મીઠી મૂંઝવણ:સાસરિયાએ કહ્યું હતું કે લગ્ન પછી અભ્યાસ કરું તો વાંધો નથી, હવે કહે છે અભ્યાસ કરવાની જરૂર નથી

Magazine4/7/2026, 1:35:00 AM
મીઠી મૂંઝવણ:સાસરિયાએ કહ્યું હતું કે લગ્ન પછી અભ્યાસ કરું તો વાંધો નથી, હવે કહે છે અભ્યાસ કરવાની જરૂર નથી
મોહિની મહેતા પ્રશ્ન: મારી ઉંમર 26 વર્ષ છે. મને શારીરિક સંબંધ બાંધવાની ખૂબ ઈચ્છા થાય છે. પ્રેમ અને હૂંફ મળે તેવી ઈચ્છા છે, મારા મોટા ભાઈ લગ્ન થઈ ગયા છે અને બે બહેનોનાં લગ્ન બાકી છે. મારી કોઈ મહિલામિત્રો નથી, માસ્ટરબેટ કરું છું. વધુ સમય રાહ જોઈ શકું તેવું લાગતું નથી. મારી સમસ્યાનો ઉકેલ આપશો. { એક યુવાન ઉત્તર: તમને શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા થવા પાછળનું કારણ તમારા શરીરમાં જાતીય હોર્મોન્સના સ્રાવનું પ્રમાણ છે. તમે માસ્ટરબેશન કરો છો, એથી તમારી ઇચ્છાપૂર્તિ તો થઇ જાય છે. તમને જો લાગતું હોય કે શારીરિક સંબંધ બાંધ્યા વિના નહીં જ ચાલે, તો તમારાં માતા-પિતાને વાત કરો અને તેમને તમારા માટે યોગ્ય પાત્ર શોધવા જણાવો. પ્રશ્ન: હું 22 વર્ષની છું. મારાં લગ્ન નથી થયા. હું એક આર્મી જવાનને છેલ્લા 7 મહિનાથી પ્રેમ કરું છું. એ પરિણીત હોવા છતાં હું એમની સાથે રહેવા ઇચ્છતી હતી, મને થોડા દિવસ પછી ખબર પડી કે એને એક છોકરી છે. એ કહે છે કે મારી પત્ની મને નથી સમજતી, જેટલી તું મને સમજે છે, મને માર્ગદર્શન આપશો. { એક યુવતી ઉત્તર: સૌથી પહેલી વાત તો એ કે તમે એક પરિણીત યુવાનને પ્રેમ કરો છો. વળી, એ પરિણીત હોવાની તમને જાણ છે અને હવે તમને ખબર પડી છે કે એ એક સંતાનનો પિતા પણ છે. પરિણીત પુરુષને પ્રેમ કરીને કંઇ મળવાનું નથી. એ તમારી સાથે લગ્ન નહીં કરે અને જે પુરુષ લગ્ન પછી તેમ જ એક દીકરીનો પિતા થઇને પણ અન્ય યુવતી સાથે સંબંધ રાખે તે કેટલો વિશ્વાસપાત્ર હોય તે તમે સમજી શકો છો. તમારા માટે સારું તો એ જ રહેશે કે તમે એ યુવાન સાથેના સંબંધમાં આગળ ન વધતાં તમારાં માતા-પિતા જે પાત્ર શોધે તેની સાથે લગ્ન કરી લો, કેમ કે આ રીતે તમારા સંબંધને કોઇ નામ કે માન્યતા મળવાની કોઇ સંભાવના નથી. પ્રશ્ન: મારે બે દીકરીઓ છે અને પતિના અવસાનને 6 વર્ષ થયાં છે. મારી બંને દીકરીઓ પરિણીત છે. હું ભાડાના મકાનમાં રહું છું. અત્યાર સુધી દીકરીઓ મને મદદ કરતી હતી, પણ હવે બંનેએ મને મદદ કરવાની ના કહી દીધી છે અને તેમનું કહેવું છે કે હું કોઇ સંસ્થામાં જઇને રહું. મેં બ્યૂટીપાર્લરમાં જોબ પણ કરી છે. માર્ગદર્શન આપશો. { એક મહિલા ઉત્તર: તમે એકલાં રહીને પણ જે રીતે તમારું જીવન જીવ્યાં છો, એ બિરદાવવા લાયક બાબત છે. તમારે નાસીપાસ થવાની જરૂર નથી. તમે બ્યૂટીપાર્લરમાં જોબ કરી છે. તમે કોઇ પાર્લરમાં જોબ મળે તેમ હોય તો પ્રયત્ન કરી જુઓ. જો જોબ ન મળે તો હવે તો ઘણી મહિલાઓ હોમ સર્વિસ પણ આપતી હોય છે. એ રીતે તમે પણ થોડીઘણી આવક મેળવી શકો છો. કોઇ સંસ્થામાં જઇને રહેવાને બદલે તમે એકાદ રૂમ-રસોડું જે તમારા બજેટમાં આવતું હોય, તે ભાડે લઇને ત્યાં રહી શકો છો. પ્રશ્ન: મારાં લગ્ન થયાં ત્યારે મારે કોલેજના છેલ્લાં વર્ષની પરીક્ષા આપવાની બાકી હતી. મારા સાસરિયાએ કહ્યું હતું કે લગ્ન પછી હું કોલેજનો અભ્યાસ પૂરો કરું તો તેમને વાંધો નથી. હવે લગ્નને બે વર્ષ થઇ જવા છતાં મારો અભ્યાસ અધૂરો જ છે. મારા પતિ પણ કંઇ કહેતા નથી. હું એમને ઘણી વાર કહું છું કે મારો અભ્યાસ પૂરો કરવો છે, તો એ કહે છે કે હવે અભ્યાસ કરવાની જરૂર નથી. મારે શું કરવું? { એક મહિલા ઉત્તર: તમારાં માતા-પિતાએ તમારાં લગ્ન કરવા માટે થોડી ઉતાવળ કરી નાખી. જો થોડો સમય રાહ જોઇને તમારો અભ્યાસ પૂરો થવા દીધો હોત, તો સારું થાત. તમારા સાસરિયાંએ જ્યારે તમને કહ્યું હતું કે તમે લગ્ન પછી અભ્યાસ પૂરો કરશો તો તેમને વાંધો નથી, તો તમારે લગ્ન પછી તરત જ આ બાબતે ધ્યાન આપવાની જરૂર હતી. અભ્યાસ પૂરો કરવાની ઈચ્છા ધરાવવી એમાં કંઈ ખોટું નથી, એ તમારો હક પણ છે. તમે મક્કમતાથી પરિવાર અને પતિ સાથે આ બાબતે વાત કરો. તમે તમારી અનુકુળતા મુજબ અભ્યાસ શરૂ કરો. રેગ્યુલર કે પછી એક્સટર્નલ વિદ્યાર્થિની તરીકે પરીક્ષા આપીને ડિગ્રી સર્ટિફિકેટ મેળવી શકો છો. પ્રશ્ન: મેં લવમેરેજ કર્યાં છે. પત્નીનો સ્વભાવ ખૂબ સારો છે, પરંતુ માતા-પિતા તેનાથી નાખુશ રહે છે. એથી મારી પત્નીનું કહેવું છે કે આપણે અલગ રહેવા જઇએ. જ્યારે મારી ઇચ્છા માતા-પિતા સાથે જ રહેવાની છે.{ એક પુરુષ ઉત્તર: તમે લવમેરેજ કર્યાં છે, તે માટે માતા-પિતાની મંજૂરી લીધી હતી ખરી? બનવાજોગ છે કે જે યુવતી સાથે તમે લગ્ન કર્યાં છે, તે તેમને નાપસંદ હોય અને એ કારણસર તેઓ તમારાં પત્નીથી નાખુશ રહેતાં હોય. તમારાં પત્ની અલગ રહેવા જવાની વાત કરે છે, પરંતુ તેમણે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો કે સાસુ-સસરા કેમ નાખુશ રહે છે? તમે તમારી ઇચ્છા તેમને જણાવો. તમારાં માતા-પિતા સાથે પણ આ અંગે વાત કરો.
Read Original Article →