રસથાળ:બહારની કુલ્ફી ભૂલી જશો, જ્યારે ઘરે બનાવશો ફ્રૂટ કુલ્ફી

Magazine4/21/2026, 12:35:00 AM
રસથાળ:બહારની કુલ્ફી ભૂલી જશો, જ્યારે ઘરે બનાવશો ફ્રૂટ કુલ્ફી
ઉનાળાની ગરમીમાં જો ઘરની બનેલી કુલ્ફી મળી જાય તો! કુલ્ફી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. તમે તમારી પસંદગી મુજબ ફલેવરમાં પણ બનાવી શકો છો. બાળકોને પણ તેમાં સાથે રાખી શકો છો. કુલ્ફી મિશ્રણને મિક્સ કરવા કે મોલ્ડમાં ભરવા જેવા કામ બાળકો માટે એક મનોરંજક પ્રવૃત્તિ બની જશે અને હોંશે-હોંશે ખાશે પણ ખરા. મેંગો કુલ્ફી સામગ્રી પાકી કેરી-2 નંગ, દૂધ-2 કપ, મિલ્ક પાઉડર-4 ચમચી, ખાંડ-4 ચમચી, મોળો માવો-પા કપ, ઝીણી સમારેલી પાકી કેરી-અડધો કપ રીત સૌપ્રથમ પાકી કેરીનો પાણી વગર પલ્પ તૈયાર કરી ફ્રિજમાં મૂકી દો. હવે દૂધને ઉકાળવા મૂકવું. એક વાડકીમાં થોડું ઠંડું દૂધ લઈ તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરી લો. આ મિશ્રણને ઉકળતા દૂધમાં રેડો. સતત હલાવતા જવાનું છે. હવે તેમાં ખાંડ અને મોળો માવો મસળીને ઉમેરો. સતત હલાવતા રહેવાથી થોડીવારમાં મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. ગેસ બંધ કરી દૂધને ઠંડું પડવા મૂકવું. દૂધ સંપૂર્ણ ઠંડું હોય ત્યારે તેની અંદર પાકી કેરીનો પલ્પ સારી રીતે મિક્સ કરી લો. સમારેલી કેરીના ટુકડા ઉમેરી કુલ્ફી મોલ્ડમાં મિશ્રણને રેડી 7થી 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. ઈચ્છો તો થોડું મેંગો એસન્સ મિક્સ કરી શકાય. જામફળ કુલ્ફી સામગ્રી લાલ જામફળ-5 નંગ, કન્ડેન્સ્ડ મિલ્ક-અડધો કપ, ઘરની તાજી મલાઇ-અડધો કપ, મિલ્ક પાઉડર-અડધો કપ, બૂરું ખાંડ-અડધો કપ, મીઠું+લાલ મરચું-ઉપર છાંટવા માટે રીત જામફળના ટુક્ડા કરી પાણી વગર જ મિક્સરમાં ક્રશ કરી ગાળી લો. જામફળના પલ્પમાં મલાઇ, ક્ન્ડેન્સ્ડ મિલ્ક, મિલ્ક પાઉડર, બૂરું ખાંડ ઉમેરી સારી રીતે ફેંટી લો. કુલ્ફી મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં 6-7 કલાક સેટ થવા મુકો. કુલ્ફી સેટ થઈ જાય એટલે અનમોલ્ડ કરી તેની ઉપર થોડું મીઠું-લાલ મરચું ભભરાવી સર્વ કરો. ચીકુ ચોકલેટ કુલ્ફી સામગ્રી દૂધ-અડધો લિટર, મિલ્ક પાઉડર-4 ચમચી, કોર્ન ફ્લોર-2 ચમચી, ખાંડ-અડધો કપ, ચીકુ પલ્પ-2 કપ, કોકો પાઉડર-2 ચમચી, ડાર્ક ચોકલેટ-પા કપ, ઝીણા સમારેલા કાજુ-પા કપ રીત સૌ પ્રથમ દૂધમાંથી એક કપ જેટલું દૂધ અલગ લઈ તેને બે વાડકીમાં અડધું કરો. એક બભાગમાં કોર્નફ્લોર અને અન્યમાં મિલ્ક પાઉડર મિક્સ કરો. હવે બાકીના દૂધને ગરમ થવા મુકો. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી મિલ્ક પાઉડરવાળું દૂધ ઉમેરી સરસ મિક્સ કરી લો. હવે તેમાં ખાંડ અને કોર્નફ્લૉરવાળું દૂધ રેડો. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે આ દૂધને ઠંડું થવા દો. ઠંડાં થયેલા દૂધમાં ચીકુ પલ્પ, ઝીણી સમારેલી ડાર્ક ચોકલેટ, સમારેલા કાજુ અને કોકો પાવડર ઉમેરી સારી રીતે ફેંટી લો. તૈયાર થયેલા મિશ્રણને કુલ્ફી મોલ્ડમાં રેડી 10થી 12 કલાક સેટ થવા દો. પાઈનેપલ કુલ્ફી સામગ્રી દૂધ-2 કપ, કૉનફલોર-1 ચમચી, મિલ્ક પાઉડર-2 ચમચી, ખાંડ-4 ચમચી, પાઈનેપલ પલ્પ-અડધો કપ, પાઈનેપલ ક્રશ-3 ચમચી, પાઈનેપલ એસન્સ-2 ટીપા, પીળો રંગ-ચપટી રીત દૂધની અંદર ખાંડ ઉમેરી ગરમ થવા મૂકો. અન્ય વાટકીમાં કોર્નફ્લોર અને મિલ્ક પાઉડર મિક્સ કરી મિશ્રણને ઉકળતા દૂધમાં રેડો. થોડો પીળો રંગ અને એસન્સ પણ ઉમેરી દો. દૂધ ઉકળી અને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડું થવા દો. ઠંડાં થયેલા દૂધમાં હળવા હાથે પાઈનેપલ પલ્પ અને પાઈનેપલ ક્રશ ઉમેરો. દૂધ સંપૂર્ણ ઠંડું હોય એ જરૂરી છે, જેથી દૂધ ફાટી ન જાય. હવે તૈયાર થયેલા મિશ્રણને કુલ્ફી મોલ્ડમાં રેડી 6થી 7 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. કુલ્ફી મોલ્ડના બદલે નાના પાઈનેપનને સ્કુપ કરી તેની અંદર પણ કુલ્ફીને સેટ કરી શકાય. ખૂબ ક્રિએટિવ લાગશે. મસ્કમેલન કુલ્ફી સામગ્રી દૂધ-1 લિટર, મિલ્કમેડ-2 ચમચા, ફ્રેશ ક્રીમ-2 ચમચી, ટેટીનો પલ્પ-2 કપ, ખાંડ-4 ચમચી, ઝીણી સમારેલી ટેટી-અડધો કપ રીત દૂધ ધીમા તાપે અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. એક પેનમાં ટેટીનો પલ્પ અને ખાંડ મિક્સ કરી ધીમા તાપે સાંતળો. તેમાં રહેલું પાણી ઉડી લચકા પડતો પલ્પ થાય તેને ઠંડો થવા મૂકી દો. દૂધ ઠંડું પડે એટલે મિલ્કમેડ, ક્રીમ અને ટેટીનો પલ્પ મિક્સ કરી ચાખી લો. જરૂર લાગે તો બૂરું ખાંડ ઉમેરવી. મોલ્ડમાં આ મિશ્રણ રેડી સમારેલી ટેટીના ટુકડા ઉમેરી ફ્રીઝરમાં 7થી 8 કલાક સેટ થવા મૂકી દો. મુઘલોના દરબારથી આપણા મન સુધી કુલ્ફીની સફર... કુલ્ફીનો જન્મ 16મી સદીમાં મુઘલ કાળ દરમિયાન થયો હતો. ‘કુલ્ફી’ શબ્દ પર્શિયન શબ્દ ‘કુલ્ફે’ (Qulfe) પરથી આવ્યો છે, જેનો અર્થ ‘ઢાંકણ વાળું વાસણ’ થાય છે... મુઘલ સમ્રાટો માટે બરફ અને ઘટ્ટ દૂધને જમાવી ગરમી માટે આ ઠંડી અને મીઠી વાનગી બનાવાતી. આઈસ્ક્રીમ અને કુલ્ફીમાં મુખ્ય તફાવત એ છે કે આઈસ્ક્રીમને ‘વ્હીપ’ (ફીણવા) કરવામાં આવે છે, જ્યારે કુલ્ફીને દૂધ ઉકાળીને ઘટ્ટ કરી બનાવવામાં આવે છે, જેનાથી તે વધુ મલાઈદાર બને છે. કુલ્ફી સામાન્ય આઈસ્ક્રીમ કરતા વધુ ઘટ્ટ હોવાથી તે જલ્દી ઓગળતી નથી. કુદરતી સ્વાદ પરંપરાગત રીતે કુલ્ફીમાં કેસર, ઈલાયચી, ગુલાબ-પિસ્તાનો જ ઉપયોગ થતો હતો. આજે તો ચીકુ, મેન્ગો, ચોકલેટ, પાન વગેરે જેવી ફ્લેવર પણ લોકપ્રિય છે. માટલા કુલ્ફી આજે પણ ઘણા લોકો માટીના વાસણમાં જમેલી ‘માટલા કુલ્ફી’ ખાવાનું પસંદ કરે છે કારણ કે માટીની સોડમ તેને એક અલગ જ સ્વાદ આપે છે. ક્વિક ટિપ્સ: પરફેક્ટ કુલ્ફી બનાવવા માટે… જો તમે ઘરે મલાઈદાર અને બજાર જેવી કુલ્ફી બનાવવા માગતા હોવ, તો આ ટિપ્સ ચોક્કસ અનુસરો. ફુલ ફેટ દૂધનો ઉપયોગ દૂધ જેટલું વધારે ઘટ્ટ અને મલાઈદાર હશે, કુલ્ફી એટલી જ નરમ અને ક્રીમી બનશે. ધીમી આંચ પર ઉકાળવું દૂધને ધીમી આંચ પર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થઈ જાય. દૂધમાં કુદરતી રીતે કેરામેલાઈઝ્ડ સ્વાદ આવશે. બરફના કણો રોકવા જો તમારી કુલ્ફીમાં બરફના કણો જામી જતા હોય, તો દૂધમાં થોડો કોર્નફ્લોર અથવા માવો (ખોયા) ઉમેરો. કુલ્ફી મુલાયમ બનશે. ફળો ઉમેરવાની સાચી રીત ચીકુ-કેરીની કુલ્ફી બનાવતી વખતે ફળનો પલ્પ ઉમેરો જ્યારે દૂધ ઠંડું થાય. ગરમ દૂધમાં ફળ ઉમેરવાથી દૂધ ફાટી શકે છે. ઠંડક આપવાની રીત કુલ્ફીના મોલ્ડને ફ્રીઝરમાં મુકતા પહેલા તેને એલ્યુમિનિયમ ફોઈલથી બરાબર ઢાંકી દો જેથી ઉપર બરફ ન જામી જાય.
Read Original Article →