પહેલું સુખ તે...:દિવસ દરમિયાન વધારે ઊભા રહો ત્યારે…...

Magazine4/7/2026, 12:35:00 AM
પહેલું સુખ તે...:દિવસ દરમિયાન વધારે ઊભા રહો ત્યારે…...
આજકાલ મોટા ભાગના લોકોનો સમય બેઠાં-બેઠાં જ પસાર થાય છે, ડેસ્ક પર, કારમાં, સોફા પર અને ટી.વી. સામે.. બેસી રહેવાનું આરામદાયક તો લાગે છે, પણ કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી મેટાબોલિઝમ, પોશ્ચર અને ઊર્જાના સ્તરને અસર થાય છે. આમાં એક સાદો ફેરફાર જો કરવો હોય, તો દિવસ દરમિયાન ઊભાં રહેવું જોઇએ. ભલે વાંચવામાં આ બાબત નાની લાગે, પણ તેની શરીર પર નોંધનીય અસર થાય છે. શરીર સજાગ રહે છે: બેસી રહેવાથી રીલેક્સ થયેલા સ્નાયુઓ ઊભા રહેવાથી સક્રિય બને છે. પગ, નિતંબ, અને પીઠનો નીચેનો ભાગ શરીરના વજનને સપોર્ટ આપે છે. તમે ભલે કોઇ જાતની એક્સરસાઇઝ કર્યા વિના પણ ઊભા રહો તો સ્નાયુઓ સતત સંતુલન અને શરીરનું પોશ્ચર જાળવવાની ક્રિયામાં સંકળાયેલા રહે છે. લોહીનું પરિભ્રમણ વધારે સારી રીતે થાય છે: તમે જ્યારે લાંબા સમય માટે બેસી રહો છો, ત્યારે લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે. ખાસ કરીને શરીરના નીચેના ભાગમાં લોહી ઝડપથી ફરતું નથી. આનાથી પગ કે કમર કે પીઠ અકડાઇ જવા, પગ પર સોજો અથવા પગનું વજન વધારે લાગે છે. ઊભા રહેવાથી લોહીનું પરિભ્રમણ સ્નાયુઓ અને રક્તવાહિનીઓ દ્વારા વધારે સારી રીતે થાય છે. તેના પરિણામે શરીરના ટિશ્યૂઓને પ્રાણવાયુ મળે છે. મેટાબોલિઝમ વધારે સુચારુ બને છે: ઊભા રહેવાથી ચાલવા અથવા એક્સરસાઇઝ કરવા જેટલી કેલેરી ભલે બર્ન ન થતી હોય, પણ બેસી રહેવાના પ્રમાણમાં ઊભા રહેવાથી ઊર્જા ખર્ચાવામાં વધારો ચોક્કસ થાય છે. આખા દિવસના અંતે આવા નાના-નાના વધારાથી સ્ફૂર્તિ લાગે છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે નિયમિત રીતે ઊભા રહેવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ જે ખાસ કરીને ભોજન પછી વધે છે, તેનું નિયમન થાય છે. જ્યારે શરીર સક્રિય હોય, ત્યારે લોહીના પ્રવાહમાંથી સ્નાયુઓ ગ્લુકોઝનો વધારે ઉપયોગ કરે છે, જેથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધતું નથી. પોશ્ચર યોગ્ય રીતે જળવાઇ રહે છે: લાંબો સમય બેસી રહેવાથી શરીર આગળની તરફ ઝૂકવા લાગે છે, ખભા નમી જાય છે, નિતંબ ટાઇટ થઇ જાય છે અને કરોડરજ્જુ પણ વળી જાય છે. સમય જતાં ગરદન, પીઠ અને કમર જકડાઇ જાય છે. ઊભા રહેવાથી પોશ્ચર યોગ્ય રહે છે. કરોડરજ્જુ સીધી રહે છે, ખભા ખેંચાયેલા રહે છે અને આના કારણે શરીર સ્થિર રહે છે. માનસિક સજાગતા વધુ સારી બને છે: શારીરિક સ્થિતિની અસર લોકોને ખ્યાલ આવે તે પહેલાં જ માનસિક સ્થિતિ પર અસર કરે છે. સતત બેસી રહેતાં લોકો માનસિક રીતે વધારે સજાગ નથી હોતા અથવા તો એકાગ્રતા સાધી શકતા નથી. ઊભા રહેવાથી સજાગતા આવે છે કેમ કે શરીર વધારે સક્રિય રહે છે અને મગજ સ્નાયુઓ અને સંતુલન સિસ્ટમ તરફથી વધારે સિગ્નલ પ્રાપ્ત કરે છે. આથી જ ઘણા લોકો મીટિંગ દરમિયાન ઊભા રહેતા હોય છે. માત્ર ઊભા ન રહો, હલનચલન કરો: ઊભા રહેવાથી મદદ તો મળે છે, પણ હલનચલન કરવાથી જે ફરક અનુભવાય છે તે અલગ જ છે. દિવસ દરમિયાન ઊભા રહેવું, બેસવું, ચાલવું અને સ્ટ્રેચિંગ કરતાં રહેવાથી શરીર ફ્લેક્સિબલ રહે છે અને અકડાઇ જતું નથી. નાની નાની બાબતોથી પણ ફરક પડી શકે છે.
Read Original Article →