ખોબામાં દરિયો:ગોડ ઈઝ ગ્રેટ

Magazine4/21/2026, 12:35:00 AM
ખોબામાં દરિયો:ગોડ ઈઝ ગ્રેટ
રેખાબા સરવૈયા હોસ્પિટલનાં રીસેપ્શન કાઉન્ટર પર બેઠેલી નર્સનો ચહેરો કેટલો ભાવશૂન્ય હતો!!! અમૂલેએ નોંધ્યું સાથે જ એ બોલી હતી એ ફરી એકવાર એના કાનમાં પડઘાયું. તહેવારોનાં દિવસો છે છતાંય આતો અર્ધી રાત ડોક્ટર મળવા જ કઠણ, યૂ આર લકી મેન કે ડો. અવેલેબલ છે. અમૂલને અમથું–અમથું હસવું આવ્યું. નર્સની વાતથી, એ પણ વિચારવા માંડયો કે પપ્પાની તબિયત ખરાબ થઈ અને આ નર્સ પોતાને કહે છે કે ‘યૂ આર લકી મેન, કઈ રીતે? - નર્સ જાણે કે ઉપકાર કરી રહી હોય એવું એનું વર્તન હતું. અમૂલની વિચારમાળા તૂટી પડી. કાઉન્ટર પરની નર્સ અમૂલને કંઈક કહી રહી હતી. કદાચ એણે અમૂલને બે વાર બોલાવવો પડયો એટલે એના કપાળ પરની કરચલીઓ થોડીક ચીડ સાથે તંગ થઈ હતી અને એના અવાજમાં એક જાતની કર્કશતા ઉતરી આવી હતી. અમૂલ ઝડપથી રિસેપ્શન પાસે ગયો. ‘જુઓ ભાઈ, ડોકટર પોતાનાં ડીયર ને નિયર ફ્રેન્ડની પાર્ટી મૂકીને પેશન્ટને તપાસવા માટે આવી રહ્યા છે બટ યૂ નો વેરી વેલ કે ચાર્જ તમારે પહેલા ચૂકવવો પડશે. એક તો તહેવાર, એમાંય અર્ધી રાત અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ.... ડોકટર પહોંચે એ પેલા કાઉન્ટર પર અમાઉન્ટ પહોંચાડી દો તમે એટલે તુરત જ પેશન્ટને શિફ્ટ કરી દઈએ... નાઉ યૂ મે ગો એન્ડ પ્રિપેર ધ અરેન્જમેન્ટ....’ પપ્પાને અર્ધી રાતે અચાનક જ છાતીનો દુઃખાવો ઉપડયો હતો. ગભરાયેલી મા અને અમૂલ સમય ગુમાવ્યા વગર જ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. એક બાજુ લોબીમાં સ્ટ્રેચર પર પરસેવે રેબઝેબ તરફડતાં પપ્પા અને બીજી બાજુ કાઉન્ટર પર બેઠેલી નર્સ. અમૂલે ઝડપથી પોતાનાં ખિસ્સા, વોલેટ અને માનું પર્સ બધું જ કાઉન્ટર પર મૂકયા અને લગભગ ખાલી કરી નાખ્યા. પપ્પાને ઝડપથી સારવાર મળતી થાય એવી એણે નર્સને આજીજી પણ કરી. પપ્પાને આઈ. સી. યુ. માં શિફટ કરવાનો આદેશ આપીને નર્સ રકમ ગણવામાં પડી. આખા માહોલમાં ફીનાઈલની વાસ અને ઉદાસી ભળી ગયા હતાં. બાંકડા પર ઢગલો થઈને બેઠેલી મા બંધ આંખે હોઠ ફફડાવીને ઈશ્વરને પ્રાર્થનાં કરી રહી હતી એનાં ગાલ ભીના હતા. નીકળતી વખતે ઉતાવળે અમૂલે પોતાનું એ.ટી.એમ. કાર્ડ ખિસ્સામાં લઈ લીધું હતું એ પછી ખૂટતી રકમ માટે એણે એક નિકટનાં મિત્રને ફોન કરેલો. માના ખભાને થપકાવી, મૂંગુ આશ્વાસન આપી એ ડોકટરની ચેમ્બર તરફ સરકી ગયો. ડોકટર પોતાની રિવોલ્વિગ ચેર પર ધૂમતાં-ધૂમતાં રમતિયાળ સ્વરે વાત કરી રહયાં હતાં ‘ડોન્ટ વરી ડાર્લીગ તારી ફોરેન ટ્રીપ કન્ફર્મ... અરે, જેટલી અમાઉન્ટ ખૂટતી હતી એ પણ અત્યાર ઓલમોસ્ટ અરેન્જ થઈ જશે ડીયર, રીયલી... ગોડ ઈઝ ગ્રેટ એક પેશન્ટ એડમિટ થયો છે, નો... નો... ડીયર... નો હાર્ટ એટેક, નો સિરિયસ કેસ, જસ્ટ સિક્સટી પ્લસ એજ હેડ ઓફ ફેમિલી છે, પેટમાં અવળો ગેસ ભરાયો છે, યા... યા.... માય ડીયર... યૂ પ્રિપેર યોર ફોરેન ટ્રિપ.’ હો.... હો.... કરતાક ને વાત પૂરી કરતાની સાથે જ ડોકટરએ ચેરને એકદમ ધૂમાવી. ડોકટરની વાત સાંભળીને સ્તબ્ધ થયેલો અમૂલ જાણે પૂતળું! અર્ધીરાતે પોતાની ચેમ્બરમાં આ તે આવી ઉભેલ આ અજાણ્યા માણસને જોઈને એણે અણગમાભર્યા સ્વરે પૂછયું: ‘યેસ..?’ વળતી ક્ષણે અમૂલ વીજળી વેગે ડોકટરની ચેમ્બરમાંથી બહાર દોડી ગયો. હિંમત ખોઈ બેઠેલી મા પાસે પહોંચીને એણે ખભામાંથી માને હલબલાવીને ભીના સ્વરે કહયું : ‘મા, તારી પ્રાર્થના ફળી... ચાલ, આપણે પપ્પાને હમણાં જ ઘરે લઈ જઈ શકીશું. પપ્પાને કંઈ જ નથી થયું મા…’ પ્રેમ અને નિરાંતનાં આવેગથી એ એકદમ જ મા ને ભેટી પડયો. માના કાન પાસે મોં કરીને ઉષ્મા ભર્યા સ્વરે બોલ્યો: ટ્રસ્ટ મી મા... રિયલી… ઈટસ હેપન્ડ… બી કોઝ ગોડ ઈઝ ગ્રેટ! મા પોતે જે કંઈ સાંભળી રહી હતી એના પર વિશ્વાસ ન બેસતો હોય એમ એ દીકરા સામે શંકાભરી નજરે જોઈ રહી.
Read Original Article →