મૂડ માઇન્ડ:મનની માયાજાળ

Magazine4/28/2026, 12:35:00 AM
મૂડ માઇન્ડ:મનની માયાજાળ
ડો. સ્પંદન ઠાકર રાત્રે દસ વાગ્યા હતા. ઋવ્યા પોતાના રૂમમાં એકલી બેઠી હતી. ઘરમાં બધું શાંત હતું… પરંતુ તેના મનમાં નહીં. ‘કોઈ મારા વિશે વાતો કરે છે…’ અવાજો સ્પષ્ટ હતા. તે અચાનક પાછળ વળી. કોઈ નહોતું. છતાં તેને અવાજ સંભળાતો, કોઈ એની ટીકા કરી રહ્યું હોય એમ. છેલ્લા છ મહિનાથી ઋવ્યામાં બદલાવ દેખાતો હતો. પહેલા હસમુખી અને મિત્રો સાથે હંમેશાં જોડાયેલી ઋવ્યા હવે ધીમે ધીમે એકલતા પસંદ કરવા લાગી. પરિવાર સાથે વાત ઓછી, રૂમમાં વધારે સમય. એક દિવસ તેની મમ્મીએ જોયું કે ઋવ્યા મોબાઈલના કેમેરા પર ટેપ ચોંટાડી રહી હતી. ‘શું કરે છે?’ ઋવ્યાએ ધીમા અવાજે કહ્યું, ‘મને કોઈ જોઈ રહ્યું છે… કેમેરાથી. તેઓ મારા વિચારો પણ વાંચે છે.’ માતા ચોંકી ગઈ. ઋવ્યા હવે ઘણી વાર કહેતી, ‘લોકો મારી પાછળ વાત કરે છે… હું જ્યાં જાઉં ત્યાં.’ ક્યારેક તે અચાનક ચીસ પાડી દેતી, ‘બંધ કરો! હું સાંભળવા નથી માગતી!’ આ માત્ર ડર નહોતો. આ એક ગંભીર માનસિક પરિસ્થિતિ તરફ સંકેત હતો. જ્યાં વ્યક્તિને અવાજો સંભળાય, શંકા અને ભ્રમ થાય, અને તે ધીમે ધીમે વાસ્તવિકતાથી દૂર થવા લાગે. પરિવારે સમય ગુમાવ્યો નહીં. તેઓ ઋવ્યાને મનોચિકિત્સક પાસે લઈ ગયા. ડોક્ટરે શાંતિથી સમજાવ્યું, ‘આ સ્થિતિને સ્કિઝોફ્રેનિઆ કહેવાય છે. આ પરિસ્થિતિમાં દવા અને થેરપી બંને જરૂરી છે.’ ઋવ્યાની સારવાર શરૂ થઈ. મનોચિકિત્સકે તેને સમજાવ્યું કે જે અવાજો તે સાંભળે છે તે તેના મનની રચના છે, વાસ્તવિક નથી. ધીમે ધીમે સંજ્ઞાત્મક વર્તન થેરપી દ્વારા તેને વિચારોને ઓળખવા અને પડકારવા શીખવાયું. સાથે સાથે, મનોચિકિત્સકે કેટલીક દવાઓ શરૂ કરી, જે મગજમાં ડોપામિનના અસંતુલનને સુધારવામાં મદદ કરે. પરિવારને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. કેટલાક મહિનાઓ પછી, ઋવ્યા સ્થિર બની. તે મદદ સ્વીકારી રહી હતી. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે આવી પરિસ્થિતિ કોઈની કમજોરી નથી, પણ એક સારવાર યોગ્ય સ્થિતિ છે. આ સ્થિતિમાં ઘણા લોકો માને છે કે વ્યક્તિનો પગ કુંડાળામાં પડી ગયો છે. હકીકત એ છે કે દવા અને દુવા બંને સાથે પણ થઈ શકે છે. સમયસર ઓળખ, યોગ્ય સારવાર અને પરિવારનો સહારો. આ ત્રણ બાબતો કોઈને પણ ફરીથી જીવન તરફ લઈ જઈ શકે છે. મૂડ મંત્ર: ‘મનના અવાજો ભ્રમ હોઈ શકે… પણ સાચો સહારો હંમેશાં વાસ્તવિક હોય છે.’
Read Original Article →