એકબીજાને ગમતાં રહીએ:વ્યક્તિગત પૂર્ણત્વનું પહેલું પગથિયું: વાંચન અને વિચાર
સામાન્ય રીતે ઘરમાં કોઈ ગુજરી જાય ત્યારે ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે છે. ‘ગીતા’ શબ્દને ઊંધો વાંચીએ તો તાગી-ત્યાગી સમજાય છે. જે સહુ વિષયો અને લાલચ, મોહનો ત્યાગ કરી શકે એ જ ગીતાને સમજી શકે એમ માનવામાં આવે છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સાદો સંબંધ ભગવદ્ ગીતા વાંચવાથી સમજાય છે.
હિન્દુધર્મનો ઈતિહાસ પાંચ હજાર વર્ષ સુધી ફેલાયેલો છે. સિંધુકાળ, વૈદિકકાળ, ઉપનિષદકાળ, બૌદ્ધધર્મકાળ, પૌરાણિકકાળ, ભક્તિકાળ, પ્રાચ્યકાળથી આધુનિક કાળ સુધીના આ પ્રવાસને જુદા જુદા લોકોએ જુદી જુદી રીતે આપણી સમક્ષ મૂક્યો છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે ભગવદ્ ગીતાને કોઈ ધર્મ કે ભક્તિ સાથે જોડવાને બદલે યુદ્ધના મેદાનમાં મુકવામાં આવી છે. જીવન સાથે જોડાયેલા કેટલાક યથાર્થ અને અનિવાર્ય સત્યોને જનસામાન્યની સામે મૂકવાનો ઉદ્દેશ્ય ભગવદ્ ગીતા સાથે જોડાયેલો છે.
ભાગવાથી, આંખો મીંચી લેવાથી કે સત્યને નકારી દેવાથી જીવી શકાતું નથી એ વાત ભગવદ્ ગીતા સમજાવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં કોઈ ન્યાયનો દિવસ (અરબીમાં જેમાં કયામત છે) નથી. હિન્દુ ધર્મનો ઈશ્વર નિર્ણય નથી કરતો, હિસાબ કરે છે. આપણે જે ડિપોઝિટ મૂકીએ એનું વ્યાજ આપણને મળે-અને જે ઉપાડ કરીએ તે ચૂકવવો પડે એવો સાદો કર્મનો હિસાબ ગીતા સમજાવે છે. ઈશ્વર માત્ર સર્જનહાર છે, પાલન કરે છે અને અંતે વિસર્જન કરે છે.
સર્જન અને વિસર્જનની વચ્ચેના સમયમાં માણસ જે કંઈ કરે છે એનું પરિણામ એને જાતે ભોગવવું પડે છે, એ વાત સરળતાથી સમજવી હોય તો ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. અનેક મહાનુભાવોએ ભગવદ્ ગીતા પર ઉત્તમ પુસ્તકો આપ્યા છે.
લોકમાન્ય તિળકના ‘ગીતા રહસ્ય’, ગુણવંત શાહના ‘ઘરે ઘરે ગીતામૃત’, રવિશંકર મહારાજની ‘ગીતા બોધવાણી’, વિનોબાની ‘ગીતાઈ ચિંતનિકા’, સ્વામિ સચ્ચિદાનંદની ‘ગીતા અને આપણા પ્રશ્નો’, ઓશો રજનીશની ‘ગીતા દર્શન’, દેવદત્ત પટનાયકની ‘મેરી ગીતા’, હરીભાઈ કોઠારીની ‘ગીતા જ્ઞાનામૃત’, ગાંધીજીની ‘અનાસક્તિ યોગ’, પુનિત મહારાજની ‘ગીતામૃત’, કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળાની ‘ગીતા મંથન’, હીરાભાઈ ઠક્કરના પુસ્તક ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા ભાવાર્થ’, મોરારજી દેસાઈના પુસ્તક ‘ગીતાઃ એક અનુશીલન’, આદિ શંકરાચાર્યના પુસ્તક ‘શાંકરભાષ્ય’, જ્ઞાનેશ્વરજીનું પુસ્તક ‘જ્ઞાનેશ્વરી ગીતા’, ડૉ. રાધાકૃષ્ણનના પુસ્તક ‘ભગવદ્ ગીતા’, ક. મા. મુનશીનું પુસ્તક ‘ભગવદ્ ગીતા અને અર્વાચીન જીવન’ અને દેવેન્દ્રકુમાર દેસાઈએ સંપાદિત કરેલા પુસ્તક, જેમાં એકવીસ મહાન વિચારકોએ ગીતાના સાંખ્યયોગ પર પોતાના વિચારો પ્રગટ કર્યા છે એ... આવાં તો અનેક પુસ્તકોની વાત થઈ શકે, પરંતુ આપણે મૂળ ગીતા જ જાણતા નથી, તો ભાષ્યો કે સમજણની વાત તો ક્યાંથી થઈ શકે?
ભારતીય તરીકે આપણો પ્રશ્ન એ છે કે આપણે આપણી જાતને ભારતીય કે હિન્દુ કહેતા હોઈએ તો ધર્મ કે ધાર્મિક પુસ્તકો અને ફિલોસોફી વિશે શું જાણીએ છીએ? મોબ લિંચિંગ કરીને પરાણે ભગવાનનું નામ બોલવાની ફરજ પાડતા કે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ કરતા લોકો, ધર્મ અને સંસ્કૃતિના નામે કોઈની દુકાન તોડતા કે અંધારા ખૂણામાં બેઠેલા કોઈ પ્રેમીઓને મારતા-લૂંટતા લોકો શું ખરેખર ધર્મ જાણે છે? સમજે છે? ભગવાં પહેરવાથી કે કથા-પારાયણ કરવાથી ધર્મ સમજાઈ જાય છે? મોટી-મોટી વાતો કરવાથી કે શાસ્ત્રોમાં રહેલા જ્ઞાનને પોપટની જેમ ફરી ફરીને રીપીટ કરવાથી આપણે આપણી જાતને ધાર્મિક સાબિત કરી શકીશું?
ભગવદ્ ગીતા કહે છે, “સ્વધર્મે નિધનં શ્રેયમ્, પરધર્મો ભયાવહ.” પોતાના ધર્મ માટે મૃત્યુ પામવું પણ શ્રેયકર છે. જ્યારે અન્યનો ધર્મ ભયજનક છે. આનો અર્થ શું? ધર્મ અનાદિકાળથી આપણા વર્તમાન અને ભાવિનું નિર્માણ કરતો આવ્યો છે. ભારતવર્ષનો ઈતિહાસ ધર્મના પાયા પર ટક્યો છે. પ્રણાલિકા, રૂઢિઓ, પરંપરાને ખરેખર ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી. આ તો બધાં ભાષ્યો છે, જે સમય સાથે આવ્યા અને વિલિન થઈ ગયા.
જે ટકી રહ્યો છે (ધારયતિ ઈતિ ધર્મ) જે ધારણ કરે છે તે ધર્મ કયો છે? આ રીલીજીયન નથી-અમુક માણસોએ નક્કી કરેલા નિયમો, મતો કે વિધિ-વિધાનનો અર્થ ધર્મ નથી જ. ધર્મ અવ્યક્ત છે, અનાદિ છે, અનંત છે. પરિવર્તન અથવા વિકાસનો નિયમ ધર્મને પણ લાગુ પડે છે. જ્યાં ધર્મ છે, ત્યાં જાતિ, જ્ઞાતિ, દેશ, કાળ કે માણસના બનાવેલા કાચા નિયમોના બંધનો ટકતા નથી. જ્યાં ધર્મ નથી, ત્યાં અધર્મ છે. (જેમ અજવાળું નથી ત્યાં અંધારું બાય ડિફોલ્ટ હોય એવી રીતે) ધર્મ સત્ય છે અને સત્યને કોઈ બાંધછોડ ખપતી નથી. (ટ્રુથ ઈઝ નોટ નેગોશિયેબલ) જે લોકો પોતાની જાતને ‘નાસ્તિક’ કહે છે, એ ધાર્મિક નથી એવું માનવાની જરૂર નથી...
ઈશ્વરના સ્વરૂપમાં કે અસ્તિત્વમાં નહીં માનનારી વ્યક્તિ પણ પોતાના ધર્મને-માણસ તરીકેના, વ્યક્તિ તરીકેના મૂળ ધર્મને માને, માની શકે. (કોર વેલ્યુઝ એ મૂળ નીતિમત્તા સાથે જોડાયેલી બાબત છે. એને રીલીજીયન સાથે કે ભગવાન સાથે સંબંધ નથી.)(અનુસંધાન પાનાં 11 પર)
Read Original Article →