મીઠી મૂંઝવણ:પરિચિતો ઘણી વાર મારી પાસે રૂપિયા માગે છે, પરંતુ એ જ લોકો મને જરૂર હોય તો મદદરૂપ થતા નથી
મોહિની મહેતા પ્રશ્ન: મારી સાથે કોલેજમાં અભ્યાસ કરતો યુવાન અમારા જ વિસ્તારમાં રહેતો હોવાથી ઘણી વાર મને બાઇક પર ઘરે મૂકવા આવે છે. અમારી વચ્ચે બીજો કોઇ જાતનો સંબંધ નથી. છતાં અમારા આડોશીપાડોશી અમારા વિશે ભળતી જ વાતો કરે છે અને આ કારણસર મારાં પરિવારજનોના મનમાં પણ હવે અમારા સંબંધ માટે શંકા જાગવા લાગી છે. મારે પરિવારજનોને શું કહેવું?
{ એક યુવતી
ઉત્તર: તમે બંને કોલેજમાં સાથે છો અને એક જ વિસ્તારમાં રહો છો, તો સ્વાભાવિક છે કે આવવા-જવામાં તમને બંનેને સુવિધા રહે તે માટે તમને જો એ યુવાન પોતાની બાઇક પર ઘરે મૂકવા આવે અથવા તો કોલેજ જતાં લેવા આવે, તેમાં કંઇ ખોટું નથી. આ રીતે તમે પણ એકલાં કોલેજ જવા-આવવાની સમસ્યાથી બચી શકો છો. હવે તમારા સંબંધની વાત કરીએ, તો તમારા જણાવ્યા મુજબ તમારી વચ્ચે બીજો કોઇ જાતનો સંબંધ નથી. છતાં જો આડોશપડોશના લોકો તમારા વિશે ભળતી વાતો કરતાં હોય તો એમને કરવા દો. જ્યારે તમારા બંનેના મનમાં કોઇ જાતનું પાપ નથી તો લોકોનો વિચાર શા માટે કરવો. અલબત્ત, પરિવારજનો સમક્ષ એ સ્પષ્ટ કરી દો કે તમે માત્ર કોલેજ જવા-આવવા પૂરતા જ એ યુવાન સાથે ઓળખાણ રાખો છો. તેઓ ચોક્કસ સમજશે. પ્રશ્ન: મારો દીકરો અગિયારમા ધોરણમાં અભ્યાસ કરે છે. એ પહેલાં અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો, પણ દસમામાં પાસ થયા પછી હવે એ અભ્યાસમાં પહેલાં જેવો રહ્યો જ નથી. હવે એ સતત સોશિયલ મીડિયા, મોબાઇલ, ટી.વી. વગેરે પાછળ ઘણો સમય પસાર કરે છે. મને ચિંતા થાય છે કે એ આવતા વર્ષે બારમા ધોરણમાં આવશે અને સારા માર્ક્સ નહીં આવે, તો શું થશે? એને કઇ રીતે સમજાવવો? { એક મહિલા
ઉત્તર: તમારો દીકરો અગિયારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને મોટા ભાગના અન્ય કિશોરોની જેમ એ પણ માની બેઠો લાગે છે કે અગિયારમા ધોરણમાં તો બધાને પાસ જ કરી દેતા હોય છે. આ કારણસર એને સોશિયલ મીડિયા, મોબાઇલ કે ટી.વી. પાછળ વધારે ધ્યાન આપતો હોય. તમે એને પ્રેમથી સમજાવો કે ભલે અગિયારમા ધોરણમાં સામાન્ય રીતે બધાને પાસ કરી દેવામાં આવતા હોય, તો પણ એ આ રીતે પોતાનો સમય વેડફે. તમે એના તમામ કાર્યો માટેનો સમય નિશ્ચિત કરી દો. સોશિયલ મીડિયા, મોબાઇલ વગેરેનો સમય નિશ્ચિત કરી દો. એ પછી એણે અભ્યાસ ન કરવો હોય, તો બહાર જઇને ભલે રમે અથવા મિત્રો સાથે સમય વિતાવે, પણ સોશિયલ મીડિયા અને મોબાઇલનું નામ પણ નહીં લેવાનું. તમે થોડું કડક વલણ દાથલશો, તો એનામાં જરૂર પરિવર્તન જોવા મળશે. પ્રશ્ન: અમે છેલ્લા એક-દોઢ વર્ષથી ગામડેથી શહેરમાં રહેવા આવ્યાં છીએ. મારો મોટો દીકરો કોલેજમાં ભણે છે. છેલ્લા કેટલાક મહિનાથી એ જુગાર રમવા લાગ્યો છે અને એમાં લગભગ દસેક લાખ જેટલું દેવું થઇ ગયું છે. મેં મારી બંગડીઓ ગીરવે મૂકીને એને થોડાઘણા રૂપિયા આપ્યા. એને સમજાવ્યો પણ ખરો, પરંતુ એ કોઇ વાત માનવા તૈયાર નથી. શું કરવું? { એક મહિલા
ઉત્તર: તમે ગામડેથી શહેરમાં રહેવા આવ્યા છો. તમારો દીકરો કોલેજમાં મળતી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યો છે. તમે એના મિત્રો કોણ છે, તે પહેલાં તપાસ કરો. એના મિત્રવર્તુળમાં કોઇને આ રીતે જુગાર રમવાની ટેવ હોય અને તમારા લખાણ પરથી ખ્યાલ આવે છે કે તમારા દીકરાને જુગાર રમવાની લત લાગી ગઇ છે અને તમે એણે કરેલા દેવાની રકમની થોડીઘણી ચૂકવણી કરી છે, પરંતુ આ ઉકેલ નથી. તમે એને સમજાવ્યો તો પણ એનામાં કંઇ સુધારો નથી તો હવે એના તરફ કડક વલણ દાખવો અને એને કહો કે આ કુટેવ જો એ નહીં છોડે તો તમે એને ઘરમાં નહીં રહેવા દો અને એનું દેવું પણ એણે જ ચૂકવવાનું રહેશે. જો થોડી ધાકધમકી આપશો, તો બનવાજોગ છે કે એનામાં થોડું પરિવર્તન આવે. પ્રશ્ન: હું સિંગલ વર્કિંગ વુમન છું. મારા કેટલાક પરિચિતોને ખ્યાલ છે કે હું સિંગલ છું અને આર્થિક રીતે પગભર છું તેથી તેઓ ઘણી વાર મારી પાસે રૂપિયા માગે છે અને કેટલાક તો ઘરમાંથી જરૂરી હોય એવી વસ્તુઓ પણ લઇ જાય છે. હું સંબંધનો વિચાર કરીને કંઇ કહેતી નથી, પરંતુ એ જ લોકો મને જરૂર હોય તો મદદરૂપ થતા નથી. મારે શું કરવું?
{ એક યુવતી
ઉત્તર: તમે સિંગલ છો, તેથી તેઓ તમારો લાભ લે છે. છતાં તમને જ્યારે જરૂર હોય ત્યારે તેઓ તમને મદદરૂપ થતા નથી. તમે સંબંધનો વિચાર કરીને કંઇ કહેતા નથી, પરંતુ આવો એકતરફી સંબંધનો શો અર્થ કે કોઇ તમારી પાસેથી લાભ મેળવે, પણ તમને મદદરૂપ ન થાય. આવા સંબંધોનો કોઇ અર્થ નથી. તમે કંઇ બોલતા નથી, તેથી તેમને ફાવતું મળે છે. એકાદ-બે વાર જ્યારે તેઓ કોઇ વસ્તુ કે રૂપિયાની માગણી કરે ત્યારે તેમને સ્પષ્ટ શબ્દોમાં ના કહી દો. સંબંધોનો વિચાર કરવા ન રહેશો, કેમ કે એ લોકો તમને ઉપયોગી તો થતા જ નથી. માટે જો તેમને ખરાબ લાગે તો ભલે, પણ સ્પષ્ટ ના કહી દેતાં શીખો.
Read Original Article →