રસથાળ:ગરમીમાં ઠંડક આપશે દહીંની વાનગીઓ...
રોજિંદા ભોજનમાં દહીંનો સમાવેશ કરવાથી શરીરમાં તાજગી રહે છે અને ગરમીના કારણે થતી થાકની લાગણી પણ ઓછી થાય છે. ખાસ કરીને ઉનાળામાં દહીં, છાસ અથવા રાયતા જેવા પદાર્થો ખાવા ખૂબ લાભદાયી માનવામાં આવે છે.
ગુજરાતી રસોઈમાં તો દહીં વડે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. આ ઉનાળો દહીંનો વપરાશ વધારીએ અને ગરમીથી બચીએ. મેંગો લસ્સી સામગ્રી પાકી કેરીનો પલ્પ-1 કપ, મોળું દહીં-1 કપ, ખાંડ-1 ચમચી, કાજુ-4થી 5 નંગ, આઈસ ક્યુબ-જરૂર મુજબ
ગાર્નિશ માટે: મેંગો આઇસ્ક્રીમ-1 સ્કૂપ, પાકી કેરીનો પલ્પ-1 ચમચી, ડ્રાયફ્રુટ કતરણ
રીત મિક્સર જારમાં પાકી કેરીનો પલ્પ, દહીં, ખાંડ, કાજુ અને આઈસ કયુબ ઉમેરી ક્રશ કરી લો. હેન્ડ બીટરનો ઉપયોગ ન કરશો, તેનાથી લસ્સી પાતળી બનશે. આઈસ ક્યુબ અને કાજુ ઉમેરવા પણ જરૂરી છે જેથી ઘટ્ટ અને ક્રીમી લસ્સી તૈયાર થશે. તૈયાર થયેલી લસ્સીને સર્વિંગ ગ્લાસમાં રેડી ઉપરથી કેરીનો પલ્પ રેડો. હવે મેંગો આઈસ્ક્રીમનો સ્કૂપ મૂકી ડ્રાયફ્રુટ કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. કેસર પિસ્તા લસ્સી સામગ્રી દહીં-2 કપ, પિસ્તા-10થી 15, કાજુ-8થી 10, બદામ-8થી 10, સાકર-5થી 6 ટુકડા, કેસર-પા ચમચી, ઈલાયચી પાઉડર-પા ચમચી, ફ્રેશ ક્રીમ કે મલાઈ-3 ચમચી, પિસ્તા કતરણ-2 ચમચી, આઈસ ક્યુબ-4થી 5
રીત કેસરના તાંતણાને પાણીમાં થોડીવાર પલાળી રાખવું. મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા,સાકર અને ઈલાયચી પાઉડરને સરસ ક્રશ કરો. હવે દહીં, આઈસ ક્યુબ અને ફ્રેશ ક્રીમ કે પછી મલાઈ ઉમેરીને ચર્ન કરો. આ દહીંમાં કેસરને તેના પાણી સાથે ઉમેરી સારી રીતે મિક્સ કરો. તૈયાર થયેલી લસ્સીને સર્વિંગ ગ્લાસમાં રેડી ઈલાયચી પાઉડર, પિસ્તા કતરણ અને કેસરના તાંતણા વડે ગાર્નિશ કરીને ચિલ્ડ સર્વ કરો. મિક્સ ફ્રૂટ સ્મુધી બાઉલ સામગ્રી દહીં-1 કપ, દૂધ-પા કપ, ઓટ્સ-2 ચમચી, મધ-2 ચમચી, મિક્સ સીડ્સ-1 ચમચી, પલાળેલા ચિયા સીડ્સ-1 ચમચી, લાંબી સમારેલી બદામ-2 ચમચી, અખરોટના ટુકડા-2 ચમચી, કાળી દ્રાક્ષ-1 ચમચી, સૂકા નાળિયેરની સ્લાઈસ-2 ચમચી, તમારી પસંદના સમારેલા ફ્રૂટ્સ-1 કપ
રીત સૌપ્રથમ કોઈ એક ફળ જે તમને વધુ ભાવતું હોય તેનો પલ્પ તૈયાર કરી લો. આ પલ્પની સાથે દહીંને સારી રીતે ફેંટો. ઓટ્સને દૂધમાં અડધો કલાક પલાળી રાખવાના છે. હવે પહોળા સર્વિંગ બાઉલમાં દહીંને પાથરો. તેની ઉપર એક પછી એક વસ્તુને બાજુ બાજુમાં મુકતા જવાની છે. પલળેલાં ઓટ્સ, મિક્સ સીડ્સ, ડ્રાયફ્રુટ, કાળી દ્રાક્ષ, ચિયા સીડ્સ, નાળિયેરની સ્લાઈસ અને દરેક ફળને સરસ રીતે ગોઠવો. આ બાઉલ તમે તમારી ક્રિએટિવિટી મુજબ સજાવી શકો છો અને તમારી પસંદની અન્ય સામગ્રી તથા ફળો પણ ઉમેરી શકો છો. અંતમાં મધ રેડી હેલ્ધી સ્મુધી બાઉલને ઠંડો કરી તેનો આનંદ માણો. ગરમીના દિવસોમાં બપોરના ભોજન તરીકે પણ આ બાઉલ ખાઈ શકાય, પેટ પણ ભરાશે અને આરોગ્ય પણ સચવાશે. કાકડીનું રાયતું સામગ્રી કાકડી-1 નંગ, દહીં-1 કપ, સમારેલી કોથમીર-1 ચમચી, સમારેલો ફુદીનો-1 ચમચી, સમારેલું લીલું મરચું-1 નંગ, સીંગદાણા-1 ચમચી, રાઈ-પા ચમચી, જીરું-પા ચમચી, મરી પાઉડર-પા ચમચી, જીરું પાઉડર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લીમડો-2થી 3 પાન, તેલ-1 ચમચી
રીત દહીંને વલોવી તેમાં મીઠું, જીરું પાઉડર, મરી પાઉડર અને લીલું મરચું મિક્સ કરો. હવે છીણેલી કાકડી, કોથમીર અને ફુદીનો મિક્સ કરો. સીંગદાણાને કોરા શેકી અધકચરા ક્રશ કરી લો. વઘારિયામાં તેલ મૂકી રાઈ, જીરું, લીમડાનો વઘાર કરી તેમાં સીંગદાણા સાંતળો. તૈયાર થયેલા વઘારને રાયતામાં મિક્સ કરો. સીંગદાણાનો ક્રન્ચ અને વઘારથી આ રાયતાનો સ્વાદ ખૂબ સારો લાગશે.
Read Original Article →