પ્રવાસ:યુરોપ યાત્રા
ડૉ. નિધિ શેંદુર્નીકર-તેરે પ્રાગ અને યુરોપના મોટા ભાગના શહેરોમાં ત્યાંની સ્થાનિક ભાષાનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. પ્રાગમાં અંગ્રેજી બોલવાવાળા લોકો ઓછા જ મળ્યા. ટ્રામમાં ચઢતી વખતે મેં એક માણસ સાથે ફ્રેન્ચમાં વાત કરી કિલ્લા સુધી પહોંચવાનો રસ્તો સમજ્યો. એક વિદેશી ભાષા મને ઉપયોગી રહી. એટલે પ્રવાસીએ ધ્યાન રાખવું કે યુરોપમાં ફક્ત અંગ્રેજી બોલાતી નથી. અને ત્યાંની સ્થાનિક ભાષા આવડવી એ ઉપયોગી રહે છે.
હમણાં ગુગલ ટ્રાન્સલેટ કે ડ્યુઓલિંગો જેવી મોબાઈલ એપની મદદથી આપણે સ્થાનિક ભાષા સમજી શકીએ છીએ. ભાષાની થોડી તકલીફ તો રહેવાની એવું માનીને ચાલવું.
યુરોપિયન લોકોને પોતાની ભાષાનું જે પ્રકારનું માન છે અને જે આત્મવિશ્વાસથી એ પોતાની ભાષા કોઈ પણ જાતની શરમ કે હીનતા અનુભવ્યા વગર ગર્વથી બોલે છે. એ મારી માટે હંમેશં પ્રશંસનીય રહ્યું છે.
જો તમારે કોઈ પણ યુરોપિયન શહેર એક-બે દિવસમાં ફરવું હોય તો યુરોપના મોટા ભાગના શહેરોમાં આવેલ હોપ ઓન હોપ ઓફ બસ સુવિધા શ્રેષ્ઠ માધ્યમ છે. પર્યટકો માટે આ સુવિધા અનુકૂળ અને ખર્ચ અસરકારક છે. અમારા આગળના યુરોપ પ્રવાસોમાં પણ (લંડન, પેરિસ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ ઈત્યાદી)માં અમે અચૂક હોપ ઓન હોપ ઓફ ટૂર લીધેલ છે.
અમારી વિદેશ યાત્રાઓમાં અમને ભિન્ન ભિન્ન દેશોના લોકો સાથે સંવાદ સાધવાનો ઘણો સારો અને જાણકારી પૂર્ણ અનુભવ થયેલ છે. આથી અમારો વિશ્વ અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે.
યુરોપીયન દેશોની હજી એક વિશિષ્ટતા છે એમની જાહેર જગ્યાઓ એટલે કે એમના શહેરોના ‘Public Places’. પ્રાગમાં ઓલ્ડ ટાઉન સ્ક્વેર, નામેસ્ટી રિપબ્લિકી જેવા ઘણા વિશાળ જાહેર સ્થળો છે જ્યાં લોકો એમનો સમય પસાર કરે છે. શહેરની કોંક્રિટ ઈમારતો વચ્ચે આ સ્થળો નાગરિકોને મોકળાશ અને સ્વતંત્રતાનો અનુભવ કરાવી આપે છે. ઓલ્ડ ટાઉન સ્ક્વેર એ મને Kyiv (યુક્રેનની રાજધાની)ના ઈન્ડિપેન્ડન્સ સ્ક્વેરની યાદો તાજા કરી, જેની મુલાકાત મેં 2019માં લીધી હતી. આ જાહેર જગ્યાઓમાં તમને કોઈ ગિટાર વગાડતું, કોઈ ગીત ગાતું કે પછી કોઈ ખુશીથી નાચતું દેખાય તો આશ્ચર્ય ન પામવું. યુરોપની જાહેર જગ્યાઓમાં સમય પસાર કરતા મેં એક પ્રકારની આત્માનુભૂતિ મેળવી છે. મારા યુરોપ પ્રવાસની એ સૌથી સુંદર યાદગીરી રહી છે.
અમારી આશા મુજબ જ 12 લાખની વસ્તીવાળું આ પ્રાગ શહેર સુંદર અને એસ્થેટિક છે. પ્રાગથી અમારા પ્રવાસની ઉત્તમ શરૂઆત થઈ અને આગળ ‘ઓસ્ટ્રિયા’ તરફ જવાનો ઉત્સાહ વધ્યો. પ્રાગનો ઈતિહાસ, ત્યાંનાં લોકો, સંસ્કૃતિ અને કુદરતી સુંદરતાને મનમાં રાખી અમે અમારી આગામી મંજિલ Salzburg તરફ ઉપડ્યા.
Read Original Article →