પરખ:સાવધાન! તમારી આસપાસ પણ આવા ‘કલાકારો’ હોઈ શકે છે

Magazine5/19/2026, 12:35:00 AM
પરખ:સાવધાન! તમારી આસપાસ પણ આવા ‘કલાકારો’ હોઈ શકે છે
જયસ્વી પટેલ જીભ પર મીઠી વાતો-દિલમાં કંઈક બીજું જ રમતું હોય, એવા બનાવટી ચરિત્રવાળાથી તમે વાકેફ હશો. મળો કેટલાંક દિલચસ્પ લોકોને... 1 ઉદાર પાડોશી કેટલાંકના વ્યવહારમાં અતિ ઉદારતા જોવા મળે છે. પોતે સામેથી બીજાની મદદ કરવી, મિત્રો-સખીઓ, સગાં-સંબંધી અને પાડોશીને દરેક પ્રસંગે ભેટ આપવી એમના જીવનમાં સામેલ હોય છે. લોકો સમક્ષ સારી છબી હોવાથી લોકો મુસીબતમાં એમને જ યાદ કરે છે. બહુ ખુલ્લા દિલે બીજાંની મદદ કરનાર આ લોકોના ચહેરા પર ભલે સ્મિત હોય, પણ સ્વભાવગત મને-કમને પોતાની ઉદારતા ટકાવી રાખે છે. 2 સાચો સેલ્સમેન ખરો સેલ્સમેન એ, જે ટાલવાળાને પણ કાંસકો વેચી જાણે. પોતાની મીઠી વાણીથી બીજાને વસ્તુ ખરીદવા રાજી કરે એ જ એનું કામ છે. આંશિક જૂઠું બોલવું એ પ્રોફેશનલ જરૂરિયાત હોઇ, તેમાં કોઈ બુરાઈ પણ નથી. કોઈપણ સારો સેલ્સમેન પોતાની પ્રોડક્ટ વિશે એટલા આત્મવિશ્વાસ સાથે જૂઠું બોલે કે, લોકો તેની વાતમાં આવી જઈ તેની ચીજ-વસ્તુ ખરીદવા તૈયાર થાય છે, ભલે પછી પોતે ઠગાયાનું મહેસૂસ કરે. 3 પ્રશંસક પતિ પતિ-પત્નીના સંબંધમાં પ્યારભરી રોક-ટોક કે ફરિયાદ તો રહેવાની જ. ક્યારેક એવું જોવા મળે કે, પત્નીને પતિની કોઈ વાત ના ગમતી હોય તો બેધડક કહી દે કે પતિની ખામીઓ ગણાવવામાં પાછી પાની ના કરે. જોકે, પતિ પત્નીની બીકથી ક્યારેય તેની ભૂલ દર્શાવતો નથી. રસોઈમાં મીઠું ઓછું કે વધુ હોય, તેનો ડ્રેસ અનાકર્ષક હોય, પત્ની સામે તો પ્રશંસા જ કરે છે. ભલે તે મનોમન કંઈક બીજું વિચારતો હોય. 4 સારા કલીગ્સ દરેક ઓફિસમાં કેટલીય જાતના લોકો હોય છે, એમાં કેટલાંક તો એટલા બનાવટી હોય કે, તેમનો અસલી ચહેરો ઓળખાતો નથી. આ લોકોના વાણી-વર્તન-વ્યવહારમાં એટલી શાલીનતા હોય કે, સામેની વ્યક્તિ દિલ ખોલી પોતાના મનની વાત કરવા લાગે. આવા કલીગ્સ પોતાના સહકર્મીને કેરિયરમાં આગળ વધવાની ટિપ્સ આપે છે, પણ મનોમન બોસ સામે તેની ફરિયાદ કરવાના મૂડમાં જ હોય છે. 5 આજ્ઞાંકિત બાળકો બહારથી માસૂમ લાગતાં બાળકો અંદરથી ચાલાક હોઈ શકે છે. મોટેરાંને જોઈ જલ્દીથી દુનિયાદારીના દાવ-પેચ શીખે છે. કોણ કઈ વાતથી નારાજ થશે અને કોને પોતાની પ્રશંસા સાંભળવી ગમે છે, તે બહુ જલ્દીથી જાણી-સમજી જાય છે. ઘરમાં મા-બાપ અને શાળામાં ટીચર્સના દરેક નિર્દેશમાં હા કહેનાર આવાં બાળકો ભલે આજ્ઞાંકિત દેખાતાં હોય, પણ વાસ્તવમાં તેઓ પોતાની જીદ પૂરી કરવા ધાર્યું કરાવે છે. 6 સંસ્કારી વહુ કેટલાક પરિવારની સુશીલ-સંસ્કારી વહુ, જે માથું ઝૂકાવી વડીલોની દરેક વાત માને છે. શાણપણથી પરિવાર કે સાસુનું દિલ જીતી લેતી વહુની કથની અને કરનીમાં બહુ ફરક હોય છે. જોકે, એ દિલની બુરી નથી હોતી, મોકો મળતાં જ સાસુ, નણંદ, જેઠાણી કે દેરાણીની બુરાઈ કરવા માંડે છે. જૂઠું બોલવા અને સાચું વિચારવામાં તાલમેલ બેસાડતી વહુના હાવભાવ કોઇ સમજી શકતું નથી. જ્યારે સાસુ કામ કરે ત્યારે ચતુર વહુ તેમને રોકે, પણ મનોમન ચીઢાતી વહુ સાસુ વિશે નકારાત્મક જ વિચારે છે. આવી વહુ બોલે કંઈક ને કરે કંઈક. આવી વહુ પતિને પણ મીઠી વાતોમાં ભોળવે છે. 7 જીગરી દોસ્ત સાચી દોસ્તીનો દમ મારનારા કોઈક દગાબાજ દોસ્ત પણ હોય છે. જે પોતાના દોસ્તની નબળાઈ પારખી તેનો ફાયદો ઉઠાવે છે. દોસ્તની ખોટી પ્રશંસા કરવી, શુભચિંતક બનવું ને મનોમન ઈર્ષ્યા કરવી એની આદત હોય છે. આ લોકો દોસ્તીમાં બહુ લાંબા ગાળા સુધી અસલી નિયત છુપાવી શકતા નથી. એમની પોલ ક્યારેકને ક્યારેક તો ખુલ્લી પડી જ જાય છે. તમારે એમને ઓળખવાની વાર છે બસ!
Read Original Article →