ એ બોલી ગઈ. અને તરત જ એને ખોટું લાગ્યું. સાન્વી એવી નહોતી. એ શાંત, સમજદાર અને સહનશીલ હતી. પણ છેલ્લા થોડા દિવસોથી એની અંદર કંઈક બદલાઈ ગયું હતું. નાની વાતમાં ગુસ્સો, પછી ખાલીપો… સાંજ સુધી થાક અને રાતે ઊંઘ ગાયબ. રાતે બધું શાંત થઈ જાય પછી, એની આંખો બંધ થતી નહોતી. ક્યારેક કોઈ કારણ વગર ચિંતા, ક્યારેક અચાનક ધબકારા, ક્યારેક શ્વાસ ભારે લાગવો…એને લાગવા લાગ્યું, ‘મારા સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે.’ એક દિવસ બપોરે, જ્યારે બહાર તડકો ચરમસીમાએ હતો, એ ગેલેરીમાં બેસી હતી. હાથમાં છાશ, ચહેરા પર થાક. એ વખતે એની પડોશની ડોક્ટર મિત્ર આવી. થોડી વાતમાં, સાન્વી એ બધું કહી નાખ્યું. ગુસ્સો, બેચેની, ઊંઘ, ધબકારા,અશક્તિ અને અકળામણ. ડોક્ટર હળવેથી હસ્યા, ‘આ ફક્ત તું નથી અનુભવી રહી… ગરમીમાં ઘણા લોકોનું મન આવું થઈ જાય છે.’ સાન્વી થોડી આશ્ચર્યમાં પડી. ‘ગરમી?’ ‘હા,’ ડોક્ટર બોલ્યા, ‘ગરમી ફક્ત શરીરને નહીં, મનને પણ અસર કરે છે. લોકોને આ દિવસોમાં ચિંતા (Anxiety) વધારે થાય છે. શરીરમાં ગરમીથી ધબકારા, પરસેવો, શ્વાસમાં ફેરફાર થાય… અને મન તેને ખતરા તરીકે લે છે. એટલે પેનિક જેવા લક્ષણો વધે છે. સાન્વીને તરત જ પોતાનો અનુભવ યાદ આવ્યો. ‘અને ઊંઘ?’ એણે પૂછ્યું. ‘ગરમીમાં ઊંઘ ખરાબ થવી સામાન્ય છે. પણ લાંબા સમય સુધી ઊંઘ અધૂરી રહે તો મૂડ ડિસઓર્ડર, ખાસ કરીને ડિપ્રેશનના લક્ષણો દેખાય શકે. મન ન લાગવું, થાક લાગવો.’ સાન્વી સાંભળતી રહી. ડોક્ટર આગળ બોલ્યા, ‘કેટલાક લોકોમાં ઇરિટેબિલિટી અને એંગર આઉટબર્સ્ટ પણ વધે છે. ગરમીમાં શરીર પહેલેથી જ સ્ટ્રેસમાં હોય છે, એટલે સહનશક્તિ ઘટી જાય છે.અને જેમને પહેલાથી બાઇપોલર ડિસઓર્ડર હોય, એમનામાં ક્યારેક મેનિયા વધારે ટ્રિગર થાય. ઊંઘ ઓછી છતાં એનર્જી વધારે, વિચારો ઝડપથી દોડવા લાગે.’ સાન્વીને આ બધું સાંભળીને પહેલી વાર લાગ્યું કે એની સાથે જે થઈ રહ્યું છે, એ કોઈ અજાણી વસ્તુ નથી. ‘તો હું બીમાર છું?’ એણે ધીમેથી પૂછ્યું. ડોક્ટર સ્મિત સાથે બોલ્યા, ‘નહીં. તું સમજવાની શરૂઆત કરી રહી છે. ગરમી તારો થ્રેશોલ્ડ ઓછો કરી રહી છે… બસ.’ એ વાત સીધી હતી, પણ અસરકારક. તે દિવસે સાન્વી પહેલી વાર જાત પર ગુસ્સો કર્યા વગર ઘરે આવી. એણે વિચાર્યું, ‘હું બદલાઈ નથી… મારી પરિસ્થિતિ બદલાઈ છે.’ એણે નાનાં ફેરફાર કર્યા. બપોરે થોડો આરામ, પાણી વધુ, અને જ્યારે મન બેચેન થાય ત્યારે તેને દબાવવાની જગ્યાએ સમજવાનો પ્રયાસ. ગરમી હજી પણ હતી. તડકો પણ એ જ હતો. પણ સાન્વી હવે એને અલગ રીતે અનુભવતી હતી. હવે જ્યારે એને ચીડ આવે, કે ધબકારા વધે, એ તરત ડરી જતી નથી. એ જાણે છે. આ એની કમજોરી નથી… આ સીઝનની અસર છે. ગરમી શરીરને થકવતી હોય છે… પણ મનને તે શાંત રીતે હલાવી નાખે છે. અને કદાચ, આ સમજણ જ સૌથી મોટો ઉપચાર છે. મૂડ મંત્ર: દરેક બેચેની પાછળ બીમારી નથી હોતી…ક્યારેક એ માત્ર થાકેલું મન હોય છે, જેને સમજવાની જરૂર હોય છે.
Read Original Article →