પરખ:લોકો જે લગ્નપ્રસંગને બનાવે યાદગાર!

Magazine4/28/2026, 12:35:00 AM
પરખ:લોકો જે લગ્નપ્રસંગને બનાવે યાદગાર!
જયસ્વી પટેલ લગ્ન પ્રસંગમાં 10 એવાં મજેદાર લોકો મળે, જેની ભૂમિકા ખૂબ ધ્યાનાકર્ષક રહે છે. 1 મેડમ સૂરીલી: લગ્નમાં એક એવી ફટાણાં ગાતી નારી જરૂર હોય, જેના વિના પ્રસંગ અધૂરો લાગે. ઢોલક, ખંજરી, માઈક સંભાળી લેતી આ નારી ગીતની ડાયરીમાંથી ગીત શરૂ કરે, સાથેની સ્ત્રીઓ ઝીલે. જ્યારે કંટાળે, ત્યારે ઠુમકા મારી લે. મહિલાઓ 10-20ની નોટોથી તેની નજર ઉતારે. 2 ફ્લર્ટી ફોટોગ્રાફર જેને વર-વધૂ કરતાં યુવતીઓની ફોટાગ્રાફીમાં રસ હોઇ, ફોટા માટે પાછળ ઘૂમતાં યુવતીના ધાડાંની ફરમાઈશ પૂરી કરે. જો કોઇનો ફોટો સારો ન આવે તો બીજો પાડે. લટ્ટુ ફોટોગ્રાફરને શોધીને જ્યાં સુધી કોઇ આંટી બીજા ફોટા પાડવા ન લઇ જાય, ત્યાં સુધી યુવતીઓનું ફોટો સેશન ચાલુ રાખે. 3 બટકબોલી સાળીઓ 15થી 25 વર્ષની સખીઓ જૂતાં છુપાવામાં વ્યસ્ત રહે. વાકપટુ યુવતી, જીજુ પાસેથી પૈસા કઢાવી જાય. પૈસાની આનાકાનીમાં જીજુના મિત્રો એટલે મોડું કરાવે કે, કોઈ સાથે સેટિંગ થઈ જાય. કોઇ આંટી લડીને કહે, ‘જલ્દી કરો, હજુ વિધિ બાકી છે, મુહૂર્ત નીકળી જશે.!’ ત્યાં સુધી પૈસાનું બાર્ગેનિંગ ચાલે. 4 બ્યુટીક્વિન ભાભી જબરદસ્ત સજેલી-ધજેલી જ્વેલરી ક્વીન ભાભી દર 4-6 કલાકે નવી-નવી સાડી-જ્વેલરીમાં દેખા દે છે. લોકો નયનસુખમાં મશગૂલ હોઇ, ભાભીને લાગે કે પોતાને જ જુએ છે, એટલે સંપૂર્ણ મેકઅપ સજ્જ હોવા છતાં પર્સમાંથી નાનો મિરર કાઢી વારંવાર મેકઅપને ટચ આપ્યા કરે. 5 પ્રોએક્ટિવ હોસ્ટ અતિ વ્યસ્ત દેખાતો પરિવારનો યુવક મહેમાનને આવકારે, ખાણી-પીણીમાં ધ્યાન આપે. લોકો એને જ શોધે. મંડપમાં એનું જ નામ સંભળાય. ખિસ્સાંના બબ્બે મોબાઈલ સતત રણક્યા કરે. એટલો વ્યસ્ત હોઇ, ખાવા-પીવાની ફૂરસદ ના હોય. ઈવેન્ટ મેનેજરની ભૂમિકામાં જ હોય છે. 6 અકળાતી કાકી 15 દહાડાથી ધામા નાખી બેઠેલી કાકી કે ફોઈ ખાણી-પીણી કે લેણદેણમાં ખોડ જ કાઢ્યા કરે. પહેલાંનો વહીવટ સારો હતો..ના બણગાં ફૂંકતી કાકીને ચામાં ખાંડ ઓછી, દાળમાં મીઠું વધારે લાગે. લગ્નમાં આવવાથી પસ્તાતી હોવા છતાં, ઘેર જવાનું નામ ના લેતી કાકી કે ફોઇ પછી ય 4 દહાડે જાય. 7 રીસાતા જમાઈરાજા જમાઈ કે કુમારનું રીસાવું એ હોબી છે. એ નવગ્રહ પછી દસમો આવે, એમની રીસ બે દહાડે સમજાય. સાળાના લગ્નમાં જીજુના નખરાં વધે. હોશિયારી મારી પત્ની સામે બબડે, ‘મારે બહુ કામ છે, હું કાલે જઇશ. તું શાંતિથી આવજે.’ પત્નીને ખબર જ છે, શુકનનું કવર, સોનાની વીંટી, સૂટ પીસ લીધા સિવાય કુમાર જવાનો નથી. 8 ખાઉધરા મહેમાન આખો પરિવાર બહારગામથી આવી ધામા નાખે, યજમાનને મળી હાજરી પુરાવે. જેથી મોજથી ખાઈ-પી શકે. એને વર-કન્યા, ડાન્સ-ડીજેમાં રસ નથી. એ તો ખૂણાનું ટેબલ રિઝર્વ કરી ફૂડકોર્ટનું ચક્કર મારે કે બાળકને મોકલી ચેક કરે કે, ખાવાનું ક્યારે શરૂ થશે? બધો હિસાબ લગાવી પછી ચાંલ્લાનો આંકડો નક્કી કરે. 9 ફ્રી સ્ટાઈલ ડાન્સર ખાણી કરતાં ‘પીણી’માં દિલચસ્પી રાખનારા, પીવાની વેતરણમાં રહે. લગ્ન નિમંત્રણ મળવું જોઈએ. વરઘોડામાં ડાન્સ માટે આગ્રહ જરૂરી નથી. લોકો ઓળખી શકતાં નથી કે વરપક્ષના છે કે કન્યાપક્ષના.! મૂડમાં આવી, રૂમાલની બીન વગાડે, મિત્ર નાગીન બને એટલે જાન ત્યાં જ અટકી પડે. 10 રીતિ-રિવાજ પ્રેમી... દાદી લગ્ન સાથે દાદીને જૂનો નાતો. દાદી એકમાત્ર એવી વ્યક્તિ છે, જેને રિવાજ-પ્રથાની સાચી ખબર હોય. કોઈ રિવાજ અયોગ્ય રીતે નિભાવાય તો ગેરલાભના લેખાં-જોખાં એમની પાસે હોય. કુટુંબની મહિલાઓ એમનું જ માને. મંડપ સામે ગોઠવાઇ બધી વિધિનું નિરીક્ષણકર્તા દાદી સલાહ સૂચન પણ કર્યા કરે.
Read Original Article →